તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
મિલ્કતના ટાઈટલ ડીસ્પ્યુટમાં હસ્તક્ષેપ કરવાનો રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનને અધિકાર નથીઃ હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો
કોઈ સતા ન હોવા છતાં બાંધકામ પરવાનગી રદ કરતા હાઈકોર્ટે મ્યુનિ.તંત્રને દંડ ફટકાર્યો

રાજકોટ, તા.૩૧: કોઈપણ વ્યક્તિની મિલ્કતનું ટાઈટલ નક્કી કરવા ગુજરાત મ્યુનિસીપલ કોર્પોરેશન એકટમાં ટાઉન પ્લાનીંગ શાખાને કોઈ સત્તા ન હોવા છતાં બાંધકામ પરવાનગી સ્થગિત કરાતા હાઈકોર્ટે કોર્પોરેશનને રૂા.૫૦,૦૦૦/- અરજદારને ચુકવવાનો હુકમ કરતા કોર્પોરેશનમાં ચકચાર મચી જવા પામી છે.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ શહેરમાં જયરાજ પ્લોટ શેરી નં. ૪/૧૧માં આવેલ સીટી સર્વે વોર્ડ નં.૪ તથા સીટી સર્વે નં.૧૧૪૨ની મિલ્કત રજી.વેચાણ દસ્તાવેજથી (૧) કલ્પેશ નરેન્દ્રભાઈ ગઢીયા (૨) ભરતભાઈ નરેન્દ્રભાઈ ગઢીયા દ્વારા ખરીદ કરી સક્ષમ ઓથોરીટી પાસે નિયમ અનુસાર બાંધકામ પરવાનગી મેળવેલ અને તે અન્વયે નિયમ અનુસારની થતી રકમની ચુકવણી રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખામાં કરેલ અને બાંધકામ શરુ કરેલ, પરંતુ, સદરહુ બાંધકામમાં દિગવિજયસિંહ બટુકસિંહ ચૌહાણ દ્વારા એવી કોર્પોરેશન સમક્ષ રજુઆત કરવામાં આવેલ કે આ મિલ્કતમાં તેઓનો હક્ક છે અને તે સબંધેની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરેલ અને તે ફરીયાદ અન્વયે ચેપ્ટર કેસ કરવામાં આવેલ.
રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા તેઓની પાસે ફરીયાદ આવતાં તેઓએ બાંધકામ પરવાનગી મેળવનાર (૧) કલ્પેશ નરેન્દ્રભાઈ ગઢીયા (૨) ભરતભાઈ નરેન્દ્રભાઈ ગઢીયાને નોટીસ કરતાં તેઓએ નોટીસના જવાબમાં જણાવેલ કે, આ મિલ્કત તેઓએ રજી.વેચાણ દસ્તાવેજના આધારે ખરીદ કરેલ છે. તેઓ સદરહુ મિલ્કતના કાયદેસરના માલીક, કબ્જે ભોગવટેદાર છે અને ફરીયાદ કરનાર પાસે કોઈ લોકસ ન હોય કે ટાઈટલ ન હોય કે તેઓએ કહેવાતી મિલ્કત ત્રાહિત વ્યકિતને વેચાણ કર્યા બાદ આવી ફરીયાદ કરવાનો તેઓને કોઈ હકક, અધિકાર ન હોય. માત્ર માલાફાઈડ ઈન્ટેન્શનથી જ હાલની ફરીયાદ આપ સમક્ષ કરેલ છે જે ફરીયાદનો નિકાલ કરવાની સત્તા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનને ન હોય, જેથી ફરીયાદ દફતરે કરવા વિનંતી કરેલ હતી.
પરંતુ, રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા તેમના પેનલ પરના એડવોકેટશ્રી દ્વારા અભિપ્રાય લેવામાં આવેલ અને અભિપ્રાયના અંતે તેઓ દ્વારા બાંધકામ પરવાનગી આપવામાં આવેલ તે બાંધકામ પરવાનગીમાં ટાઈટલ ડીમ્પ્યુટ છે તેમ જણાવી બાંધકામ પરવાનગી સ્થગિત કરેલ.
રેકર્ડ પરનાં માલીક દ્વારા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને જે બાંધકામ પરવાનગી સ્થગિત કરવાનો જે હુકમ કરેલ તેની લીગાલીટી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પે.સીવીલ એપ્લી.નં.૮૨૫૩/૨૦૨૬થી ચેલેન્જ કરેલ જેમાં હાઈકોર્ટના જસ્ટીસશ્રી નિખીલ કરેલ દ્વારા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનને ટાઈટલ નક્કી કરવાની સત્તા છે કે કેમ? ગુજરાત મ્યુનિસીપલ કોર્પોરેશન એકટમાં રાજકોટ ટાઉન પ્લાનીંગ શાખાને મિલ્કતના ટાઈટલમાં હસ્તક્ષેપ કરવાની સત્તા છે કે કેમ? રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન સીવીલ કોર્ટની સત્તા વાપરી શકે કે કેમ? કોઈ લીગલ ઓપીનીયનના આધારે કોઈના બંધારણીય હકક છીનવી શકાય કે કેમ? તેવા વેઘક સવાલો પુછવામાં આવેલ. પરંતુ, નામદાર હાઈકોર્ટ સમક્ષ આવા કોઈ પ્રશ્નનો ઉત્તર કાયદાની દૃષ્ટિએ તથા હકીકતની દૃષ્ટિએ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ નહીં. નામદાર હાઈકોર્ટ દ્વારા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાની વર્તુણુંક ધ્યાને લઈ તેઓ દ્વારા બાંધકામ પરવાનગી સ્થગિત કરવાનો જે હુકમ કરવામાં આવેલ તે હુકમ રદ કરી અરજદારોની અરજી મંજુર કરેલ અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા અરજદારોને રૂા.૫૦,૦૦૦/- દંડની રકમ ચૂકવવાનો આદેશ કરેલ હતો.
આ કામમાં અરજદારો (૧) કલ્પેશ નરેન્દ્રભાઈ ગઢીયા (૨) ભરતભાઈ નરેન્દ્રભાઈ ગઢીયા તરફે અમદાવાદના સીનીયર કાઉન્સીલ શ્રી મેહુલભાઈ શાહ, ખીલન ચાંદરાણી, આદિત્ય પંડયા તથા રાજકોટના એડવોકેટ ૫રેશ મારૂ, દિલીપ ચાવડા, હાર્દિક જાદવ તેમજ આસીસ્ટન્ટ તરીકે અનિરૂધ્ધ સોલંકી, પ્રતિક પંડયા, દર્શિત ટોળીયા, પાર્થ બોરીચા, પાર્થ ઈશિયાણી રોકાયેલ હતા.
(4:00 PM IST)










