<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

રાજકોટથી ૧૪ વર્ષની બાળાનું મોડી રાતે અપહરણ કરી માખાવડ લઇ જઇ દૂષ્‍કર્મઃ પ્રદિપને તાલુકા પોલીસે દબોચ્‍યો

પરપ્રાંતિય શખ્‍સ સાડા ત્રણ વર્ષથી સંપર્કમાં હતોઃ લગ્નની લાલચ આપી ફસાવી હોવાનો આરોપ ગત રાતે બાળા ગૂમ થતાં પરિવારે તપાસ શરૂ કરીઃ એક શખ્‍સ ફોનમાં વાત કરતો હોવાની માહિતી મળતાં પોલીસને જાણ કરીઃ પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ એમ. આઇ. શેખ સહિતની ટીમે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૦: દૂષ્‍કર્મની વધુ એક ઘટનામાં વધુ એક સગીરા ભોગ બની છે. જેમાં લોધીકાના માખાવડ ગામે કલ્‍યાણી કારખાનામાં રહેતો પરપ્રાંતીય શખ્‍સ પ્રદીપકુમાર રામ સનહીએ રાજકોટ રહેતી ૧૪ વર્ષ અને ૯ મહિનાની સગીરાને લગ્નની ખોટી લાલચ આપી ભગાડી જઈ તેની સાથે  દુષ્‍કર્મ આચરી લેતાં તાલુકા પોલીસમાં ગુનો દાખલ થતાં આરોપીને ઝડપી લઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી પ્રદીપકુમાર રામસહની સામે અપહરણ, પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદની વિગત મુજબ ભોગ બનનારની દિકરી ૧૯/૬ના રોજ મોડી રાત્રે અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. રાત્રે આશરે બે વાગ્‍યે સગીરાની માતા જાગતા પુત્રી બાજુમાં ન હોવાનું માલુમ પડ્‍યું હતું. પરિવારે આસપાસના વિસ્‍તારો, રેલ્‍વે સ્‍ટેશન અને બસ સ્‍ટેશન પર શોધખોળ કરવા છતાં પુત્રીનો કોઈ પતો લાગ્‍યો ન હતો.

દરમિયાન સગીરાના ભાઈએ જણાવ્‍યું કે થોડા દિવસો પહેલાં પ્રદીપકુમાર રામસનહી નામના યુવકે સગીરાની માતાના મોબાઈલ પર મેસેજ કર્યો હતો, જેનાથી આ યુવક પર શંકા દ્રઢ બની હતી. તપાસ કરતા જાણવા મળ્‍યું કે પ્રદીપકુમાર માખાવાડ ગામે આવેલી એક ઇન્‍ડસ્‍ટ્રીઝના કારખાનામાં કામ કરે છે.

શંકાના આધારે સગીરાના માતા-પિતા અને ભાઈ માખાવાડ ગામે આવેલા કારખાનાની મજૂરોની ઓરડીઓ પર તપાસ કરવા પહોંચ્‍યા હતા, જ્‍યાં તેમની પુત્રી પ્રદીપકુમાર સાથે મળી આવી હતી. પરિવારે તુરંત આ અંગે પોલીસને જાણ કરતાં રાજકોટ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને સગીરા તેમજ આરોપીને પોલીસ સ્‍ટેશન લાવવામાં આવ્‍યા હતા.

પોલીસ સ્‍ટેશનમાં સગીરાની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી પ્રદીપકુમાર છેલ્લા સાડા ત્રણ વર્ષથી સગીરાના સંપર્કમાં હતો અને બંને વચ્‍ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમસંબંધ બાંધ્‍યો હતો અને અગાઉ પણ કારખાનાની ઓરડીમાં બોલાવી શરીર સંબંધ બાંધ્‍યો હોવાની કબુલાત સગીરાએ કરી હતી.

ઘટનાની રાત્રે આરોપીએ સગીરાને ફોન કરીને રાત્રે દોઢ વાગ્‍યે ઘરની બહાર નીકળી જવા કહ્યું હતું અને પોતે બાઈક લઈને પટેલ ચોક ખાતે ઊભો રહ્યો હતો. ત્‍યાંથી તે સગીરાને બાઈક પર બેસાડી માખાવાડ ગામની ઓરડીએ લઈ ગયો હતો અને રાત્રિ રોકાણ દરમિયાન ફરી સગીરાની મરજી વિરૂધ્‍ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. તાલુકા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. આઇ. શેખે ગુનો દાખલ કરતાં આરોપીને ઝડપી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે

(4:05 PM IST)