તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
વિઠ્ઠલવાવમાં બાંધકામની મજૂરીના પૈસા દેવા ટાણે હસુ મોલીયાએ કહ્યું-વયા જાવ અહિથી નહિતર જીવવા જેવા નહિ રહેવા દઉં!
નવાગામ રંગીલા સોસાયટીના કિશોર મકવાણાએ પિતા સાથે મળી ગોડાઉનનું બાંધકામ પુરૂ કર્યા બાદ ઉપાડની રકમ બાદ કરી બાકીના ૩ લાખની ઉઘરાણી કરતાં ગાળો અને ધમકી મળ્યાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૪: શહેરના કુવાડવા રોડ પર નવાગામ વિસ્તારમાં રહેતાં બાંધકામ કોન્ટ્રાકટ્ર યુવાન અને તેના પિતાએ રાજકોટ ભાવનગર હાઇવે પર વિઠ્ઠલવાવ ગોૈશાળા નજીક રાજકોટ સોરઠીયાવાડીના રહેવાસીના ફાર્મ હાઉસ ખાતે ગોડાઉન, ઓફિસ, પાર્કિંગનું બાંધકામ ઉધડેથી રાખી આ કામ અલગ અલગ મજુરોને સાથે રાખી પુરૂ કર્યા બાદ અગાઉ ઉપાડ પેટે લીધેલી રકમ બાદ કરી બાકીના રૂા. ૩ લાખની ઉઘરાણી કરતાં તેણે આ પિતા-પુત્રને ગાળો દઇ હવે કોઇ પૈસા બૈસા દેવાના થતાં નથી, અહિથી નીકળી જાવ નહિતર જીવવા જેવા રહેવા નહિ દઉં તેવી ધમકી આપતાં અને કોન્ટ્રાક્ટર યુવાનને ભાઇએ ફોન કરી લેણી રકમની ઉઘરાણી કરતાં તેને પણ જેમ તેમ કહી દેતાં અંતે ફરિયાદ દાખલ કરાવાઇ છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે નવાગામ રંગીલા સોસાયટી રામદેવ પાર્ક-૨માં રહેતાં કિશોરભાઇ ગોરધનભાઇ મકવાણા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી સોરઠીયાવાડીમાં રહેતાં હસુભાઇ કરસનભાઇ મોલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કિશોરભાઇ પરિવાર સાથે રહે છે અને કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. કિશોરભાઇએ જણાવ્યું હતું કે અઢી મહિના પહેલા મેં સોરઠીયાવાડીના હસુભાઇ મોલીયાનું ગોડાઉન જે રાજકોટ-ભાવનગર હાઇવે પર વિઠ્ઠલવાવ ગોૈશાળા પાસે રવિરાજ ફાર્મ સામે છે તયાં ડુંગળીનું ગોડાઉન, ઓફિસ અને પાર્કિંગ બનાવવાનું બાંધકામ ઉધેડથી રાખ્યું હતું. આ કામ કરવા હું, મારા પિતાજી ગોરધનભાઇ તેમજ દેવાભાઇ કડીયા, મુકેશભાઇ કડીયા અને બીજા ચાર મજુરો જતાં હતાં. બે મહિના અને સત્તર દિવસ સુધી સતત કામ કરીને સાઇટ પુરી કરી હતી.
આ કામ માટે મેં સેન્ટીંગ બાંધવાવાળા મજૂરો, તેમજ લોખંડ બાંધવાવાળા ઉમેશભાઇ ધાડવી, ઘનશ્યામભાઇને પણ કામમાં સામેલ કર્યા હતાં. આ ઉપરાંત લાદી ચોટાડવા માટેનું કામ અશોકભાઇ મોરવાડીયાને આપ્યું હતું. પ્લમ્બીંગનું કામ મેહુલભાઇને સોંપ્યું હતું. આ બધાની સાથે મળી મેં હસુભાઇનું કામ પુરૂ કર્યુ હતું. એ પછી મારે મજુરોને રૂપિયા આપવાના હોઇ મેં હસુભાઇ મોલીયાએ દિવાળી પહેલા ઉપાડ પેટે કટકે કટકે રૂા. ૫,૧૫,૦૦૦ મને આપ્યા હતાં. બાદમાં ૩૦/૧૦ના રોજ પ હજાર મળી કુલ રૂા. ૫,૬૫,૦૦૦ મને આપ્યા હતાં.
બાદમાં તા. ૬/૧૧ના રોજ હું અને મારા પિતાજી હસુભાઇ પાસે કામનો કુલ હિસાબ કરવા ગયા હતાં. હિસાબ કરતાં રૂા. ૮,૭૩,૨૪૦ થયા હતાં. આથી અમે ઉપાડ પેટેની રકમ બાદ કરી બાકી નીકળતાં રૂા. ૩,૦૮,૨૪૦ લેવાના થતાં હોઇ આ રકમની હસુભાઇ પાસે ઉઘરાણી કરતાં તેણે હવે પૈસા-બૈસા કાંઇ છે નહિ, વયો જા અહિથી એમ કહી જેમ તેમ બોલી મને અને મારા પિતાજીને બહાર કાઢી મુક્યા હતાં. તેમજ હવે તમારી મજુરીના રૂપિયા ભુલી જજો તેમ કહી ગાળો દીધી હતી અને હવે પછી આવતો નહિ, નહિતર મજા નહિ આવે તેમ કહ્યું હતું. તેને ગાળો બોલવાની ના પાડતાં તેણે ફરીથી ધમકી આપી હતી કે અહિથી જતો રહે નહિતર જીવવા જેવો નહિ રહેવા દઉં, મારી નાંખીશ.
આવી ધમકી માથાકુટથી હું અને મારા પિતાજી ડરીને ત્યાંથી નીકળી ગયા હતાં. બાદમાં બીજા દિવસે મારા નાના ભાઇ ધાર્મિકે પણ પૈસા માટે હસુભાઇને ફોન કરતાં તેને પણ હસુભાઇએ જેમ ફાવે તેમ બોલીને પૈસાની ના પાડી દીધી હતી. અમે વારંવાર ઉઘરાણી કરવા છતાં તે પૈસા આપતાં ન હોઇ અને ગાળો દઇ ધમકી દેતાં હોઇ અંતે અમારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં કિશોરભાઇ મકવાણાએ કહેતાં આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:08 PM IST)










