તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Tuesday, 17th November 2026
કુવાડવા પાસે રોડ વચ્ચે બંધ પડેલા ટેન્કર પાછળ કાર અથડાઇ જતાં કેશોદના ગાયક કલાકાર કિશનનું મોત
અમદાવાદ કાર્યક્રમ માટે જતો હતોઃ સવારે ત્રણ વાગ્યે બનાવઃ ચાર બહેનનો એક જ ભાઇ હતોઃ સોલંકી પરિવારમાં ગમગીની કુવાડવા પોલીસ મથકના હેડકોન્સ. વૈભવભાઇ મકવાણા અને સ્ટાફે કાર્યવાહી કરીઃ ફસાયેલી કારને મહામહેનતે બહાર કાઢવામાં આવીઃ કિશનના ગળામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત

તસ્વીરમાં ઉભેલા ગેસના ટેન્કર પાછળ કાર અથડાઇ જતાં આગળના ભાગે બૂકડો બોલી ગયો હતો તે દ્રશ્ય અને મૃત્યુ પામનાર ગાયક કલાકાર કિશન સોલંકીનો ફાઇલ ફોટો જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૭: કુવાડવા નજીક વહેલી પરોઢે ત્રણેક વાગ્યે રસ્તા વચ્ચે ખોટકાઇને બંધ ઉભેલા ગેસના ટેન્કર પાછળ કાર ઘુસી જતાં કારચાલક કેશોદના ગંગનાથપરામાં રહેતાં ગાયક કલાકાર ૨૩ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. ટેન્કર પાછળ ફસાઇ ગયેલી કારને પોલીસે મહામહેનતે બહાર કાઢી હતી. સિંગર યુવાન અમદાવાદ કોઇ કાર્યક્રમના કામ માટે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. કરૂણતા એ છે કે તે ચાર બહેનનો એક જ ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો.
જાણવા મળ્યા મુજબ રાત્રીના ત્રણેક વાગ્યે કુવાડવા નજીક ભગીરથ પેટ્રોલ પંપ સામે રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાત્રીના ત્રણેક વાગ્યા આસપાસ ગેસનું એક ટેન્કર ટેકનીકલ કારણોસર ખોટવાઇને બંધ પડી જતાં રોડની વચ્ચોવચ્ચ અટકી ગયુ હતું. આ દરમિયાન તેની પાછળ ધડાકાભેર એક કાર અથડાઇ ગઇ હતી. ટક્કર એવી ભયાનક હતી કે ગેસના ટેન્કર પાછળ કાર બૂકડો થઇ ફસાઇ ગઇ હતી. આ બનાવને પગલે બીજા વાહન ચાલકો ઉભા રહી ગયા હતાં. કોઇએ પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી.
કાર ચાલકનું ગળુ કપાઇ ગયું હોઇ ઘટના સ્થળે જ મોત થયાનું ૧૦૮ના ઇએમટી તબીબ જુલાબેન ખોરાણીએ જણાવ્યું હતું. આ દરમિયાન ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. વૈભવભાઇ ડી. મકવાણા સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ કાર ઉભેલા ટેન્કર પાછળ ફસાઇ જતાં મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તેની પાસેના મોબાઇલ નંબરોને આધારે તેની ઓળખ થઇ હતી. આ યુવાન કેશોદના ગંગનાથપરામાં રહેતો સિંગર કિશનભાઇ રતનજીભાઇ સોલંકી (ઉ.વ.૨૩) હોવાનું ખુલ્યું હતું.
પોલીસે મૃતકના સગા સ્વજનોને જાણ કરતાં તેઓ રાજકોટ પહોંચ્યા હતાં. મૃત્યુ પામનાર કિશનભાઇ સોલંકી ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને તે મૈત્રી કરારથી રહેતો હતો. સગાના કહેવા મુજબ કિશનભાઇ સિગર હતો. તે ગુજરાતી ડાયરા સહિતના કાર્યક્રમોમાં ભાગ લેતો હતો. અમદાવાદ પણ કોઇ કાર્યક્રમમાં હાજરી આપવા જવા માટે તે રાતે કેશોદથી નીકળ્યો હતો અને વહેલી પરોઢે કુવાડવા નજીક રોડ વચ્ચે બંધ ઉભેલા ટેન્કર પાછળ તેની કાર અથડાઇ જતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
ઇન્સ્ટાગ્રામ આઇડમાં કિશનભાઇ ૨૨૧-કે ફોલોઅર્સ ધરાવતો હતો. સગાના કહેવા મુજબ તે ગાયકની સાથે સાથે સારો હામોર્નિયમ વાદક પણ હતો. સોશિયલ મિડીયા ઉપર તેના લાખો ચાહકો છે. આ બનાવથી પરિવારમાં અને મિત્રવર્તુળોમાં શોક છવાઇ ગયો છે.
ઇન્સ્ટાગ્રામ પર કિશન સોલંકી ૨૨૭-કે ફોલોઅર્સ ધરાવતો હતો
ઞ્જસગાના કહેવા મુજબ કિશન સોલંકી ખુબ સારો ગાયક કલાકાર અને હામોર્નિયમ વાદક હતો. તે ડાયરાઓમાં સિંગર તરીકે જમાવટ કરતો હતો. તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ૨૨૭-કે ફોલોએર્સ છે. સોશિયલ મિડીયામાં પણ તે ચાહના ધરાવતાં હતો.
(2:18 PM IST)










