<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

‘વિરાસતથી વિકાસ-૨૦૨૬' લોકમેળોઃ યુપી-બિહારથી આવ્‍યા કારીગરો એક રાઈડ પાછળ ૮ લોકોને રોજગાર

લોકમેળો એટલે હજારો પરિવારોની રોજીરોટી! વ્‍યવસાય માત્ર કમાણીનું સાધન નથી, પરંતુ પેઢીઓથી ચાલતી આવતી પરંપરા પણ છે. ઘણા પરિવારો વર્ષોથી મેળાઓ સાથે જોડાયેલા છે તૈયારીથી સમાપન સુધી અનેક લોકોની મહેનત જોડાયેલીઃ દિવસ-રાત રાઈડ્‍સ ફિટ થઈ રહી છેઃ ગુજરાતમાં વર્ષભર મેળાઓ હજારો પરિવારોની આવકનું સાધન

રાજકોટ તા.૩૧: રાજકોટમાં યોજાનારો ‘‘વિરાસતથી વિકાસ-૨૦૨૬'' લોકમેળો માત્ર મનોરંજન અને આનંદનો ઉત્‍સવ નથી, પરંતુ હજારો પરિવારો માટે રોજગારનું મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર પણ છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્‍યોમાંથી આવેલા રાઈડધારકો, મજૂરો અને કલાકારો માટે આ મેળો આવકનું મોટું સાધન બની રહે છે. મેળાની તૈયારીઓથી લઈને તેના સમાપન સુધી અનેક લોકોની મહેનત અને જીવનનિર્વાહ તેની સાથે જોડાયેલા હોય છે.

રાજકોટમાં ‘‘વિરાસતથી વિકાસ-૨૦૨૬'' લોકમેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં વિવિધ પ્રકારની રાઈડ્‍સ, મનોરંજનના સાધનો અને આકર્ષણો જોવા મળશે. પરંતુ આ ચમકધમકની પાછળ હજારો લોકોની મહેનત અને તેમની રોજીરોટી જોડાયેલી છે. મેળો શરૂ થાય તે પહેલાં જ યુપી, બિહાર, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્‍તારોમાંથી મજૂરો અને રાઈડધારકો રાજકોટ પહોંચવા લાગે છે. તેઓ દિવસ-રાત મહેનત કરીને રાઈડ્‍સ ફિટ કરે છે, સ્‍ટોલ તૈયાર કરે છે અને મેળાના સમગ્ર માળખાને ઊભું કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે.

મેળા સાથે સંકળાયેલા આગેવાનોના જણાવ્‍યા અનુસાર સમગ્ર ગુજરાતમાં વર્ષ દરમિયાન યોજાતા વિવિધ મેળાઓ હજારો પરિવારો માટે આવકનું સાધન બને છે. મેળાની સિઝન દરમિયાન અનેક લોકો પોતાના પરિવાર સાથે એક શહેરથી બીજા શહેરમાં જઈને કામ કરે છે. મેળો પૂર્ણ થયા બાદ તેઓ રાઈડ્‍સ અને અન્‍ય સાધનોને ખોલીને આગામી મેળો યોજાનાર સ્‍થળે લઈ જાય છે. એક સામાન્‍ય રાઈડ પાછળ ચારથી આઠ લોકો સીધા રોજગાર સાથે જોડાયેલા હોય છે. તેમાં રાઈડ ઓપરેટર, ટેક્રિકલ સ્‍ટાફ, મેન્‍ટેનન્‍સ કર્મચારીઓ અને ટિકિટ વ્‍યવસ્‍થા સંભાળતા લોકોનો સમાવેશ થાય છે. કેટલીક મોટી રાઈડ્‍સમાં તો દસથી બાર લોકો સુધીની ટીમ સતત કાર્યરત રહે છે.

આ વર્ષે પણ રાજસ્‍થાનથી મોટી સંખ્‍યામાં મજૂરો અને રાઈડધારકો રાજકોટ આવ્‍યા છે. ઘણા પરિવારો માટે મેળાની સિઝન જ વર્ષભરની આવકનો મુખ્‍ય આધાર હોય છે. તેઓ મેળા સ્‍થળે જ રહેવાની વ્‍યવસ્‍થા કરે છે અને પોતાનું રાશન-પાણી સાથે રાખીને જાતે જ રસોઈ બનાવે છે. મોતના કૂવા જેવી રોમાંચક રાઈડ્‍સ પણ અનેક પરિવારો માટે રોજગારનું મોટું સાધન બની રહી છે. આ રાઈડ્‍સમાં ભાગ લેનારા રાઈડરો ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્‍યોમાંથી આવે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના રાઈડરોની સંખ્‍યા નોંધપાત્ર હોય છે, જે પોતાના કૌશલ્‍ય અને હિમતના આધારે આ ક્ષેત્રમાં કાર્ય કરે છે.

મેળા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ વ્‍યવસાય માત્ર કમાણીનું સાધન નથી, પરંતુ પેઢીઓથી ચાલતી આવતી પરંપરા પણ છે. ઘણા પરિવારો વર્ષોથી મેળાઓ સાથે જોડાયેલા છે અને તેમના બાળકો પણ આ વ્‍યવસાયમાં જોડાઈ રહ્યા છે. ‘‘વિરાસતથી વિકાસ-૨૦૨૬'' લોકમેળો લોકોને મનોરંજન આપવાની સાથે સાથે હજારો પરિવારોના જીવનમાં આર્થિક સ્‍થિરતા લાવવાનું કામ પણ કરી રહ્યો છે. આ કારણે લોકમેળો માત્ર ઉત્‍સવ નહીં, પરંતુ અનેક લોકો માટે આશા, મહેનત અને રોજગારનું પ્રતીક બની ગયો છે

(3:37 PM IST)