News of Saturday, 24th October 2026
ર૮ વર્ષ સુધી ‘મુન્નાભાઇ MBBS' બનીને દવાખાનું ચલાવતાં ૬પ વર્ષના બોગસ તબીબની ધરપકડ
૧પ૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં એસઓજી ત્રાટકીઃ હોમીયોપેથીની ડિગ્રી હતી છતાં એલોપેથીકની દવાઓ આપી પ્રેકટીસ કરતા કાર્યવાહી : પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. જાડેજાની રાહબરીમાં હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહીલ, અનોપસિંહ ઝાલાની કામગીરી

રાજકોટ તા. ર૪: ૧પ૦ ફુટ રીંગ રોડ નજીક આંબેડકરનગરમાં દરોડો પાડી એસઓજીએ હોમીયોપેથીની ડિગ્રી ધરાવી એલોપેથીની ડિગ્રી ન હોવા છતાં કલીનીક ચલાવતાં ૬પ વર્ષીય બોગસ વૃધ્ધ તબીબને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પુછતાછમાં તે છેલ્લા ર૮ વર્ષથી કલીનીક ચલાવતો હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાએ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટર સામે કાર્યવાહી કરવાની આપેલી સુચનાને ધ્યાને લઇ એસ.ઓ.જી.પી.આઇ. એન. બી. ચૌધરીની રાહબારીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ એમ. વી. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહીલ, અનોપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ૧પ૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં શેરી નં. ૧ના ખુણે આવેલી ‘જનરલ પોલીકલીનીક' નામે કલીનીકમાં દરોડો પાડયો હતો જયાં હાજર શખ્સનું નામ પૂછતા તેણે વાજસુર ઉર્ફે વિજય આપાભાઇ સુરૂ (ઉ.વ.૬પ, રહે. ગીતાંજલી સોસાયટી શેરી નં. પ, કૃષ્ણનગર મેઇન રોડ) હોવાનુંદ જણાવ્યું હતું. પોલીસે તેની પુછતાછ કરતા તેની પાસે હોમીયોપેથીક ડિગ્રી ધરાવતો હોય એલોપેથીક ડિગ્રી ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પ્રેકટીસ કરતો હોવાનું જણાવતા એસઓજીની ટીમે તેને પકડી લઇ હોસ્પિટલના સાધનો, એલોપેથીક દવાઓ, ઇન્જેકશન, રોકડ અને વિગેરે મળી કુલ રૂા. ૯૪ હજારનો મુદામાલ કબ્જે કરી તેની સામે માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, આરોપીએ બોટાદના ઇન્સ્ટીટયુટમાંથી હોમીયોપેથીની ડિગ્રી ૧૯૯૩ કે ૧૯૯પની સાલમાં મેળવી હોવાની અને તે ર૮ વર્ષથી કલીનીક ચલાવતો હોવાનું પુછતાછમાં ખુલ્યું છે. હાલ ડિગ્રી મામલે પણ તપાસ હાથ ધરાઇ છે.
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એન.બી.ચૌધરી તથા પો.સબ ઇન્સ. એમ.વી. જાડેજા તથા પો. હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા યોગરાજસિંહ ગોહિલ તથા મહાવીરસિંહ ઝાલા તથા પો. કોન્સ. અનોપસિંહ ઝાલા તથા રોહિતસિંહ જાડેજા તથા ડ્રાઇવર પો. હેડ કોન્સ. નિર્મળસિંહ ઝાલાએ કરી હતી.
(3:29 PM IST)










