તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
બીજા માળની અગાસીએથી પટકાતાં ૭૫ વર્ષના બાલકૃષ્ણભાઇ લખલાણીનું મૃત્યુ
કોઠારીયા રોડ મારૂતિનગરમાં બનાવઃ પાળી પર બેઠા'તા ને ચક્કર આવ્યા હૃદય ધબકારા ચુકી જતાં રામરણુજા સોસાયટીના વિનોદભાઇ ટાંકનું અને ચક્કર આવ્યા બાદ બેભાન થઇ જતાં દુધ સાગર ડેરી પાસે જાકીરભાઇ શેખનું મૃત્યુ

રાજકોટ તા. ૨૩: કોઠારીયાર રોડ પર મારૂતિનગરમાં રહેતાં વૃધ્ધ બીજા માળની અગાસી પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ મારૂતિનગર શેરી નં. ૪માં રહેતાં બાલકૃષ્ણભાઇ ઉમિયાશંકર લખલાણી-બ્રાહ્મણ (ઉ.વ.૭૫) ગઇકાલે સવારે દસેક વાગ્યે પોતાના ઘરની બીજા માળની અગાસીની પાળી પર બેઠા હતાં ત્યારે એકાએક ચક્કર આવતાં નીચે પડી જતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર બાલકૃષ્ણભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે નિવૃત એસટી કર્મચારી હતાં. અગાસીએ પાણીનો ટાંકો ભરાતો હોઇ તેઓ પાળી પર બેઠા હતાં. આ વખતે એકાએક ચક્કર આવતાં અકસ્માતે પડી ગયાનું સગાએ જણાવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
બીજા બનાવમાં કોઠારીયા રણુજા મંદિર પાછળ રામરણુજા સોસાયટી-૧માં કનૈયા ચોક ખાતે રહેતાં વિનોદભાઇ શામજીભાઇ ટાંક-કડીયા (ઉ.વ.૪૮) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વિનોદભાઇ ચાર ભાઇમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. મોભીના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇગયો હતો.
ત્રીજા બનાવમાં દૂધ સાગર રોડ પર રહેતાં મુળ યુપીના જાકીર જુલુમ શેખ (ઉ.વ.૫૨) કામ કરતી વખતે ચક્કર આવતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જાકીર શેખને સંતાનમાં બે દિકરા અને એક દિકરો છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
(3:02 PM IST)










