તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
રાજકોટની રાષ્ટ્રીય શાળા સંચાલિત ગૌરવવંતી ‘સંગીત મહાવિદ્યાલય’ની ૯૪ વર્ષની ઐતિહાસિક સફરઃ શતાબ્દી તરફ શાનદાર કૂચ
શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યની ‘સંગીત વિશારદ' સુધીની સઘન તાલીમઃ ૬ થી ૬૫ વર્ષના કોઈપણ વયજૂથ માટે કલાના ખુલ્લા પ્રવેશદ્વાર સને ૧૯૨૪માં લાખાજીરાજ બાપુએ આપેલી ૧૩ એકર જમીન અને પૂજ્ય ગાંધીજીએ ઘડેલા બંધારણ સાથે શરૂ થયેલી રાષ્ટ્રીય શાળાનું સંગીત ક્ષેત્રે મહામૂલું યોગદાન પંડિત ઓમકારનાથ ઠાકુર, પંડિત રવિશંકર, અને ગોસ્વામી બિદુજી મહારાજ જેવા દિગ્ગજોના પાવન પગલાંથી પવિત્ર થયેલું ઐતિહાસિક કલાતીર્થ

રાજકોટઃ રાષ્ટ્રની ગૌરવ સમી ભવ્ય વિરાસત એટલે રાજકોટની રાષ્ટ્રીય શાળા. આ રાષ્ટ્રીય શાળા સંચાલિત ગૌરવવંતી ‘સંગીત મહાવિદ્યાલય' ૯૪ વર્ષની સફળતાની સફર પૂરી કરી શતાબ્દી તરફ કૂચ કરી રહી છે. આ આગવી અને રસપ્રદ ગાથાનો ભવ્ય ઇતિહાસ રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટના મેનેજિગ ટ્રસ્ટીશ્રી જીતુભાઈ ભટ્ટ અને પ્રમુખશ્રી જયંતિભાઈ કલરીયાના માર્ગદર્શન હેઠળ જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડે અકિલાના વાંચકો અને સંગીતપ્રેમી પ્રજા માટે અત્યંત વિસ્તૃત અને સંકલિત માહિતી સ્વરૂપે પ્રસ્તુત કર્યો છે.
રાષ્ટ્રીય શાળાનું નામ સાંભળતા જ એક સદીથી વધુ સમયનો ભવ્ય ને ગૌરવવંતો ઇતિહાસ નજર સમક્ષ ઉજાગર થાય છે. આજથી અંદાજે ૧૦૩ વર્ષ પૂર્વે તા.૧-૨-૧૯૨૧ની વસંત પંચમીએ શહેરના રજપૂતપરા વિસ્તારના એક નાના મકાનમાં આ સંસ્થાની શુભ શરૂઆત થયેલ. સને ૧૯૨૪માં રાજકોટના અતિ લોકપ્રિય પ્રજાવત્સલ રાજવી શ્રી લાખાજીરાજ બાપુએ આ સંસ્થાની લોકોપયોગી અને લોકજાગૃતિ પ્રવૃત્તિ માટે ૧૩ એકર (૬૬,૪૬૧ વાર) જમીન આપેલી. આ સંસ્થાના બંધારણનો મુસદ્દો ખુદ ગાંધીજીએ બનાવેલ. છેલ્લા ૧૦૪ વર્ષથી આ સંસ્થામાં અનેક રાજાહિતના ને રાષ્ટ્રહિતના લોકકલ્યાણના કાર્યો અવિરત ચાલુ છે, તે પૈકી એક સંગીત મહાવિદ્યાલય છે.
