તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
શહેરમાં બનતા તમામ નવા રસ્તાઓ પર કોન્ટ્રાક્ટરનું નામ અને ગેરંટી સમયગાળો દર્શાવતું બોર્ડ મૂકવાની માંગ
પાંચ વર્ષની ડિફેક્ટ લાયબિલિટી દરમિયાન ખામી જણાય તો કોન્ટ્રાક્ટર પાસેથી મરામત કરાશે, બોર્ડ અંગે નિયમ મુજબ નિર્ણય લેવાશેઃ જનરલ બોર્ડમાં સભ્યના પ્રશ્નના જવાબમાં તંત્રનો ખુલાસો : ૨૦૨પ-૨૬ વર્ષ દરમિયાન અંદાજે રૂ. ૨૨૮.૦૭ કરોડના નવા રસ્તાઓ, રી-કાર્પેટિંગ અને રોડ અપગ્રેડેશનના કામો તેમજ રૂ. ૩૨૯.૭૪ કરોડના રોડ પેચવર્કના કામો કરાયા

રાજકોટ, તા.૨૧: મહાનગરપાલિકાનું ગઈકાલે મળેલ જનરલ બોર્ડ બેઠકમાં સભ્યશ્રી જાનકીબેન કાટોડિયાએ શહેરમાં દર વર્ષે બનતા નવા રસ્તાઓ, તેના પાછળ થતા ખર્ચ અને રોડ બનાવનાર એજન્સીની જવાબદારી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. સાથે જ તેમણે નવા રસ્તાઓ પર કામગીરી કરનાર એજન્સીનું નામ, ગેરંટી સમયગાળો તેમજ સંપર્ક નંબર દર્શાવતું બોર્ડ મૂકવાની માંગ પણ કરી હતી.
આ અંગે તંત્રે જવાબ આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨પ-૨૬ દરમિયાન અંદાજે રૂ. ૨૨૮.૦૭ કરોડના નવા રસ્તાઓ, રી-કાર્પેટિંગ અને રોડ અપગ્રેડેશનના કામો તેમજ રૂ. ૩૨૯.૭૪ કરોડના રોડ પેચવર્કના કામો હાથ ધરવામાં આવ્યા છે.
તંત્રે વધુમાં જણાવ્યું કે રોડના તમામ કામોમાં કોન્ટ્રાક્ટરની પાંચ વર્ષની ડિફેક્ટ લાયબિલિટી (ગેરંટી પીરિયડ) નક્કી કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રોડમાં કોઈપણ પ્રકારની ખામી જણાય તો સંબંધિત એજન્સી પાસેથી કરારની શરતો મુજબ જરૂરી મરામત અને સુધારાની કામગીરી કરાવવામાં આવે છે.
રસ્તા પર એજન્સીનું નામ, ગેરંટી સમયગાળો અને સંપર્ક નંબર દર્શાવતું બોર્ડ મૂકવાના સભ્યશ્રીના સૂચન અંગે તંત્રે જણાવ્યું છે કે પ્રચલિત નિયમો, વહીવટી વ્યવસ્થા અને વ્યવહારુ શકયતાઓને ધ્યાનમાં રાખી યોગ્ય સ્તરે વિચારણા કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે
(3:22 PM IST)










