News of Thursday, 26th November 2026
મોટો આઇપીઓ આવે છે, બે કલાક પુરતાં નાણા આપો...ગોંડલ યાર્ડના વેપારીને અમદાવાદી શખ્સે ૧ કરોડનો ચૂનો લગાવ્યો
મુળ ગોંડલના હાલ રાજકોટ પંચશીલ સોસાયટીમાં રહેતાં વેપારી હાર્દિક શીયાણીનો સંપર્ક મિત્ર મારફત અમદાવાદના રાજકુમાર પટેલ સાથે થયો હતોઃ તેણે શરૂઆતમાં ૩૨.૫૦ લાખના ચોખ્ખા વ્યવહાર કરી વિશ્વાસ જીત્યો પછી ઠગાઇ આચરી રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં આર્થિક ગુના નિવારણ સેલની ટીમે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૬: શહેરમાં રહેતાં અને ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ચલાવતાં મુળ ગોંડલના યુવા વેપારી સાથે અમદાવાદની કંપનીના સંચાલકે શેર બજારમાં આઇપીઓમાં રોકાણ પર મોટા નફાની લાલચ આપી રૂા. એક કરોડની છેતરપીંડી આચરતાં ગુનો દાખલ થતાં આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં બત્રીસ લાખથી વધુની રકમના ચોખ્ખા વ્યવહાર કરી તેણે વિશ્વાસ જીત્યો હતો. બાદમાં અચાનક ફોન કરી મોટો આઇપીઓ આવી રહ્યો છે, બે કલાક માટે એક કરોડ આપો તેમ કહી વેપારી પાસેથી રકમ મેળવી લીધી હતી અને ઠગાઇ આચરી લીધી હતી.
આ બનાવમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં હાલ ગોંડલ રોડ દોશી હોસ્પિટલ પાસે પંચશીલ સોસાયટી સ્ટેટસ-૨ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૮૦૧-૮૦૨ ખાતે રહેતાં મુળ ગોંડલ રાજ લક્ઝરીયા સોસાયટીના વતની હાર્દિકભાઇ કિશોરભાઇ શીયાણી (ઉ.વ.૨૬) નામના વેપારીની ફરિયાદ પરથી અમદાવાદની રાજકુમાર પટેલ મેડાર્ટ કંપનીના ઓનર વિરૂધ્ધ રૂા. ૧ કરોડની ઠગાઇનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શેરબજારમાં આઇપીઓમાં રોકાણ પર નફાની લાલચ આપી આ કંપનીના ઓનરે શરૂઆતમાં ૩૨,૫૦,૦૦૦ના વ્યવહારો કરી વિશ્વાસ જીત્યા બાદ એક કરોડ જેવી રકમ મેળવી લીધા બાદ ફોન જ ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.
ફરિયાદની વધુ વિગત મુજબ હાર્દિકભાઇ શીયાણી ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે દુકાન નં. એ-સી /૪૨માં વર્ષ-૨૦૧૮થી વછરાજ એન્ટરપ્રાઇઝ નામે વેપાર કરે છે. ગત તા. ૦૪/૦૮/૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે રહેતા મિત્ર પાર્થભાઈ કમલેશભાઈ દોશી સાથે રાજકોટ અને ગાંધીનગર ખાતે સુપર માર્કેટ બનાવવા અંગે વાતચીત દરમિયાન પાર્થભાઈએ જણાવ્યું હતું કે તેમના મિત્ર રાજ પટેલ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને મોટા આઇપીઓમાં રોકાણ કરાવી સારૂ વળતર અપાવે છે. તમને પણ રાજનો ફોન આવશે. આ પછી એ જ દિવસે બપોરે સવા બે આસપાસ હાર્દિકભાઇના વોટ્સએપ નંબર ઉપર ફોન આવ્યો હતો, જે રિસીવ ન થતા ૨:૨૪ કલાકે ફોન કરતાં ‘કોલ યુ ઇન ફાઇવ'નો વોટ્સએપ મેસેજ આવ્યો હતો.