રાષ્ટ્રીય શાળા સંચાલિત 'સંગીત મહાવિદ્યાલય'ની સ્થાપના સને ૧૯૩૮માં એક સંગીત ક્લાસમાંથી થઈ હતી. સંસ્થાની સ્થાપનાથી જ સંગીતને એક વિષય તરીકે સ્થાન અપાયેલું હતું, પણ બહારના વિદ્યાર્થીઓ સવાર-સાંજના સમયમાં સંગીતનો અભ્યાસ કરી શકે તે હેતુથી સને ૧૯૩૬ની સાલમાં સંગીત વર્ગ શરૂ કરવામાં આવ્યો. તે વખતે બાળમંદિરનું સંચાલન કરતા બહેન કુસુમબેન ગાંધીએ સંચાલન સંભાળેલું અને સંગીતકાર પ્રો. વાસુદેવ અનગરેને શિક્ષક તરીકે રોકવામાં આવ્યા. ત્યારબાદ ૫ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ વસંત પંચમીના દિવસે ‘રાષ્ટ્રીય શાળા સંચાલિત મહા સંગીત વિદ્યાલય'ના નામથી વિધિવત સ્થાપના થઈ. પં.વિષ્ણુદિગંબર પલુસ્કરના પ્રમુખ શિષ્ય અને ગાંધીજીના સાબરમતી આશ્રમના અંતેવાસી પં.નારાયણરાવ ખરેજીના હસ્તે ઉદઘાટન નક્કી થયેલ હતું, પરંતુ અનિવાર્ય કારણોસર તેઓ આવી શક્યા નહોતા. ભારતના નામાંકિત સંગીતજ્ઞો પ્રો. વિનાયકરાવ પટવર્ધન, પ્રો. શંકરરાવ વ્યાસ, પ્રો.ધૂંડેરાજ પલુસ્કર અને પ્રો.નારાયણરાવ વ્યાસના સંદેશાઓ પ્રાપ્ત થયા હતા. સંગીત કલાનું પુનરુજ્જીવન કરવું, અશિક્ષિત લોકોમાં જઈ પડેલી સંગીત કલાને પ્રતિષ્ઠિત સ્થાને મૂકવી, શાષીય સંગીતનું શિક્ષણ આપવું અને સંગીત દ્વારા ધાર્મિક-રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવી એવા ચાર સ્પષ્ટ ધ્યેય વિદ્યાલય સામે હતા. ઈ.સ. ૧૯૪૦માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ (મુંબઈ) સાથે જોડાણ કરી પરીક્ષાઓ દાખલ કરાઈ અને સૌરાષ્ટ્રનું પ્રથમ પરીક્ષા કેન્દ્ર રાજકોટ બન્યું.
પ્રો. વાસુદેવ અનગરે છૂટા થયા પછી ૧૯૪૦માં સંગીત પ્રવીણ પ્રો. એકનાથજી પરગાવકર વિદ્યાલયને મુખ્ય અધ્યાપક તરીકે મળ્યા. એમની પાસે તાલીમ લઈ કંઠ્ય સંગીતમાં સૌ. વિજયાબેન ગાંધી અને દિલરૂબા વાદનમાં કુમારી મંજુલાબેન ગાંધીએ ઈ.સ. ૧૯૪૨માં સૌપ્રથમ ‘સંગીત વિદ્યાલય'ની પદવી પ્રાપ્ત કરી. બાદમાં ૧૯૭૫માં સૌ. વિજયાબેન ગાંધીએ 'સંગીત શિક્ષા વિશારદ'ની પરીક્ષામાં ભારતભરમાં સૌપ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૧૯૫૦માં કરાંચીથી આવેલા અમુભાઈ દોશી સંગીત અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૫૧માં વાયોલીન વાદક શ્રી બિદુમાધવ તેંડુલકર અને ૧૯૫૧ થી ૫૪ સુધી પ્રખ્યાત બીનકાર મહમદખાન ફરીદીએ સિતાર વાદનનું શિક્ષણ આપેલું. ૧૯૫૪માં અમુભાઈ દોશીની સંસ્થા અને રાષ્ટ્રીય શાળાની સંસ્થાનું એકીકરણ કરી 'સંગીત મહાવિદ્યાલય' નામ રખાયું.
શાસ્ત્રીય સંગીત ઉપરાંત સુગમ સંગીત અને સમૂહગાનનો પણ અહીં સુંદર વિકાસ થયો. ભાવનગરના સ્વ. જગદીપભાઈ વિરાણીએ દર અઠવાડિયે રાજકોટ આવીને સુગમ સંગીતનું શિક્ષણ આપ્યું હતું. ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટના શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે ૧૯૬૧-૬૨માં ૪૦ ભાઈ-બહેનોનું સમૂહગાન વૃંદ તૈયાર થયું હતું. ભજનો શીખવા આવતા લોકો માટે ખાસ ભજન વર્ગો પણ ચલાવાયા હતા.
