<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

હાસ્‍ય, રોમાન્‍સ અને કૌટુંબીક મૂલ્‍યોની સફર કરાવતી ફિલ્‍મઃ ''NRI દુલ્‍હન''

શુક્રવારથી સીનેમાઘરોમાં છવાઈ જશેઃ વિદેશી ઘેલછા સામે સ્‍વદેશી સંસ્‍કૃતિ તરફ વાળવાનો સંદેશઃ મોટાભાગનું શુટીંગ મુંબઈ, અમદાવાદ અને હાલોલમાં થયું: સ્‍ટાર કાસ્‍ટના ધર્મેશ વ્‍યાસ, ગ્રીવા કંસારા, ડાયરેક્‍ટર રફીકભાઈ પઠાણ અને નિર્માતા વિપૂલ સંઘવીએ ‘અકિલા' ખાતે વર્ણવી રસપ્રદ વિગતો

તસ્‍વીરમાં લાક્ષણિક અદામાં ‘‘NRI દુલ્‍હન''ના અભિનેતા ધર્મેશ વ્‍યાસ અને અભિનેત્રી ગ્રીવા કંસારા તેમજ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફિલ્‍મ ડિરેક્‍ટર રફિકભાઈ પઠાણ, નિર્માતા વિપુલ સંઘવી તથા બાજુમાં ધર્મેશ વ્‍યાસ, ગ્રીવા કંસારા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૩: રોમાન્‍સ, હાસ્‍ય અને કૌટુંબીક મૂલ્‍યોની સફર કરાવતી ગુજરાતી ફિલ્‍મ ‘‘NRI દુલ્‍હન'' આગામી તા.૫ના શુક્રવારથી ગુજરાત સહીતના સીનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા સ્‍ટારકાસ્‍ટના ધર્મેશ વ્‍યાસ, ગ્રીવા કંસારાએ જણાવ્‍યું હતું કે આ સંપૂર્ણ પારિવારિક ફિલ્‍મ છે. જેમાં ખાસ કરીને વિદેશ જવાની ઘેલછા સામે સ્‍વદેશ પાછા વળવા માટેનો સંદેશ આપવામાં આવ્‍યો છે.

એક NRI દિકરી જીવનસાથીની શોધમાં સ્‍વદેશ પરત ફરે છે અને પછી જે વાતાવરણ સર્જાય છે તે રસપ્રદ છે. ફિલ્‍મમાં માનવ સંબંધોની હૂંફ, પારિવારિક રીતરિવાજ અને ભારતીય સંસ્‍કૃતિની સૂંદરતાને રોચક, સચોટ અને રમુજી શૈલીમાં રજૂ કરેલ છે.

‘રાશી'ના પાત્રમાં આંચલ શાહ છે અને તેમના કાકા ‘રાજીવ ધોળકીયા'ના પાત્રમા ધર્મેશ વ્‍યાસ છે. જ્‍યારે ગ્રીવા કંસારા ‘પાપડી'ના પાત્રમાં છે. ગોળ-પાપડીની જોડી ખૂબ જમાવટ કરે છે.

આ ઉપરાંત વિશાલ સોલંકી, આકાશ પંડયા, દીલિપ રાવલે અભિનયના ઓજસ પાથર્યા છે.

ફિલ્‍મમાં મોટાભાગનું શુટીંગ મુંબઈ અમદાવાદ અને હાલોલમાં કરાયું છે. ચારેક ગીતો આ ફિલમને નવી ઉંચાઈ આપી રહ્યા છે. જાવેદ અલી, શાહીદ માલીયા, સન્‍ની જાદવ, ધનશ્રીના અવાજમાં કંડારાયેલ આ ગીતો ટ્રેલર રીલીજ થવાની સાથે જ લોક હૈયે વસી ગયા છે. તેમાં ‘જીલ' જેવી આંખોમાં તારી હું વસી જાવ' અને ‘સરકતા પાલવને સરકવા દો' ગીતો વધુ જાણીતા બન્‍યા છે.

આ તકે ટીમે જણાવ્‍યું હતું કે આ ફિલ્‍મ હાસ્‍ય, લાગણી અને પારિવારિક મનોરંજનથી ભરપૂર હાર્ટ વોર્મિંગ ડ્રામા છે.