ત્યારબાદ હાર્દિકભાઇ ગોંડલ રોડ મક્કમ ચોક પાસે એસબીઆઇ બેંક નજીક હતાં ત્યારે બપોરે ૩:૧૪ વાગ્યે ફરી ફોન કરતા વાત કરનાર વ્યક્તિએ પોતાનું નામ રાજકુમાર પટેલ જણાવ્યું હતું અને પોતે સ્વીચ ઇલેક્ટ્રિક બાઈક કંપનીનો ઓનર હોવાનું કહ્યું હતું. આથી હાર્દિકભાઇએ પોતાના મિત્ર પાર્થભાઇ દોશીના રેફરન્સથી વાત કરી હતી અને સારી કંપનીનો આઇપીઓ આવે ત્યારે જાણ કરવા અને અમદાવાદ આવો ત્યારે મળવાની વાત થઈ હતી. ત્યારબાદ રાજકુમાર પટેલે કંપનીની માહિતી અને સ્વીચ ઇલેક્ટ્રિક બાઈક કંપનીની વેબસાઈટની લિંક વોટ્સએપ પર મોકલી હતી.
આ પછી પાર્થભાઈ દોશીએ ફોન કરી જણાવ્યું હતું કે રાજકુમાર પટેલ બેંક ડિટેઈલ માંગે તો આપી દેવી અને એકબીજાના બેનિફિશિયરી એકાઉન્ટ જોઈન્ટ કરી લેવા. ત્યારબાદ રાજકુમાર પટેલના મેસેજ મુજબ હાર્દિકભાઇએ પોતાની વછરાજ એન્ટરપ્રાઈઝ પેઢીના આઇસીઆઇસીઆઇ બેંક (ગોંડલ સીટી બ્રાંચ)ના ખાતાના ચેકનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો હતો અને રાજકુમાર પટેલે પોતાના બેંક એકાઉન્ટ સાથે ફરિયાદીનું ખાતું બેનિફિશિયરી એડ કરાવ્યું હતું.
આ પછી તા. ૧૧/૦૮/૨૦૨૬ના રોજ પાર્થભાઈ દોશીએ ફોન કરી રાજકુમાર પટેલને ફોન કરવા કહ્યું હતું. સાંજે સવા છ આસપાસે વોટ્સએપ પર રાજકુમાર પટેલને ફોન કરતા તેણે પોતે હાલ ફોરેન (દુબઈ) હોવાનું જણાવી દુબઈથી રૂપિયા આવે તેમ હોવાથી તે રૂપિયા હાર્દિકભાઇના ખાતામાં નખાવી, તેમાંથી રોકડા ઉપાડી પોતાના માણસને અમદાવાદમાં આપવા જણાવ્યું હતું, જેની હાર્દિકભાઇએ હા પાડી હતી.
આ પછી તા. ૨૪/૦૮/૨૦૨૬ના વછરાજ એન્ટરપ્રાઈઝ પેઢીના આઇસીઆઇસીઆઇ બેંક (ગોંડલ સીટી બ્રાંચ)ના ખાતામાંથી રાજકુમાર પટેલની મેડાર્ટ કંપનીના એકાઉન્ટમાં ૩૨,૫૦,૦૦૦ ટ્રાન્સફર કરાયા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે આર.કે. એન્ટરપ્રાઈઝ આંગડિયા મારફતે રાજકુમાર પટેલના માણસને આપવા ૩૨,૫૦,૦૦૦ મોકલાયા હતા અને રૂપિયા મળ્યાનો મેસેજ પણ આવ્યો હતો. પછી તા. ૧૭/૦૯/૨૦૨૬ના રોજઃ રાજકુમાર પટેલનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને પેઢીની એન્ટ્રી સરભર કરવાના બહાને મેડાર્ટ કંપનીના એકાઉન્ટમાં ૫૦,૦૦,૦૦૦/ ટ્રાન્સફર કરાયા હતા.