સંગીતમાં માત્ર ગાયન-વાદન જ નહીં, નૃત્ય અને નાટ્ય કલા પણ ખીલી હતી. શ્રી ગિરીશભાઈ રાવળ દ્વારા કથકલી અને મણિપુરી નૃત્ય વર્ગો ચાલ્યા. શ્રી યોગેન્દ્રસુંદર અને શ્રી નટવરલાલ વાકાણીની સેવાઓ પણ મળી. ૧૯૪૬માં ‘ભક્ત મીરાં', ‘મંદિર પ્રવેશ' અને ‘ગ્રામ્ય જીવન' નામની નૃત્ય નાટિકાઓ રજૂ થઈ હતી. જુલાઈ ૧૯૬૯માં શ્રી નિવાસ સિનોય અધ્યાપક તરીકે આવ્યા પછી ભરત નાટ્યમના વર્ગો અને પદવીઓનું શિક્ષણ શરૂ થયું.
સાહિત્ય અને સંગીતના સમન્વય રૂપે સ્વ. ઝવેરચંદ મેઘાણી, શ્રી સુંદરમ અને શ્રી સ્નેહરશ્મિ જેવા ગુજરાતી શાયરોને આમંત્રિત કરાયા હતા. નાટ્ય કલાધર શ્રી જશવંતભાઈ ઠાકરની તાલીમ નીચે કલાકારોએ ૧૯૫૩માં શ્રી ગુણવંતભાઈ આચાર્ય લિખિત ‘જોગમાયા' નાટક ભજવ્યું હતું, જેને સ્વ. પ્રાણલાલભાઈ દેવકરણ નાનજીની સહાય મળી હતી.
પ્રકાશન ક્ષેત્રે પણ સંસ્થા અગ્રેસર રહી. ૧૯૩૯માં પં.નારાયણરાવ ખરેજીના લેખોનું 'ગુજરાતમાં સંગીતનું પુનરુજ્જીવન' નામે ૫૦૦ પાનાનું પુસ્તક પ્રગટ થયું. ૧૯૫૧માં અમુભાઈ દોશી લિખિત 'ગીત ગુર્જરી' અને ૧૯૫૨માં સંગીત શિક્ષકો માટે દસ દિવસની તાલીમ શિબિર યોજાઈ હતી. એપ્રિલ ૧૯૬૦માં મહાન ગોસ્વામી બિદુજી મહારાજ અને સીતારામ શાષીજીના વ્યાખ્યાનો યોજાયા હતા, જેને સાંભળવા હજારોની મેદની ઊમટતી. આ ઉપરાંત ભારતીય સંગીત કલાધરોના કાર્યક્રમો અને પ્રવચનોનું દોઢસો કલાકનું ટેપ રેકોર્ડિગ સંસ્થા પાસે જળવાયું છે.
એપ્રિલ ૧૯૪૮માં સૌરાષ્ટ્ર સંગીત કલા પરિષદ યોજાઈ હતી, જેમાં આચાર્ય કાકાસાહેબ કાલેલકર અને મહાન ગાયનાચાર્ય પં. ઓમકારનાથજી ઠાકુર પધાર્યા હતા. જેમાં શિવકુમાર શુક્લ, યશવંતરાય પુરોહિત, માસ્તર વસંત અમૃત જેવા કલાકારોએ ભાગ લીધો. ત્યારબાદ ૧૯૫૪માં બીજી પરિષદ ભરાઈ, જેમાં પં. રવિશંકર (સિતાર વાદન) અને પં. કિશન મહારાજ (તબલા વાદન)નો કાર્યક્રમ અવિસ્મરણીય રહ્યો હતો. સપ્ટેમ્બર ૧૯૭૧માં રાજ્યપાલ શ્રીમન્નારાયણના હસ્તે સંગીત મહાવિદ્યાલયના સ્વતંત્ર મકાનનું ખાતમુહૂર્ત અને ૨૪ જૂન ૧૯૭૩ના રોજ મુખ્યમંત્રી શ્રી ઘનશ્યામભાઈ ઓઝાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ભારતીય સંગીતના હિન્દુસ્તાની અને કર્ણાટક એમ બંને પ્રકારોનું મહત્વ અહીં સમજાવવામાં આવે છે. સંગીત મહાવિદ્યાલયમાં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ મુજબ કંઠ્ય સંગીત, વાદ્ય સંગીત (સિતાર, વાયોલીન, હાર્મોનિયમ, દિલરૂબા), તાલ વાદ્ય (તબલા, પખવાજ) અને નૃત્ય (ભરત નાટ્યમ, કથક)નું પ્રારંભિકથી લઈને સાત વર્ષના 'સંગીત વિશારદ' (સ્નાતક કક્ષા સમકક્ષ) સુધીનું શિક્ષણ અપાય છે.
