તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
કલેકટર આક્રમકઃ મહિકાની આખી શીવમ સોસાયટી ગેરકાયદે હોવાનો ચુકાદો જાહેર કર્યોઃ ર૦૦ મકાનો તોડી પડાશે
કરોડોની જમીનનો સરકારી ખરાબોઃ અનેક પ્રકારની ગેરરિતી હોવાનો ઘટસ્ફોટ : મામલતદાર તથા પ્રાંતના ચુકાદા યોગ્ય ઠેરવ્યાઃ તહેવારો બાદ હવે મેગા ડીમોલીશન

રાજકોટ, તા. ૧: રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલ મહિકા ગામની સરકારી ખરાબાની જમીન પર બિનઅધિકળત કબજો જમાવી ‘શિવમ પાર્ક રેસિડેન્ટ' નામની ગેરકાયદે સોસાયટી ઊભી કરવાના બહુચર્ચિત પ્રકરણમાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આકરો અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કલેક્ટરે દબાણકારો દ્વારા કરાયેલી અપીલ અરજીઓ આખરે નામંજૂર કરી દીધી છે, જેથી આગામી સમયમાં જૂના હુકમો મુજબ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કેસની વિગતો અનુસાર, શિવમ પાર્ક સોસાયટીના મુખ્ય પ્રયોજક મુકેશ અને તેના સાથીદારોએ મહિકા ગામના સરકારી ખરાબા (સરવે નં. ૨૮૩ પૈકી ૧) ની કિંમતી જમીનને ખાનગી માલિકીની સરવે નંબર ૨૦૦ ની જમીન તરીકે દર્શાવી મોટું કૌભાંડ આચર્યું હતું. અજ્ઞાન, શ્રમિક અને ગરીબ લોકોને સોસાયટીના પ્લોટ વેચી, બોગસ સનદ, શેર સર્ટિફિકેટ અને ખોટી પહોંચો આપીને તેમની જીવનભરની બચત ખંખેરી લીધી હતી. ભોગ બનેલા લોકોએ સ્થળ પર મકાનો બનાવી લીધા બાદ, રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ હેઠળ પેશકદમીનો કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદે દબાણ દૂર કરવા અને દંડ કરવાનો સ્પષ્ટ આદેશ કરાયો હતો.
મામલતદારના આ હુકમ સામે દબાણકારોએ મદદનીશ કલેક્ટર (રાજકોટ શહેર-૨) સમક્ષ અપીલ કરી હતી, પરંતુ ત્યાં પણ તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ દબાણકારોએ બચાવ માટે જિલ્લા કલેક્ટરની કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
કલેક્ટર કોર્ટે આ મામલે તમામ પક્ષકારોની રજૂઆતો અને લેખિત દલીલો ઝીણવટપૂર્વક ધ્યાને લીધી હતી. અંતે, કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે સરકારી જમીન પર થયેલું આ દબાણ કાયદાકીય રીતે કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી. કલેક્ટરે મદદનીશ કલેક્ટર અને મામલતદારના હુકમો કાયમ રાખીને દબાણ હટાવવાની કામગીરીનો માર્ગ સંપૂર્ણપણે મોકળો કર્યો છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાય તેવી પ્રબળ શકયતા છે
(3:26 PM IST)