કથા જોઈએ તો સ્‍વર્ગસ્‍થ પિતાની ઈચ્‍છા પૂરી કરવા દીકરી ભારત પરત ફરે છે. પિતાની અંતિમ ઈચ્‍છા મુજબ તેણી માટે એક આદર્શ ભારતીય વરરાજાની શોધ કરવાની હોય છે. આ માટે તેને કાકાની પૂરેપૂરી મદદ રહે છે.

ફિલ્‍મમાં ગુજરાતી સંસ્‍કૃતિને ખૂબ નજીકથી દર્શાવવામાં આવી છે. જેમાં અમરેલી અને સાવરકુંડલા શહેર સતત કેન્‍દ્રમાં રહે છે.

વિદેશ સ્‍થાયી થયેલી દીકરી ભારત આવે છે ત્‍યારે ત્રણ અલગ અલગ સ્‍વભાવના પુરૂષોને મળવાનુ થાય છે. બાદમાં પ્રેમ, નિખાલસતા, હાસ્‍યરસની છોળો જોવા મળે છે.

ફિલ્‍મના દિગ્‍દર્શક તરીકે ભરત મહેતા અને રફીક પઠાણ (વડનગરી) એ તેમજ નિર્માતા તરીકે વિપૂલ સંઘવી અને રમેશ શાહની સેવાઓ મળી છે. એક્‍ટરે પ્રીમીયમ ક્‍વોલીટી સાથે મોટા પડદે આવી રહેલ આ ફિલ્‍મ ૨ડી ફોર્મેટમાં સીનેમાઘરોમાં પ જૂનથી રીલીઝ થવા જઈ રહી છે.

આ તકે ધર્મેશ વ્‍યાસએ જણાવેલ કે કોર્પોરેટ સેક્‍ટરમાં તૈયાર થઈ હોય તેવી આ પ્રથમ ગુજરાતી ફિલ્‍મ છે જેનું નિર્માણ કાર્ય મસીટીયા કેપીટલ અને મંગલમ ગ્રુપે સંભાળ્‍યુ છે. એકંદરે પારિવારીક-ડ્રામાથી ભરપૂર આ ફિલ્‍મ લોકોને ખૂબ પસંદ પડશે તેવો આશાવાદ સ્‍ટારકાસ્‍ટ ટીમે વ્‍યક્‍ત કર્યો હતો.(૪૦.૩૫)

ગુજરાતી ફિલ્‍મોને પ્રાઈમટાઈમ ફાળવવા સરકાર પણ કમર કસે

રાજકોટઃ આ તકે ૪૦ વર્ષથી અભિનય ક્ષેત્રને ઘમરોળતા ધર્મેશ વ્‍યાસે જણાવ્‍યું હતું કે આપણી ગુજરાતી ફિલ્‍મોને પ્રાઈમ ટાઈમ ફાળવાય તે માટે સરકારે આગળ આવવું જોઈએ. મે ૬ થી ૯ કે રાત્રે ૯ થી ૧૨ ના શો ફાળવાય તો જ ગુજરાતી ફિલ્‍મોને સાચો ન્‍યાય મળ્‍યો ગણાય. જો મરાઠી સરકાર આવું વિચારી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહિં? તેવું લાગણીસભર સુચન આ તકે ધર્મેશ વ્‍યાસે કર્યુ હતું.

૫ જૂન શુક્રવારથી રીલીઝ

રાજકોટઃ ફિલ્‍મ ડિરેક્‍ટર રફીકભાઈ પઠાણે જણાવ્‍યું હતું કે આગામી તા.૫ જૂનના શુક્રવારથી ગુજરાતભરમાં સિનેમાઘરોમાં ૨ડી ફોર્મેટમા આ ફિલ્‍મ રિલિઝ થશે. જે અનોખી પારિવારીક સફર કરાવશે. ટ્રેલર રીલીઝ થતા જ ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પારિવારીક મનોરંજક ફિલ્‍મને સૌ હરખથી વધાવે તેવી આશા રફીકભાઈ પઠાણે વ્‍યક્‍ત કરી હતી.

(4:07 PM IST)