તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ચોટીલાના વિપુલભાઇ પર નવાગામમાં નિલેષ સહિતનો ટોળકી રચી હુમલો
દારૂ પીવડાવવાના બહાને બોલાવી આરોપ મુકી છરી, પાઇપના ઘા ઝીંકયાનો આક્ષેપઃ સારવાર માટે રાજકોટ ખસેડાયોઃ ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૭: ચોટીલાના આંબેડકરનગરમાં રહેતાં વિપુલભાઇ મેઘાભાઇ ખીમસુરીયા (ઉ.વ.૩૫) નામના યુવાન પર ચોટીલાના નવાગામમાં નિલેષ, રાજુ અને અજાણ્યાએ હુમલો કરી ઢીકાપાટુનો બેફામ માર મારી તેમજ છરી, પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
વિપુલભાઇના કહેવા મુજબ પોતે બાંધકામનો ધંધો કરે છે અને ચાર ભાઇમાં નાનો છે. સંતાનમાં ત્રણ દિકરી છે. પોતાને પરિચીત નિલેષે તેના ગામ નવાગામ ખાતે દારૂ પીવા બોલાવતાં પોતે ત્યાં ગયો હતો. દારૂ પીધા બાદ છોકરીની પજવણી કર્યાનો ખોટો આરોપ નાંખી નિલેષ સહિતનાએ ભેગા થઇ બેફામ માર માર્યો હતો.
વિપુલભાઇને આ હુમલામાં સાથળમાં અને હાથમાં ઇજાઓ પહોંચી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ખરેખર શું ઘટના બની હતી? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:37 AM IST)










