<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

અડધી રાત્રે પણ લોકોના ફોન ઉપાડજો : જગદીશ વિશ્વકર્મા

તમને મત આપી ભૂલ કરી તેવી લાગણી પ્રજાજનોને ન થવી જોઇએઃ કોર્પોરેટરોને ભાજપ પ્રદેશ પ્રમુખની તાકીદ સંગઠન અને સત્તાધીશોએ સંકલનથી કામ કરવું પડશે; જનપ્રતિનિધિઓને વાણીવિલાસ અને વિવાદોથી દૂર રહેવાની સલાહ

રાજકોટ, તા., ૧૭ : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર સંગઠનના હોદ્દેદારો અને તાજેતરમાં ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે એક કલાકથી વધુ સમય સુધી મેરેથોન બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે પ્રજાલક્ષી કાર્યો, સંગઠન સાથે સંકલન અને લોકસંપર્ક વધારવા પર વિશેષ ભાર મૂકયો હતો.ઁ

વિશ્વકર્માએ કોર્પોરેટરોને સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, પ્રજાએ ભાજપ પર વિશ્વાસ મૂકી ખોબલે ખોબલે મત આપ્‍યા છે. હવે કોઈ નાગરિકને એવી લાગણી ન થવી જોઈએ કે તેમણે મત આપી ભૂલ કરી છે. કોર્પોરેટરોએ અડધી રાત્રે પણ લોકોના ફોન ઉપાડવા, શાંતિપૂર્વક રજૂઆતો સાંભળવી અને સમસ્‍યાના નિરાકરણ માટે ગંભીરતાથી પ્રયાસ કરવો જોઈએ. લોકોમાં એવો વિશ્વાસ ઉભો થવો જોઈએ કે તેમણે શ્રેષ્ઠ જનપ્રતિનિધિની પસંદગી કરી છે.

બેઠકમાં સંગઠન અને કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્‍ચે સંકલન જળવાઈ રહે તે મુદ્દે પણ ખાસ ભાર મૂકવામાં આવ્‍યો હતો. કોર્પોરેશનના પદાધિકારીઓને સંગઠનને સાથે રાખીને નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી હતી. સંગઠનને વિશ્વાસમાં લીધા વિના મહત્‍વના નિર્ણયો ન લેવા પણ જણાવાયું હતું.

વોર્ડ સ્‍તરે વધુમાં વધુ લોકસંપર્ક કેળવવા, પ્રજાની સમસ્‍યાઓનો ઝડપી નિકાલ લાવવા અને જાહેર જીવનમાં સંયમિત ભાષાનો ઉપયોગ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. બેઠકમાં ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપરાંત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ગાંધીનગરમાં હાઈકમાન્‍ડ તરફથી પદાધિકારીઓને અપાયેલા ફ્રી હેન્‍ડ બાદ રાજકોટની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખે સંગઠનની ભૂમિકા વધુ મજબૂત રહે તેવો સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે. સંગઠન અને સત્તા વચ્‍ચેનો સમન્‍વય તૂટે નહીં તે માટે તમામને સાથે મળીને કામ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(3:34 PM IST)