<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

આવાસ કૌભાંડ : વધુ ૧૧ લાભાર્થીઓને ડબલ આવાસો મળ્‍યાનો ધડાકો

મનપાના આવાસ વિભાગની કામગીરી સામે પ્રશ્‍નો ઉભા થયાઃ યોગ્‍ય વેરિફીકેશનનો અભાવ કે અન્‍ય? : વધુ લાભાર્થીઓના નામ સામે આવતા તંત્રમાં દોડધામઃ આવાસ સમિતિના ચેરમેન દિલીપ લુણાગરિયાએ તપાસ શરૂ કરાવી, જવાબદારો સામે પગલાનાં સંકેતઃ મેયર નેહલ શુકલ એ પણ તટસ્‍થ અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી

રાજકોટ, તા.૧: રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં ફરી એક વખત ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્‍યો છે. લાઈટ હાઉસ પ્રોજેક્‍ટ તથા  અન્‍ય વિસ્‍તારો રાણીટાવર, જડુસ, વાવડીમાં પણ એક-બે નહીં પરંતુ કુલ ૧૧ લાભાર્થીઓને જુદી-જુદી જગ્‍યાએ બે-બે આવાસ ફાળવાયા હોવાની વિગતો સામે આવી છે. આમ માત્ર ૧૧ વ્‍યક્‍તિઓના નામે કુલ ૨૨ આવાસ ફાળવાયાનો ચોંકાવનારો ધડાકો થયો છે.

મનપાના સતાવાર સુત્રો પાસેથી મળેલ યાદીમાં એક જ નામના ૧૧ લાભાર્થીઓને જુદી-જુદી આવાસ યોજનાઓમાં મકાન ફાળવાયેલા દર્શાવવામાં આવ્‍યા છે. અનેક એન્‍ટ્રીમાં આધાર નંબર પણ એકસરખો હોવાનું જોવા મળતાં બંને આવાસ એક જ લાભાર્થીને ફાળવાયા હોવાની બાબત વધુ ગંભીર બની છે. હવે સવાલ એ ઊભો થયો છે કે લાભાર્થીઓના આધારકાર્ડ સહિતના દસ્‍તાવેજોની ચકાસણી થતી હોવા છતાં એક જ વ્‍યક્‍તિ બીજી વખત આવાસ મેળવવામાં સફળ કેવી રીતે થઈ?

આ સમગ્ર મામલો સામે આવ્‍યા બાદ દિલીપભાઈ લુણાગરિયા દ્વારા આજે જ તપાસ શરૂ કરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે સંબંધિત લાભાર્થીઓની મૂળ અરજી, આધારકાર્ડ, આવાસ ફાળવણી, કબજાની સ્‍થિતિ અને અન્‍ય દસ્‍તાવેજોની ચકાસણી કરવામાં આવશે. તપાસમાં નિયમોનો ભંગ કરીને ડબલ લાભ લેવામાં આવ્‍યો હોવાનું સાબિત થશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

સૌથી મોટો સવાલ એ છે કે એક જ આધાર નંબર હોવા છતાં બે અલગ આવાસની ફાળવણી કેવી રીતે થઈ? લાભાર્થીની પસંદગી અને દસ્‍તાવેજોની ચકાસણી વખતે આ બાબત કેમ પકડાઈ નહીં? ઓનલાઈન કે ઓફલાઈન વેરિફિકેશનની વ્‍યવસ્‍થા હોવા છતાં ડુપ્‍લિકેટ લાભાર્થીઓ મંજૂર કેવી રીતે થયા? આ માત્ર ટેક્રિકલ કે વહીવટી ભૂલ છે કે તેની પાછળ કોઈની બેદરકારી અથવા ગોઠવણ જવાબદાર છેラતેની પણ ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે.આવાસના ૧૧ લાભાર્થીને બે-બે આવાસ મળ્‍યા તો સ્‍ક્રૂટિની કયાં થઈ? આધાર નંબરનું ક્રોસ વેરિફિકેશન કેમ ન થયું? બીજી વખત આવાસ ફાળવતી વખતે અગાઉ મળેલા આવાસની વિગતો સિસ્‍ટમમાં કેમ સામે ન આવી? અને આ સમગ્ર પ્રક્રિયામાં જવાબદારી કોની? આવા અનેક સવાલો હવે RMCના આવાસ વિભાગ સામે ઊભા થયા છે.

દરમિયાન મામલો સામે આવતાં મેયર ડો. નેહલ શુક્‍લએ તાત્‍કાલિક તપાસના આદેશ આપ્‍યા છે. બે-બે આવાસ કોના-કોના નામે ફાળવાયા છે તેની સંપૂર્ણ વિગતો ઉપરાંત આવા બીજા કેટલા લાભાર્થીઓ છે તેનું લિસ્‍ટ પણ તાત્‍કાલિક મગાવવામાં આવ્‍યું છે. તપાસમાં કોઈ ગેરરીતિ કે બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે તટસ્‍થ કાર્યવાહી કરવાની દિશામાં પગલાં લેવાય તેવી શકયતા છે.

આવાસ યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર આપવા માટે અમલમાં મૂકવામાં આવે છે. ત્‍યારે એક જ લાભાર્થીને બે આવાસ ફાળવાય તો તેના કારણે હકદાર પરિવાર આવાસથી વંચિત રહેવાનો સીધો પ્રશ્‍નો ઊભો થાય છે. હવે તપાસ માત્ર સામે આવેલા ૧૧ લાભાર્થી પૂરતી સીમિત રહે છે કે RMCની તમામ આવાસ યોજનાઓની લાભાર્થી યાદીનું આધાર નંબરના આધારે ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવે છે તેના પર મીટ મંડાઈ છે

(2:49 PM IST)