<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

નવી કોર્ટ નજીક ૮૦ ફુટ રોડ પર બાઇક રોડ નીચે ઉતરી જતાં જતીન જાનીનું મોત

૨૮ વર્ષિય યુવાન લોન માર્કેટીંગનું કામ કરતો હતોઃ એકના એક દિકરાના મોતથી રવિરાંદલ પાર્કના પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૭: જીવલેણ વાહન અકસ્‍માતના વધુ એક બનાવમાં એક પરિવારે યુવાન આશાસ્‍પદ દિકરો ગુમાવ્‍યો છે. નવી કોર્ટ નજીક ૮૦ ફુટ રોડ પર બાઇક રોડ નીચે ઉતરી જઇ સ્‍લીપ થઇ જતાં ચાલક રવિરાંદલ પાર્કના યુવાનનું મૃત્‍યુ થયું છે. આ યુવાન ફાયનાન્‍સ કંપનીમાં લોન માર્કેટીંગનું કામ કરતો હતો.

જાણવા મળ્‍યા મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રવિ રાંદલ પાર્ક-૧માં રહેતો જતીનભાઇ પ્રફુલભાઇ જાની (ઉ.વ.૨૮) નામનો યુવાન સવારે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે જામનગર રોડ નવી કોર્ટ બિલ્‍ડીંગ નજીક ૮૦ ફુટ રોડ પર પહોંચતા કોઇપણ કારણોસર કાબુ ગુમાવતાં બાઇક રોડ નીચે ઉતરી સ્‍લીપ થઇ જતાં તેને ગંભીર ઇજા થઇ હતી.

બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. તેના તબિબે જતીનભાઇને ઘટના સ્‍થળે જ મૃત જાહેર કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર જતીનભાઇ એક બહેનથી મોટો અને અપરિણીત તથા પરિવારનો આધારસ્‍તંભ હતો. તે બજાજ ફાયનાન્‍સમાં લોન માર્કેટીંગનું કામ કરતો હતો. તેના પિતા સિક્‍યુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

ભગવતીપરામાં પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

 ભગવતીપરામાં ઝમઝમ બેકરી નજીક રહેતાં ક્રિષ્‍નાબેન ધવલભાઇ બોરીચા (ઉ.વ.૨૪) નામના પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આપઘાત કરનારના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. તેણીના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. બનાવથી સાસરીયા-માવતર પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:55 PM IST)