હાલમાં તબલા વિભાગમાં અગાઉ જીદાહુશૈનભાઈ અને રમણીકભાઈ માલકીયા સેવા આપતા, જે હવે શ્રી ભાર્ગવભાઈ જાની સંભાળે છે. કથક વિભાગમાં વંદનાબેન સાંગાણી બાદ હવે શ્રીમતી ગોપીબેન રાયઠઠ્ઠા અને ભરત નાટ્યમ વિભાગમાં અગાઉ શ્રી સિનોય સાહેબ, પૂર્વીબેન ધામેલીયા બાદ હાલ શ્રી જલ્પાબેન દવે તાલીમ આપી રહ્યા છે.
અહીં ૬ વર્ષથી માંડીને ૬૫ વર્ષની ઉંમરના ભાઈઓ-બહેનો જોડાઈ શકે છે. વસંત પંચમીના દિવસે ત્રણ કલાકનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. તાજેતરમાં જ રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ચેનલ 'સોની ટીવી'માં ભાગ લઈ સમગ્ર ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરેલ છે. સંગીત વિદ્યાલયનો સમય સોમવારથી શનિવાર સવારે ૯ થી ૧૧ અને સાંજના ૪ થી ૭ કલાક દરમ્યાન છે. શતાબ્દી તરફ પ્રયાણ કરી રહેલી સંસ્થા હવે ડિજિટલ લાઈબ્રેરી, ઓનલાઈન વર્ગો અને આર્કાઇવ્સ બનાવવાનું આયોજન ધરાવે છે. જોડાવા ઈચ્છુક લોકો સંસ્થાના સમયે રૂબરૂ આવીને પ્રત્યક્ષ નિહાળી શકે છે.
સંગીત મહાવિદ્યાલયઃ એક નજરે
વિશેષ બાબતો
રાષ્ટ્રીય શાળાની સ્થાપના ૧૯૨૧માં થઈ, જ્યારે સંગીત વર્ગના બીજ ૧૯૩૬માં રોપાયા અને ૧૯૩૮માં મહાવિદ્યાલયની વિધિવત સ્થાપના વસંત પંચમીના પાવન અવસરે થઈ હતી.
ગુરુ-શિષ્ય પરંપરાનું જતન
પુસ્તકોથી નહીં પણ ગુરુમુખેથી સાંભળીને આત્મસાત કરવાની કલા અહીં જીવંત છે. વહેલી સવારે 'ભૈરવ' રાગના સ્વરોથી વિદ્યાર્થીઓ સાધનાની શરૂઆત કરી ૭ વર્ષના વિશારદ કોર્સ સુધી પહોંચે છે.
કોઈપણ વયના લોકો માટે પ્રવેશ
૪ થી ૬ વર્ષના ભૂલકાંઓથી લઈને ૬૫ વર્ષના વડીલો માટે સવારના ૯ થી ૧૧ અને સાંજના ૪ થી ૭ દરમિયાન કથક, ભરત નાટ્યમ, ગાયન અને વાદનના વર્ગો કોઈપણ ભેદભાવ વિના ચલાવવામાં
આવે છે.
ઐતિહાસિક ઓડિયો સંગ્રહ
સંસ્થા પાસે પંડિત ઓમકારનાથજી, ગોસ્વામી બિદુજી મહારાજ અને અનેક દિગ્ગજ કલાકારો-સંતોના કાર્યક્રમોનું અંદાજે ૧૫૦ કલાકનું દુર્લભ ટેપ રેકોર્ડિગ સુરક્ષિત છે, જેને ડિજિટલ સ્વરૂપ અપાશે.
સંકલનકાર
તખ્તસિંહ (તખુભા) રાઠોડ
(મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦) રાજકોટ

(2:35 PM IST)










