News of Wednesday, 16th September 2026
લક્ષ્મીવાડીમાં શિલ્પાબેન માનસેતાના ગળામાંથી ૫૦ હજારના ચેઇનની ઝોંટ
રંગોલી આઇસ્ક્રીમ પાસે ૩ વર્ષના દિકરા સાથે ચાલીને જતાં હતાં ત્યારે એક્સેસ પર આવેલા બે શખ્સ ચીલઝડપ કરી ભાગી ગયા

રાજકોટ તા. ૧૬: શહેરના લક્ષ્મીવાડી મેઈન રોડ પર ચીલઝડપનો બનાવ બન્યો છે. ભારત ફરસાણની સામે હરીકળષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા શિલ્પાબેન હિતેશભાઇ માનસેતા (ઉ.વ.૩૫) નામના પરિણીતા પોતાના ૩ વર્ષના પુત્ર હીતાંશ સાથે ઘર નજીક લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલ રંગોલી આઈસ્ક્રીમ તરફ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ આ અંગે પોલીસે શિલ્પાબેનની ફરિયાદ પરથી બે અજાણ્યા ટુવ્હીલરસવાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. શિલ્પાબેન પરિવાર સાથે રહે છે. તેણી તા. ૭/૯ના રાતે સાડા દસેક વાગ્યે રીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ સામેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી સફેદ કલરના સુઝુકી એક્સેસ મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પોતાની બાઇક ધીમી પાડી હતી. બાઇકની પાછળ બેઠેલા શખ્સે શિલ્પાબેનના ગળામાં પહેરેલ આશરે ૯ ગ્રામ વજનની અને રૂ. ૫૦,૦૦૦ ની કિંમત ધરાવતી સોનાની ચેઈન તથા ગણપતિ-સાથિયાની ડિઝાઇનવાળું પેંડલ આચકો મારી ઝૂંટવી લીધું હતું અને સ્પીડમાં ફરાર થઈ ગયા હતા. બનાવ બનતા જ તેણીએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતાં. આ પછી તેણીએ એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સમાં નોકરી કરતા પોતાના પતિ હિતેશભાઇને ફોન કરી ઘટના સ્થળે બોલાવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ટુવ્હીલરની પાછળ બેઠેલા શખ્સે કાળા કલરનું ટીશર્ટ અને બાઇક ચાલકે આછા દૂધિયા કલરનું ટીશર્ટ પહેરેલું હતું. બંને શખ્સો આશરે ૩૦ થી ૩૫ વર્ષની વયના હતાં. પરિવારમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ પોલીસને જાણ કરતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ વી. એલ. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:36 PM IST)










