<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

સીકસલેન ગ્રીનફિલ્‍ડ રાજકોટ બાયપાસ જમીન સંપાદનમાં તંત્રની મનમાની.. ખેડુતો સાથે છેતરપિંડી છેઃ ૪૦૦થી વધૂ ખેડૂતોનો કલેકટર કચેરીમાં પડાવ

ઉગ્ર સૂત્રોચ્‍ચારઃ કલેકટર કચેરી ગજવી મૂકીઃ ૨૪ ગામના ખેડૂતો- લોકો ઉમટી પડયા... : સ્‍થાનિક લોકો માટે નિરૂપયોગી પ્રોજેકટઃ એલાઇનમેન્‍ટ તાકિદે બદલોઃ કાનુની લડત અપાશેઃ વળતર ૪ ગણુ આપોઃ સ્‍થળ ઉપર જ સંયુકત પંચનામુ ફરજીયાત કરો : કલેકટર કચેરીમાં ૪૦૦ ખેડૂતોના ધામાઃ મૂખ્‍ય દરવાજો બંધ કરવો પડયો

નવા સીકસલેન હાઇવે અંગે જમીન સંપાદનનો મામલો સળગતા આજે ૪૦૦થી વધૂ ખેડૂતો કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા. ઉગ્ર સૂત્રોચ્‍ચાર કર્યા હતા અને ૨૭ ગામના ખેડૂતોએ કલેકટરને વિસ્‍તૃત આવેદન પાઠવી રજૂઆતો કરી હતી તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૨૯: સીકસલેન ગ્રીન ફિલ્‍ડ રાજકોટ બાયપાસ અંગે જમીન સંપાદન સામે ૨૪ ગામના ખેડૂતો-લોકો આજે કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા અને કલેકટરને આવેદન પાઠવી ૬-લેન ગ્રીન ફિલ્‍ડ રાજકોટ બાયપાસ (NII-27) જમીન સંપાદનમાં તંત્રની મનમાની અને ખેડૂતો સાથે છેતરપિંડી સામે સામૂહિક વિરોધ અને આક્રોશ વ્‍યકત કર્યો હતો.

 આવેદનમાં જણાવેલ કે સ્‍થાનિક જનતા માટે સંપૂર્ણ નિરૂપયોગી પ્રોજેક્‍ટ છે. સ્‍થાનિક ખેડૂતો કે ગ્રામજનો સાથે કોઈપણ પરામર્શ કર્યા વિના તંત્ર દ્વારા એકતરફી રીતે થોપવામાં આવેલો આ ‘Access Controlled’ બાયપાસ સમગ્ર પંથક માટે અસ્‍વીકાર્ય છે. ગામો વચ્‍ચેના જૂના રસ્‍તા કપાઈ જશે. જે રસ્‍તો સ્‍થાનિક જનતા વાપરી જ ન શકે, તેવો પ્રોજેક્‍ટ વિસ્‍તારના વિકાસ માટે નહીં પણ વિનાશ સમાન છે.

તંત્ર દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો ગંભીર આક્ષેપઃ અગાઉ જ્‍યારે અસરગ્રસ્‍ત ખેડૂતોએ જિલ્લા કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર આપ્‍યું ત્‍યારે તંત્ર દ્વારા મૌખિક ખાતરી

આપવામાં આવી હતી કે શ્નઆ રોડ એક્‍સેસ કંટ્રોલ નહીં હોય, પરંતુ સ્‍થાનિક જનતા અને ખેડૂતોને સીધો ઉપયોગી બને તેવો નિયમિત રસ્‍તો જ બનશે. પરંતુ વાસ્‍તવિકતા એ છે કે NHAI ના ઓફિશિયલ પ્‍લાન પર પ્રોજેક્‍ટનું નામ આજે પણ “Development of a new 4/6 lane access controlled facility for Rajkot Bypass” જ છે. આ બાબત સાબિત કરે છે કે તંત્ર દ્વારા ખેડૂતોને અંધારામાં રાખીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. DPR છુપાવવા બાબતઃ ખેડૂતોની વારંવારની માંગણી છતાં આજદિન સુધી સત્તાવાર ડીટેઇલ્‍ડ પ્રોજેક્‍ટ રિપોર્ટ (DPR) કે જંક્‍શન ડિઝાઇન આપવામાં આવી નથી. ખેડૂતોની માલિકીની જમીન સંપાદિત કરવી પણ તેના પર કેવો રસ્‍તો બનશે તેનો DPR છુપાવવો એ કુદરતી ન્‍યાયના સિદ્ધાંતોનું પોર ઉલ્લંઘન છે.

