<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

રબારી સમાજમાં સામાજિક ક્રાંતિનો શંખનાદ: સગાઈ-લગ્ન અને મરણના પ્રસંગોમાં ખોટા ખર્ચ પર મુકાયો આકરો પ્રતિબંધ, નિયમો તોડનારને ફટકારાશે લાખોનો દંડ

ભવ્ય જમણવાર અને દાગીનાની લેતીદેતીમાં 'લક્ષ્મણ રેખા' ખેંચાઈ: સામાજિક કુરિવાજો ડામવા માટે સમાજે તૈયાર કર્યું નવું બંધારણ, પ્રથા ભંગ બદલ કડક આર્થિક દંડની જોગવાઈ સાથે પરિવર્તનનો પવન

રાજકોટ : રબારી સમાજ દ્વારા સામાજિક સુધારા અને આર્થિક ભારણ ઘટાડવા માટે એક ઐતિહાસિક અને કડક બંધારણ અમલી બનાવવામાં આવ્યું છે. આ નવા નિયમો મુજબ હવે દીકરા કે દીકરીની સગાઈમાં રોકડ લેતીદેતીની મર્યાદા મહત્તમ ૩ લાખ રૂપિયા અને ઘરેણાંની મર્યાદા ૭ તોલા સુધી જ સીમિત કરી દેવામાં આવી છે. જો કોઈ આ નિર્ધારિત મર્યાદા કરતા વધુ વ્યવહાર કરશે તો વધારાની તમામ રકમ સમાજના ફંડમાં જમા કરાવવી પડશે. એટલું જ નહીં, નિયમ તોડનાર આપનાર અને લેનાર બંને પક્ષે ૧-૧ લાખ રૂપિયાનો આકરો દંડ ભરવો પડશે, જેનાથી સમાજમાં દેખાડો અને કુરિવાજો પર લગામ આવશે.

લગ્ન અને અન્ય શુભ પ્રસંગોમાં પણ બિનજરૂરી ખર્ચ અને ભીડ ઘટાડવા પર વિશેષ ભાર મૂકાયો છે. લગ્ન લખતી વખતે દીકરી પક્ષે માત્ર ૭ વ્યક્તિઓને જ લઈ જવાની મંજૂરી અપાઈ છે, જ્યારે 'નેહડાનો જમણવાર' એટલે કે ભવ્ય જ્યાફતો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી માત્ર નજીકના કુટુંબ પૂરતું જ ભોજન મર્યાદિત રાખવા જણાવાયું છે. મામેરું અને છાબ પ્રથામાં પણ કડક મર્યાદાઓ લાદવામાં આવી છે, જેમાં છાબની ખરીદી માટે રૂ. 51,000 થી વધુ રકમની આપ-લે કરનાર પક્ષોને 50 હજાર રૂપિયાનો દંડ થશે. ઉપરાંત, માતાજીના માંડવા કે વાસ્તુ જેવા પ્રસંગોમાં વેવાર પ્રથા બંધ કરી સાદગી અપનાવવા સૂચના અપાઈ છે.

માત્ર ખુશીના પ્રસંગો જ નહીં, પરંતુ મરણ પ્રસંગની વિધિઓમાં પણ મોટા ફેરફાર કરાયા છે. હવે બેસણું માત્ર ૩ દિવસ જ રાખવાનું રહેશે અને પાણી ઢોળ વિધિ બાદ લૌકિક ક્રિયાઓ બંધ કરી દેવામાં આવી છે. સૌથી મહત્વનું પરિવર્તન એ છે કે મહિલાઓ દ્વારા કરવામાં આવતા છાજિયા કે કૂટવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે. દાળા કે શ્રાદ્ધ જેવા પ્રસંગોમાં પણ સાદું ભોજન અને માત્ર નજીકના સંબંધીઓની હાજરી અનિવાર્ય કરવામાં આવી છે. આ નવા સામાજિક કાયદાઓને કારણે રબારી સમાજમાં આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળશે અને દેખાડાના રાજકારણનો અંત આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

(11:45 AM IST)