<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

મવડી પટેલનગર મુરલીધર શેરીમાં બાંધકામના ધંધાર્થીની ઘરમાં લટકતી કોહવાયેલી લાશ મળી

પત્‍નિ રિસામણે ગઇ હોઇ પાર્થ પિત્રોડા ઘર છોડી અહિ એકલો ભાડેથી રહેતો હતોઃ એકલાયા જીવનથી કંટાળી ગયાની શક્‍યતાઃ ચાર બહેનનો એક જ ભાઇ હતોઃ પિત્રોડા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: મવડી વિસ્‍તારના ઓમનગર નજીક મુરલીધર સોસાયટીમાંથી ૨૯ વર્ષના યુવાનની લટકતી હાલતમાં કોહવાઇ ગયેલી લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પત્‍નિ લાંબા સમયથી રીસામણે ગયા બાદ પરિવારથી અલગ આ યુવાન એકલો મકાન રાખીને રહેતો હતો. તેણે એકલવાયા જીવનથી કંટાળીને આપઘાત કરી લીધા બાદ લાશ કેટલાક દિવસ સુધી લટકતી રહી હોઇ કોહવાઇ ગયાનું પોલીસ તપાસમાં તારણ નીકળ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ઓમનગર પાસે પટેલનગરમાં આવેલી મુરલીધર શેરી નં. ૧માં એક માનમાંથી અત્‍યંત દુર્ગંધ આવતી હોઇ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં દરવાજો તોડીને જોતાં અહિ થોડા દિવસ પહેલા જ ભાડેથી રહેવા આવેલા પાર્થભાઇ ભગવાનભાઇ પિત્રોડા-લુહાર (ઉ.વ.૨૯)ની લટકતી હાલતમાં અને કોહવાઇ ગયેલી હાલતમાં લાશ જોવા મળતાં લોકો ચોંકી ગયા હતાં. ૧૦૮ને જાણ કરવામાં આવતાં તેના તબિબે પૂનમબેન પુરોહિતે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો.

તાલુકા પોલીસ સ્‍ટેશનના કીશનભાઇ અજાગીયા સહિતે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ પાર્થભાઇ પિત્રોડા ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને બાંધકામનો વ્‍યવસાય કરતો હતો. તેના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. પત્‍નિ જાનકીબેન હાલ રિસામણે હોઇ પોતે ઘર પરિવાર છોડી એકલો રહેતો હતો. તેની લાશ જ્‍યાંથી મળી તે મકાન દિવ્‍યેશભાઇ ગોંડલયાનું છે, જે તેણે ભાડે રાખ્‍યું હતું. તે ઘરના લોકોને પણ પોતાનું એડ્રેસ જણાવતો નહોતો. એકલતાથી કંટાળીને કે અન્‍ય કારણે ગળાફાંસો ખાઇ લીધા બાદ બે ત્રણ દિવસ સુધી લાશ લટકતી રહેવાથી કોહવાઇ ગયાનું પોલીસનું તારણ હતું. બનાવની પરિવારજનોને જાણ થતાં હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં.

(3:01 PM IST)