<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

સરધારના લાખાપરના ખેડુત માવજીભાઇ કાનાણીની દોઢ કરોડની ૯ વિઘા જમીન બારોબાર વેંચાઇ ગઇ!

રાજેશ નામના શખ્‍સે વાડીએ આવી જમીન-મકાનનો ધંધાર્થી છે, જમીન લેવી છે કહેતાં વૃધ્‍ધે પોતાની જ જમીન વેંચવાની છે એવુ કહ્યું: ગઠીયાએ વૃધ્‍ધના પત્‍નિના પાનકાર્ડ-આધારકાર્ડ મેળવી બારોબાર સોદો દસ્‍તાવેજ કરાવી લીધો ં: આજીડેમ પોલીસે સરધારના મહાવીરસિંહ વાળા, આજીડેમ ચોકડીના રાજ સોલંકી, મનહરપુરના ભાવેશ નિમાવત અને અજાણી મહિલા સામે ગુનો નોંધ્‍યોઃ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. વરૂએ મહાવીરસિંહની ધરપકડ કરી : સરધારનો એક શખ્‍સ ઝડપાતાં રિમાન્‍ડ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૨૫: તાલુકાના સરધાર નજીકના લાખપર ગામે રહેતા અને ખેતીકામ કરતા એક વૃધ્‍ધ ખેડૂતની આશરે દોઢ કરોડ રૂપિયાની કિંમતી જમીન બોગસ મહિલા ઊભી કરીને તથા નકલી દસ્‍તાવેજોના આધારે વેચી મારવાનું એક મોટું કૌભાંડ સામે આવ્‍યું છે. આ અંગે ભોગ બનનાર ખેડૂતે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથકમાં ચાર શખ્‍સો સામે  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત કાવતરૂં અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી એક આરોપીને ઝડપી લીધો છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે લાખાપર રહેતાં  માવજીભાઈ મનજીભાઈ કાનાણી (ઉ.વ. ૬૨)ની ફરિયાદ પરથી સરધારના મહાવીરસિંહ રાવતબાપુ વાળા, તેમજ મુળ સરધારના હાલ માન સરોવર સોસાયટી-૧ આજીડેમ ચોકડી પાસે રહેતાં રાજ વીભાભાઇ સોલંકી, રાજકોટ મનહરપુરના ભાવેશ જસવંતરાય નિમાવત અને અજાણીસ્ત્રી તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે. ફરિયાદની વિગત મુજબ માવજીભાઇના પત્‍િ ન વજીબેનના નામે સરધાર અને લાખપર ગામની વચ્‍ચે સર્વે નંબર-૫૩૪ પૈકી ૧ વાળી આશરે ૯ વીઘા (૧-૭૧-૬૪ હેક્‍ટરે) જમીન આવેલી છે. આશરે દોઢેક મહિના પહેલાં રાજુભાઈ નામનો એક શખ્‍સ માવજીભાઈની વાડીએ આવ્‍યો હતો અને પોતે જમીન લે-વેંચનું કામ કરે છે, કોઇ જમીન વેચાઉ હોય તો જણાવવાનું કહેતાં માવજીભાઇએ પોતાની જ જમીન વેચવાની વાત કરી હતી. ત્‍યારે રાજેશ નામના આ શખ્‍સે આ જમીનની કિંમત રૂા. ૧ કરોડ ૫૫ લાખ ઉપજશે તેવી લાલચ આપી હતી.

આ પછી જમીન ખરીદનાર પાર્ટીને બતાવવાના બહાને રાજુભાઈએ માવજીભાઈ પાસેથી તેમના પત્‍નિનું પાનકાર્ડ અને પોતાનું આધારકાર્ડ લાખપર બસ સ્‍ટેન્‍ડ પાસે મેળવી લીધા હતા અને પોતાના મોબાઈલમાં તેના ફોટા પાડી લીધા હતા. દસ્‍તાવેજો મેળવ્‍યા બાદ રાજુભાઈએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. થોડા દિવસ પછી ફરી ફોન જોડતાં કનેક્‍ટ થયો હતો. આથી માવજીભાઇએ જમીનનો સોદાની બેઠક ક્‍યારે કરવી છે પુછતાં તેણે પોતે હરિદ્વાર હોઇ આવીને બેઠક કરીશું તેમ કહ્યું હતુ.

પણ થોડા દિવસો બાદ માવજીભાઈના ઘરે એક કાનુની નોટિસ આવી હતી. આ નોટિસ તેમના ભાઈ જયસુખભાઈએ વાંચતા આંચકો લાગ્‍યો હતો, કારણ કે તેમાં જમીન મહાવીરસિંહ રાવતબાપુ વાળાના નામના વ્‍યક્‍તિએ ખરીદી લીધી હોવાનો ઉલ્લેખ હતો. માવજીભાઈ અને તેમના પત્‍નિએ કોઈ જગ્‍યાએ સહી-અંગુઠો ન કર્યો હોવા છતાં આ જમીનનો દસ્‍તાવેજ થઈ ગયો હોવાનું જાણી તેઓ ચોંકી ઉઠ્‍યા હતા.

જમીનની વિગતો કઢાવતા માલુમ પડ્‍યું હતું કે રાજકોટ સબ રજિસ્‍ટ્રાર-૨ કચેરી ખાતે ગત તા. ૦૧/૦૬/૨૦૨૬ના રોજ દસ્‍તાવેજ નં. ૪૨૨૪/૨૦૨૬થી આ જમીનનું વેચાણ થઈ ગયું હતું. આરોપીઓએ એક સોંપાયેલા કાવતરાના ભાગરૂપે માવજીભાઈના પત્‍નિ વજીબેનના બદલે કોઈ અજાણીસ્ત્રીને વજીબેન તરીકે સબ રજિસ્‍ટ્રાર કચેરીમાં રજૂ કરી દીધી હતી. આ અજાણી મહિલાનો ફોટો સરકારી દસ્‍તાવેજમાં લગાડી, ખોટી ઓળખ આપીને કરોડોની જમીન પચાવી પાડવામાં આવી હતી.

આ સમગ્ર કૌભાંડ આચરવા બદલ આજીડેમ પોલીસે માવજીભાઈ કાનાણીની ફરિયાદના આધારે નીચે અજાણી મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કોૈભાંડમાં વપરાયેલા બોગસ આઇડી પ્રુફને આધારે સુત્રધાર સહિતને ઝડપી લેવા પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. વરૂએ તપાસ શરૂ કરી એક આરોપી સરધારના મહાવીરસિંહ રાવતબાપુ વાળાને ઝડપી લઇ તેની વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. 

 

(2:20 PM IST)