તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th November 2026
સ્માર્ટ સીટીમાં ફાયર સ્ટેશન તથા રણુજા મંદીર પાસે બ્રિજ બનાવાશે
વર્ષોની પરંપરા જાળવતા પરેશ પીપળીયાઃ કાલે ધનતેરસના મનપાની સ્ટેન્ડીંગ કમીટી બેઠક : ફાયર સ્ટેશનનો ખર્ચ ૧૬.૧ર કરોડ તથા બ્રિજનો ૧૭.પ૦ કરોડનો ખર્ચ : તમામ ૧૮ વોર્ડમાં રસ્તાના પેવર અને પેચવર્ક માટે નવી નીતિ ઘડાશે : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૪૩ દરખાસ્તો પર નિર્ણયનો ધમધમાટ

રાજકોટ : તા.૫: ધનતેરસના શુભ દિવસે વિકાસકામોને મંજૂરી આપવાની વર્ષો જૂની પરંપરાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાએ યથાવત રાખી છે. ધનતેરસના પાવન પર્વે શહેરના વિકાસને નવી ગતિ આપવાના સંકલ્પ સાથે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૪૩ દરખાસ્તો નિર્ણય માટે રજૂ થશે. જેમાં સ્માર્ટ સિટીમાં અત્યાધુનિક ફાયર સ્ટેશન, કોઠારિયા રોડ પર નવા બ્રિજ સહિત કરોડો રૂપિયાના વિકાસકામોનો સમાવેશ થાય છે.
શહેરના વિકાસને વધુ વેગ આપવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં શહેરના માળખાકીય વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ દરખાસ્તો પર મહોર મારવામાં આવે તેવી શકયતા છે.
વોર્ડ નં. ૧ના સ્માર્ટ સિટી વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. ૩૨ (રૈયા)ના ફાઇનલ પ્લોટ નં. ૮૧માં રૂ. ૧૬,૧૨,૧૨,૨૧૦ના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામગીરીનો કોન્ટ્રાક્ટ નરેન્દ્ર એમ. પટેલને સોંપવા મંજૂરી માંગવામાં આવી છે. ફાયર સ્ટેશનના નિર્માણથી આ વિસ્તારમાં અગ્નિશામક સેવાઓ વધુ સુદૃઢ બનશે.
બીજી તરફ વોર્ડ નં. ૧૮માં કોઠારિયા મેઇન રોડ પર રણુજા મંદિર નજીક રૂ. ૧૭,૫૦,૦૯,૬૬૩ના ખર્ચે નવો બ્રિજ બનાવવાની દરખાસ્ત પણ રજૂ થશે. આ કામગીરીનો કોન્ટ્રાક્ટ આર્યન ટ્રાયએંગલ લિમિટેડને આપવાની દરખાસ્ત છે. બ્રિજના નિર્માણથી વાહનચાલકોને રાહત મળવાની સાથે ટ્રાફિક સમસ્યા હળવી થવાની આશા છે.
આ ઉપરાંત વોર્ડ નં. ૪માં ઓમપાર્ક મેઇન રોડ પર રૂ. ૨.૮૩ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન છે. આ કામગીરીનો કોન્ટ્રાક્ટ વિશાલ રાજેશભાઈ પોંકિયાને સોંપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
રસ્તા, લાઇટિંગ અને સફાઈનાં કામો
સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાના કામો, સ્ટ્રીટલાઇટ, સફાઈ અને અન્ય માળખાકીય સુવિધાઓને લગતી દરખાસ્તોનો સમાવેશ કરાયો છે. વોર્ડ નં. ૧૧માં કોઠારિયા મેઇન રોડ પર સ્ટ્રીટલાઇટના કામ સહિત શહેરના રસ્તાઓના કામો અંગે નિર્ણયો લેવાશે. ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની વિવિધ કામગીરી અને કોન્ટ્રાક્ટ સંબંધિત દરખાસ્તો પણ મહત્વપૂર્ણ બની રહેશે.
આ ઉપરાંત આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ૪૩ મુદ્દાઓનો એજન્ડા રજૂ થયો છે. તેમાં રસ્તા, સફાઈ, પાણી, સ્ટ્રીટલાઇટ, ગાર્ડન, વાહનોની ખરીદી, કોન્ટ્રાક્ટ અને કર્મચારીઓના તબીબી ખર્ચ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. શહેરના વિકાસને લગતા વિવિધ કામોની દરખાસ્તો પર મંજૂરીની મહોર લાગવાની શકયતા છે. તહેવારના દિવસે યોજાનારી આ બેઠક વિકાસકામોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે. (૩.૧૭)
ધનતેરસે સ્ટેન્ડિંગ બેઠકની પરંપરા અડીખમઃ શહેરીજનોને કરોડોના કામોની ભેટ આપશે
તહેવારની ઉજવણી વચ્ચે પણ વિકાસકામોને પ્રાધાન્ય
રાજકોટઃ મહાનગરપાલિકામાં દર વર્ષે ધનતેરસના દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવાની પરંપરા આ વર્ષે પણ જાળવવામાં આવી છે. આવતીકાલે સવારે ૧૧:૩૦ કલાકે ચેરમેન પરેશ પિપળીયા અધ્યક્ષસ્થાને બેઠક મળશે. ધનતેરસના શુભ દિવસે કરોડોના વિકાસકામોને મંજૂરી આપવાની તૈયારી સાથે સ્ટેન્ડિંગ કમિટી શહેરના વિકાસને નવી ગતિ આપશે.
૯૮ વિકાસકામો પરથી હટશે બ્રેક? કાલે ફેંસલો
કરકસરના નામે સ્થગિત કરાયેલા કામો ફરી ધમધમશે? શાસકોના નિર્ણય પર સૌની નજર
રાજકોટ : મહાનગરપાલિકામાં નવી બોડીના કાર્યકાળની શરૂઆતમાં જ આર્થિક કરકસરને પ્રાધાન્ય આપીને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગત ૫ જૂન, ૨૦૨૬ના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૨૦ ટકાથી ઓછી કામગીરી પૂર્ણ થઈ હોય તેવા રૂ. ૮૪૭ કરોડના કુલ ૯૮ વિકાસકામો સ્થગિત રાખવામાં આવ્યા હતા.
જોકે હવે બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે આ કામો ફરી શરૂ કરવાની હિલચાલ તેજ બની છે. કોન્ટ્રાક્ટરો સાથે વિવિધ વિકાસકામોની મેરેથોન સમીક્ષા બેઠકો યોજાયા બાદ મ્યુનિસિપલ કમિશનરે સ્થગિત કામો પુનઃ શરૂ કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલી છે.
એક તરફ કરકસરની નીતિ અને બીજી તરફ શહેરના વિકાસની જરૂરિયાત વચ્ચે હવે શાસકોએ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે. રૂ. ૮૪૭ કરોડના ૯૮ કામોને ફરી લીલીઝંડી મળશે કે હજુ બ્રેક યથાવત રહેશે તે અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચિત્ર સ્પષ્ટ થવાની શકયતા છે.કરકસર બાદ હવે વિકાસને વેગ મળશે કે નહીં? રાજકોટની નજર સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય પર મંડાઈ છે.
(3:28 PM IST)










