News of Thursday, 26th November 2026
રાજયભરના ૮૬ મામલતદારોની બદલીઃ રાજકોટના આઠ મામલતદારોની બદલી નિમણુંક : ત્રણ ના. મામલતદારને બઢતી
રાજકોટના મકવાણા, ભટ્ટ, પટોળીયા બદલાયાઃ રાજકોટ પુર્વમાં અરવિંદ રાઠોડને મુકયા

રાજકોટ, તા., ર૬: રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે એકસાથે બે મહત્વપૂર્ણ બદલીના આદેશો જાહેર કર્યા છે.
મામલતદાર વર્ગ-૨ સંવર્ગના ૮૬ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧ના ૮ અધિકારીઓની પણ બદલી અને નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ૩ નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર તરીકે નિમણૂક અપાઈ છે.
મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાજકોટના ૮ મામલતદાર બદલાયા છે.
જુનીયર સ્કેલના ૮ અધિકારીઓની પણ બદલી
ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ના ૮ અધિકારીઓને પણ નવી જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં વંદના એચ. પરમારને GLPC, ગાંધીનગરમાં આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયાં છે. હિરલબેન ભાલાળાને સુરતના જમીન સંપાદન યુનિટ-૨માં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે જવાબદારી અપાઈ છે.
નાયબ કાર્યપાલક ઇજનેરોની
બદલી, બદલી, બે અધિકારીઓને
નવી જગ્યાએ પોસ્ટિંગ
ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બે નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)ની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. વિભાગના આદેશ મુજબ સુમિત રતિલાલ પ્રજાપતિની મધ્યસ્થ આલેખન તંત્ર, ગાંધીનગરથી રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ હેઠળ રાજકોટ હસ્તકના પંચાયત સિંચાઈ પેટા વિભાગ, ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે વિમલકુમાર ગુલાબભાઈ પટેલની ઉકાઈ હેડ વર્ક્સ જળ યોજના નહેર પેટા વિભાગ નં. ૨, આહવાથી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.
૩ નાયબ મામલતદારોને બઢતી
મહેસૂલ વિભાગે ત્રણ નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર તરીકે નિમણૂક પણ આપી છે. જેમાં નિલેશ એ. ખરાડીને મહેસાણાના વડનગર, અર્પણ એસ. ચાવડાને સાબરકાંઠા કલેક્ટર કચેરી અને નરેન્દ્ર એન. ચૌધરીને છોટાઉદેપુરના નસવાડી ખાતે મામલતદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટ શહેરના જે ૮ મામલતદારની બદલી અને નિમણુંક થઇ તેમાં જેતપુરના મહેશ પટોળીયાને જામખંભાળીયા, ગોંડલના ડી.ડી.ભટ્ટને જુનાગઢ, અમરેલીના વિશાલ ત્રિવેદીને ગોંડલ ખાતે, રાજકોટ તાલુકાના કિર્તીકુમાર મકવાણાને મહેસાણા, આણંદના ભગીરથસિંહ ચુડાસમાને રાજકોટ તાલુકામાં, જામનગરના અશ્વીન દોશીની રાજકોટ, ભાવનગરના શકિતસિંહ ઝાલાને વિંછીયા તથા રાજકોટના અરવિંદ રાઠોડને રાજકોટના પુર્વ વિસ્તારના મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.
(12:02 PM IST)










