<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

એસટી બસ પોર્ટના ત્રીજા માળે ગોલ્‍ડ સ્‍પામાં ચાલતું કુટણખાનુ ઝડપાયું: ૬ બીયર પણ મળ્‍યાઃ સંચાલક-મેનેજરની ધરપકડ

વિજયપ્‍લોટનો રવિ ખેરૈયા અને નેપાળી મેનેજર નરેર શાણા રાજકોટ, મુંબઇ, આસામ, નેપાળની યુવતિઓ પાસે દેહવેપલો કરાવતાં હતાં: ગ્રાહક દિઠ ૫-૫ હજાર વસુલી લલનાને ૧-૧ હજાર આપતાં: એ-ડિવીઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયોઃ હેડકોન્‍સ. મહેશભાઇ ચાવડાની બાતમી પરથી પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ રાણા અને ટીમની કાર્યવાહીઃ એક મહિનાથી કુટણખાનુ ચાલુ કર્યુ હતું

 

રાજકોટ તા. ૧: શહેરમાં વધુ એક વખત સ્‍પાના ઓઠા તળે કુટણખાનુ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. એસટી બસ પોર્ટમાં ત્રીજા માળે આવેલા ગોલ્‍ડ સ્‍પામાં બાતમીને આધારે એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી સંચાલક સહિત બેને પકડી લીધા હતાં. વિજય પ્‍લોટમાં રહેતાં સ્‍પા સંચાલક અને સાધુ વાસવાણી રોડ પર રહેતાં નેપાળી મેનેજરે એકાદ મહિનાથી અહિ મુંબઇ, દિલ્‍હી, આસામ, રાજકોટ, નેપાળની યુવતિઓને કામે રાખી તેની પાસે દેહવેપલો કરાવતાં હતાં. આ બંને ગ્રાહકો પાસેથી ૫-૫ હજાર વસુલી આ યુવતિઓને એક ગ્રાહક દિઠ ૧-૧ હજાર આપતાં હતાં.

જાણવા મળ્‍યા મુજબ એ-ડિવીઝનના હેડકોન્‍સ. મહેશભાઇ ચાવડાને બાતમી મળી હતી કે બસ પોર્ટના ત્રીજા માળે ગોલ્‍ડ સ્‍પામાં દેહવ્‍યાપારની પ્રવૃતિ ચાલે છે. આ બાતમી પરથી ડમી ગ્રાહકને ત્‍યાં મોકલ્‍યો હતો. ખરાઇ બાદ પોલીસ ટીમ ત્રાટકી હતી. કાઉન્‍ટર પર બેઠેલા શખ્‍સની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ નરેશ ધર્મેન્‍દ્રભાઇ રાણા-નેપાળી (ઉ.વ.૧૯-રહે. સાધુ વાસવાણી રોડ, વસંત વાટીકા બ્‍લોક નં. ૧૦૧, પહેલો માળ) જણાવ્‍યું હતું અને પોતે આ સ્‍પામાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જ્‍યારે બાજુમાં બેઠેલા શખ્‍સે પોતાનું નામ રવિ ભુપતભાઇ ખેરૈયા (ઉ.વ.૩૦-રહે. વિજય પ્‍લોટ-૯, ગોંડલ રોડ રાજકોટ) જણાવ્‍યું હતું. તેમજ પોતે આ સ્‍પાનો સંચાલક હોવાનું કહ્યું હતું.

પોલીસે બંનેને સાથે રાખી રૂમ નં. ૪ ચેક કરતાં તેમાં એક યુવતિ અને પુરૂષ કઢંગી હાલતમાં મળી આવ્‍યા હતાં. પુછતાછમાં યુવતિએ પોતે મુળ આસામ અને દિલ્‍હીની વતની હોવાનું અને હાલ મઢી પાસે રહતી હોવાનું કહ્યું હતું. તેમજ સ્‍પાનો સંચાલક રવિ પોતાની પાસે દેહ વ્‍યાપાર કરાવતો હોવાનું અને તે ગ્રાહક પાસેથી ૫ હજાર રૂપિયા વસુલી પોતાને ૧ હજાર આપતો હોવાનું અને ૩ હજાર પોતે રાખી ૧ હજાર એન્‍ટ્રી ફીમાં જમા કરાવતો હોવાનું કબુલ્‍યું હતું.

આ રૂમની બાજુના રૂમમાં તપાસ કરતાં અન્‍ય ચાર યુવતિ જોવા મળી હતી. જેણે પોતેમુળ મુંબઇ, નેપાળ, અમદાવાદ અને ઉત્તરાખંડની વતની હોવાનું અને હાલ રાજકોટ હનુમાન મઢી આસપાસ તથા સાધુ વાસવાણી રોડ પર રહેતી હોવાનું કહ્યું હતું. આ યુવતિઓએ પણ પોતાને મેનેજર નરેશ અને સંચાલક રવિ ગ્રાહક દિઠ ૧-૧ હજાર રૂપિયા ચુકવી દેહવેપલો કરાવતાં હોવાનું અને આ બંને ગ્રાહકો પાસેથી ૫-૫ હજાર રૂપિયા વસુલતા હોવાનું કબુલ્‍યું હતું.

પોલીસે કાઉન્‍ટર પાસે તપાસ કરતાં એક પ્‍લાસ્‍ટીકની થેલી પડેલી જોવા મળતાં તેમાં તપાસ કરતાં બડવાઇઝર બીયરના ૬ ટીન મળી આવતાં આ બાબતે મેનેજર નરેશ રાણાની પુછતાછ કરતાં તે આ બીયર લાવ્‍યાનું કબુલ્‍યું હતું. આ અંગે તેની સામે દારૂબંધીનો અલગથી ગુનો નોંધ્‍યો હતો. પોલીસે રૂા. ૫૦૦૦ રોકડા, કોન્‍ડોમના પેકેટ, મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૪૪૭૦૦નો મુદ્દામાલ તથા ૩ હજારના બીયરના ટીન કબ્‍જે કરી સ્‍પાના સંચાલક અને મેનેજરની ધરપકડ કરી હતી. એકાદ મહિનાથી આ બંનેએ સ્‍પાની આડમાં દેહવેપલો ચાલુ કરાવ્‍યાનું રટણ કર્યુ હતું.

એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા, હેડકોન્‍સ. મહેશભાઇ ચાવડા, કલ્‍પેશભાઇ બોરીચા, કરણભાઇ વીરસોડીયા, કોન્‍સ. રૂતિકાબેન, સુધાબેન સહિતે આ કામગીરી કરી હતી.

(2:46 PM IST)