તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
કીર્તિબેનને બાઇકચાલકે ઠોકરે લઇ-તું નાની નથી, તને જોઇને ચાલતાં નથી આવડતું કહી લાફો મારી ગાળો ભાંડી!
ઢેબર રોડ પર બાઇકચાલકની જાગનાથ પ્લોટના ગૃહિણી સાથે બટાઝટી : ફ્રીઝ જોઇને આવતાં હતાં ત્યારે બનાવઃ ભક્તિનગર પોલીસે ૧૫૩૧ નંબરના વાહનચાલકની શોધખોળ આદરી

રાજકોટ તા. ૨૪: શહેરમાં અવાર-નવાર વાહન અકસ્માતના બનાવો બને છે. આ કારણે ઘણીવાર મારામારી પણ થાય છે. ઢેબર રોડ મધુરમ્ હોસ્પિટલ પાસે રસ્તો ઓળંગી રહેલા જાગનાથ પ્લોટના ગૃહિણીને એક બાઇકચાલકે ઠોકરે ચડાવી પછાડી દેતાં તેણીને ઇજાઓ થઇ હતી. તેણીએ ઉભા થઇ બાઇકચાલકને ધીમે હંકારવાનું કહેતાં તેણે તું નાની નથી, તને જોઇને ચાલતાં નથી આવડતું? તેમ કહી બાદમાં ગાળો દઇ લાફો મારી ભાગી ગયો હતો. ગૃહિણીએ બાઇકનો ફોટો પાડી લીધો હોઇ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે ડો. યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટ શેરી નં. ૨ પ્રતિક એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧માં મહેન્દ્રભાઇ શાહના મકાનમાં ભાડેથી રહેતાં કીર્તિબેન કેતનભાઇ ઠક્કર (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી જીજે૦૩ઇજી-૧૫૩૧ નંબરના બાઇકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કીર્તિબેન પરિવાર સાથે રહે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે સોમવારે સાંજે પાંચેક વાગ્યે હું ઘરેથી એકલી નીકળી ઢેબર રોડ પર સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે બોમ્બે ટીવી સેન્ટર ખાતે ફ્રીઝ જોવા ગઇ હતી. ત્યાંથી પરત ઘરે જવા નીકળી ત્યારે ચાલીને ઢેબર રોડ મધુરમ્ હોસ્પિટલ પાસે પહોંચી એ વખતે સામેની સાઇડથી હોસ્પિટલ તરફ ચાલીને રસ્તો ઓળંગતી હતી તે વખતે નાગરિક બેંક તરફથી એક બાઇકચાલક પુરઝડપે આવ્યો હતો અને મને ઠોકરે લઇ પછાડી દીધી હતી.
આ અકસ્માત પછી બાઇકચાલક ઉભો રહી ગયો હતો. મને પગમાં પીંડીના ભાગે, જમણા હાથે બાવડામાં ઇજા થઇ હતી. હું ઉભી થઇને તેની પાસે ગઇ હતી અને કહ્યું હતું કે-ભાઇ વાહન થોડુ ધીમે ચલાવો. આ સાંભળીને તે કહેવા લાગેલો કે-તું નાની નથી, તને જોઇને ચાલતા નથી આવડતું. આમા મારો વાંક નથી. જોઇને રોડ ક્રોસ કરતાં હોવ તો. જેથી મેં કહેલું કે-તમે ધ્યાન રાખીને વાહન ચલાવો તો આવુ ન થાય. આ સાંભળી તે અભદ્ર ભાષામાં બોલવા માંડયો હતો અને ગાળો દેવા લાગ્યો હતો. તેમજ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા માં૯્યો હતો. જેથી મેં તેને રોકતા તેણે નીચે ઉતરી મને લાફો મારી લીધો હતો. આથી મેં તેના બાઇકનો ફોટો પાડી લીધો હતો. આ પછી પણ તેણે પાડી લે ફોટો તેમ કહ્યું હતું. લોકો ભેગા થતાં તે ભાગી ગયો હતો. બાદમાં મેં ૧૧૨માં ફોન કરી પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં કીર્તિબેને કહેતાં ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:58 PM IST)