 આવેદનમાં ઉમેર્ય હતુ઼ કે ખેડૂતોની ઉપજાવ જમીનો અને અને વડીલોપાર્જિત આજીવિકાનું નિકંદન કાઢવાને બદલે તંત્ર આ પ્રોજેક્‍ટના અલાઈનમેન્‍ટમાં તાત્‍કાલિક ફેરફાર (Alignment Change) કરે. આ રોડને ફળદ્રુપ ખેતરોમાંથી પસાર કરવાને બદલે નજીકની સરકારી પડતર કે બિન-ખેતી જમીન તરફ ડાયવર્ટ કરવામાં આવે અથવા હયાત જુના રસ્‍તાનું જ વિસ્‍તરણ કરી સ્‍થાનિકોને સીધો ઉપયોગી બને તેવો નિયમિત ઓપન રોડ બનાવવામાં આવે.

જો તંત્ર ખેડૂતો અને સમગ્ર પંથકના હજારો ગ્રામજનોની લાગણીને નજરઅંદાજ કરી આ જ અલાઈનમેન્‍ટ અને બંધિયાર ડિઝાઇન પર જબરદસ્‍તી કરશે. તો સમગ્ર વિસ્‍તારના લોકો કોઈપણ ભોગે જમીનનો કબજો સોંપશે નહીં. આ અન્‍યાય સામે તમામ ગ્રામજનો સામૂહિક રીતે રસ્‍તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને  ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કાયદાકીય મનાઈહુકમ (Stay Order) મેળવશે, જેની સંપૂર્ણ કાયદો-વ્‍યવસ્‍થાની જવાબદારી વહીવટી તંત્ર તથા NHAI ની રહેશે.

સરકારી જંત્રી અને વાસ્‍તવિક બજાર કિંમત (Market Value) વચ્‍ચેના તફાવત તથા વળતર અંગે વાંધોઃ સૂચિત પ્રોજેક્‍ટ અન્‍વયે સંપાદન થનારી જમીન માટે હાલ જે સરકારી જંત્રી ધ્‍યાને લેવામાં આવી રહી છે. તે વાસ્‍તવિકતાથી જોજનો દૂર અને અત્‍યંત જૂની છે.

આવેદનમાં અગ્રણીઓએ પાઠવેલ છે લેખિત જવાબ વિના આગળની કાર્યવાહી ગેરકાયદેસર ગણાશે. આથી સ્‍પષ્ટ અને કાયદેસરની માંગણી છે કે અરજદાર દ્વારા અગાઉ આપેલી વાંધા અરજી તેમજ આજના પૂરક આવેદનના પ્રત્‍યેક મુદ્દાવાર તંત્ર દ્વારા સ્‍પષ્ટ લેખિત જવાબ (Written Reply) આપવામાં આવે. સુનાવણીના અંત સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા જે પણ નિર્ણય લેવાય. તેની સહી-સિક્કાવાળી કાયદેસરની આદેશ નકલ (Speaking Order Copy) ટપાલ/રૂબરૂ મારફત અરજદારને પહોંચતી કરવામાં આવે. જ્‍યાં સુધી અરજદારને તેમના વાંધાઓ અંગેનો વિગતવાર લેખિત નિર્ણય સત્તાવાર રીતે ન મળે, ત્‍યાં સુધી કલમ-3D હેઠળનું આખરી જાહેરનામું બહાર પાડવું તે કુદરતી ન્‍યાયના સિદ્ધાંતોનું ઘોર ઉલ્લંઘન ગણાશે અને તેને નાયલર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કાયદાકીય પડકાર ફેંકવા માટેનો મુખ્‍ય આધાર બનાવવામાં આવશે.

ઉપરોક્‍ત તમામ બાબતો. જ્‍યાં સુધી તમામ અસરગ્રસ્‍તોને સત્તાવાર DPR ની નકલ આપવામાં ન આવે. એક્‍સેસ કંટ્રોલ શરત હટાવી લોકઉપયોગી ડિઝાઇનની લેખિત સત્તાવાર ખાતરી ન મળે, સ્‍થળ પર સંયુક્‍ત પંચનામું ન થાય અને જમીનની વાસ્‍તવિક બજારભાવ ના ચાર ગણા તેમજ ખેડૂતે પરસેવાની કમાણીથી ઊભા કરેલા માળખાંની બજારભાવ મુજબ વળતરની ગણતરી ન થાય. ત્‍યાં સુધી નેશનલ હાઇવે અધિનિયમની કલમ-3(C)(૨) હેઠળ આ પૂરક રજૂઆત રેકોર્ડ પર લઈ કલમ-3D સહિતની તમામ આગળની કાર્યવાહી તાત્‍કાલિક અસરથી સ્‍થગિત રાખવા નમ્ર અરજ છે.

રાજકોટ બાયપાસમાં આવતા તમામ ગામો સડક પીપળીયા, અરડોઇ, નારણકા, રાજપરા, ભાયાસર, કાથરોટા, પાડાસણ, અણિયાળા, ઢાંઢણી, ગઢકા, રફાળા, મઘરવાળા, સાયપર, કુચીયાદળ, રામપરા બેટી,,રાજકોટ કોટડાસાંગાણી, ગોંડલ તાલૂકાના ૪૦૦થી વધૂ ખેડૂતો ગ્રામજનો જોડાયા હતા અને કલેકટર કચેરી ગજવી મૂકી હતી. (૩

 

 

(2:51 PM IST)