તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
બેડી અને સોખડા ચોકડી વચ્ચે ઉભેલા ટ્રક પાછળ કાર અથડાઇઃ જામકલ્યાણપુર પંથકના નારણભાઇનું મોત
મહાદેવીયા ગામના ૫૮ વર્ષિય પ્રોૈઢને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દામ તોડયોઃ સગા સાથે આણંદ ફરવા જતાં હતાઃ કાર ચલાવી રહેલા આણંદના રામશીભાઇનો બચાવ

રાજકોટ તા. ૯: બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચેના રસ્તા પર એચપીના પંપ નીક વહેલી સવારે ટ્રક પાછળ કાર અથડાતાં કારમાં બેઠેલાં જામકલ્યાણપુર પંથકના મહાદેવીયા ગામના પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. તેઓ વેવાઇ પક્ષના સગા સાથે આણંદ તરફ ફરવા જવા માટે નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ જામકલ્યાણપુરના મહાદેવીયા ગામે રહેતાં નારણભાઇ સાજણભાઇ પરગીયા (ઉ.વ.૫૮) નામના પ્રોૈઢ સવારે સાડા પાંચેક વાગ્યા આસપાસ કારમાં બેસીને જતા હતા ત્યારે રાજકોટ પાસે બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે એચપી પેટ્રોલ પંપ પાસે ટ્રક સાથે અકસ્માત થતા તેમને માથે અને શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. કાર ચલાવી રહેલા નારણભાઇના વેવાઇ પક્ષના સગા રામશીભાઇનો બચાવ થયો હતો. નારણભાઈનું ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
કારના ચાલક રામશીભાઇ આણંદ રહે છે. તેણે કહ્યું હતું કે મૃતક નારણભાઈ તેમના કાકાની દિકરીના સસરા થાય છે. બે-ત્રણ દિવસ પહેલા પોતે મહાદેવીયા ગામે આવ્યા હતા. તેઓ પરત આણંદ જઈ રહ્યા હતા ત્યારે નારણભાઇે પણ તેમની સાથે આણંદ ફરવા માટે જઈ રહ્યા હતા. વહેલી સવારે બંને રાજકોટ પાસે બેડી ચોકડી પાસે પહોંચ્યા ત્યારે આગળ જતાં કોઇ વાહનાના ચાલકે અચાનક કોઇ પશુ આડે આવી જતાં બ્રેક મારતાં તેની પાછળ કાર અથડાઇ ન જાય એ માટે રામશીભાઇએ કાર રોડ સાઇડમાં લઇ લીધી હતી. પરંતુ અહિ ટ્રક પાર્ક કરેલો હોઇ તેની પાછળ ધડાકાભેર અથડાઇ ગઇ હતી. જેમાં નારણભાઇને ગંભીર ઇજા થતાં મોત થયું હતું. મૃત્યુ પામનાર નારણભાઈ ખેતીકામ કરતા હતા અને ત્રણ ભાઇ તથા ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે.
(3:40 PM IST)