સાથોસાથ રાજકુમાર પટેલના કહેવાથી પલ્કેશભાઈ મારફતે પાર્થભાઈ દોશીના સાળા આનંદભાઈ શાહ દ્વારા અમદાવાદ ખાતેથી ૫૦,૦૦,૦૦૦- રોકડા લેવામાં આવ્યા હતા. આ વ્યવહારોને કારણે બંને વચ્ચે સારા વિશ્વાસના સંબંધો બંધાયા હતાં. ત્યારપછી તા. ૧૮/૦૯/૨૦૨૬ના રોજ બપોરે હાર્દિકભાઇ રાજકોટ સ્થિત પોતાના ઘરે હતાં ત્યારે રાજકુમાર પટેલે ફોન કરી જણાવ્યું હતું કે હમણા મોટી કંપનીનો આઇપીઓ આવવાનો છે જેમાં ૧,૦૦,૦૦,૦૦૦નું રોકાણ કરવા જેવું છે અને બે કલાક પૂરતા રૂપિયા જોઈએ છે. હાર્દિકભાઇઅએ હા પાડ્યા બાદ એ જ દિવસે બપોરે પોણા ત્રણેક વાગ્યે વછરાજ એન્ટરપ્રાઈઝ પેઢીના આઇસીઆઇસીઆઇ બેંક ગોંડલ સીટી બ્રાંચના ખાતામાંથી મેડાર્ટ કંપનીના એકાઉન્ટમાં આરટીજીએસ મારફતે ૧,૦૦,૦૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા અને રૂપિયા મળી ગયા હતા.
ત્યારબાદ સાંજે આશરે પાંચ વાગ્યાની આસપાસ રાજકુમાર પટેલને ફોન કરતા ફોન ઉપાડ્યો ન હતો. મેસેજ કર્યા બાદ રાજકુમારનો ફોન આવ્યો અને ૧,૦૦,૦૦,૦૦૦ની માંગણી કરતા તેણે કહ્યું કે હાલ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નથી, પરંતુ પલ્કેશભાઈ પાસેથી રોકડા ૧,૦૦,૦૦,૦૦૦ અપાવી દે છે. પલ્કેશભાઈને ફોન કરતા શરૂઆતમાં ફોન ઉપાડ્યો ન હતો અને ત્યારબાદ ફોન આવતા તેમણે કહ્યું કે તેઓ હાલ ગાંધીનગર રૂપિયા લેવા આવ્યા છે અને રૂપિયા આવતા જ કોલ કરશે.
રાત સુધી રાહ જોયા બાદ રાજકુમાર પટેલને ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે રૂપિયા શેરબજારના આઇપીઓમાં રોકાણ થયેલ નથી અને રૂપિયા મળી જશે. રાત્રે પણ રૂપિયા ન મળતા વોટ્સએપ મેસેજ કરાયો હતો અને બીજા દિવસે આખો દિવસ ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ પલ્કેશભાઈએ મેસેજ કરી જણાવ્યું હતું કે બીજી કંપની પર ઈન્કમ ટેક્સની રેડ પડી છે, જે શાંત થવા દેવી પડશે. ત્યારબાદ રોજેરોજ રાજકુમાર પટેલને ફોન કરવા છતાં ફોન ઉપાડવાનું બંધ કરી દેવાયું હતું.
આમ આઇપીઓમાં રોકાણ કરાવવાના બહાને આર્થિક વ્યવહાર કરી વિશ્વાસમાં લીધા બાદ રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦ શેરબજારના આઇપીઓમાં રોકાણ કર્યા વિના અને અવારનવાર માંગવા છતાં પરત ન આપી છેતરપિંડી કર્યા અંગે ડીસીબીમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ. એન.આર. રાઠોડે પીઆઇ ડી. એમ. હરીપરા, પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં તપાસ હાથ ધરી છે.
(4:21 PM IST)










