News of Thursday, 5th November 2026
રાજકોટની સોની બજારમાં ૧૯ વર્ષના સચીન મીણાના વાહનમાં લિફટ લઇ છરી બતાવી ૪ લાખના સોનાની લૂંટ
મેરે પૈર મેં ચોટ આઇ હૈ, આગે તક છોડ દે કહી અજાણ્યો શખ્સ પાછળ બેઠોઃ આગળ જતાં છરી અડાડી લૂંટી લીધો : મુળ રાજસ્થાનનો યુવાન જ્યાં કામ કરે છે ત્યાંથી કોઠારીયા ચોકી પાસેની દુકાને જઇ સોનાના તારની લગડી દેવા જતો હતો ત્યારે દુકાન નજીકથી જ લૂંટારૂ લિફટના બહાને બેસી ગયો હતોઃ ચિલ્લાયા તો છરી ઘુસેડ દુંગા કહી લગડી કાઢી લીધી અને કહ્યું-એક્ટીવા મોડ કે પીછે જા નહિ તો ચાકૂ ઘુસેડ દુંગાં: એ-ડિવીઝન પોલીસે, ક્રાઇમ બ્રાંચ, એલસીબીએ તપાસ આદરી ભેદ ઉકેલાઇ જવાની આશા

રાજકોટ તા. ૪: શહેરમાં દિવાળીના તહેવાર ટાણે એક તરફ સોની બજારમાંથી વેપારી કરોડોનું સોનુ લઇ ગાયબ થઇ ગયાની ઘટનામાં તપાસ ચાલી રહી છે તો બીજી તરફ ગત રાતે લૂંટની એક ઘટના બની છે. અહિ એક રાજસ્થાની વેપારીને ત્યાં કામ કરતો અને ત્યાં જ રહેતો ૧૯ વર્ષનો રાજસ્થાની યુવાન રાતે શેઠ પાસેથી રૂા. ૪ લાખની સોનાના તારની લગડી લઇ એક્ટીવામાં બેસી બીજા વેપારીને આપવા જતો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સે ઉભો રાખી ‘મેરે પૈર મેં ચોટ હૈ આગે તક છોડ દે' કહી લિફટ માંગી હતી અને પાછળ બેસી જઇ એક્ટીવા થોડે આગળ જતાં ચાલકને છરી અડાડી તેની પાસેથી સોનુ લૂંટી ભાગી જતાં પોલીસે ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે આ બનાવમાં સોની બજાર માંડવી ચોક પાસે જુઠા દોશીની શેરીમાં બાલાજી તારવાળાની દુકાનમાં રહેતાં અને તયાં જ કામ કરતાં મુળ રાજસ્થાનના પાલીના સુમેરપુર તાબેના હીંગોલા ગામના વતની સચીન મુલારામ મીણા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે લૂંટનો ગુનો નોંધ્યો છે. સચીને ફરિયાદમાં જણાવ્યું છે ક હું હાલ સોની બજારમાંમારા ઓળખીતા ઉમેદારામ હીરારામ ચોૈેહાણની સાથે રહુ છું અને સોની કામની મજુરી કરી અમારૂ જીવન ગુજરાન ચલાવુ છું. અમે જે દુકાનમાં રહીએ છીએ તે અમારા શેઠના પાર્ટનરનુ નામ મહેન્દ્રસિંહ જોધા છે. હું ધોરણ ૧૨ પાસ છું. મને ગુજરાતી તથા હીન્દી ભાષા જાણુ છું. હું રાતે અમારા શેઠ ઉમેદારામ ચોૈહાણની બાલાજી તારવાળાની દુકાનમા હાજર હતાં. શેઠે મને સોનાના તારની લગડી બનાવવાની હોઇ જેથી ફાઇન સોનુ લેવા માટે કોઠારીયા ચોકી પાસે દુકાન ધરાવતાં નિર્મલભાઇ પરમાર નામના વેપારીને ત્યાં જવાનું કહ્યું હતું.
હું શેઠનું એક્ટીવા જીજે૦૩પીબી-૭૫૦૬ લઇને કોઠારીયા ચોકી પાસે નિર્મલભાઇ પાસે ગયો હતો. ત્યાંથી ૩૩ ગ્રામ ફાઇન સોનુ લઇને આવ્યો હતો. આ પછી તારની લગડી તૈયાર થઇ જતાં શેઠનું એક્ટીવા લઇ તે ફરીથી નિલેષભાઇને આપવા જવા સાડા નવેક વાગ્યે અમારી દુકાનેથી નીકળ્યો હતો. આ સોનાના તારની લગડી મેં મારા પેન્ટના ડાબી બાજુના ખિસ્સામા રાખી હતી. અમારી દુકાનથી આશરે પચાસેક ફુટ આગળ જતાં અજાણ્યો શખ્સ મારી એક્ટીવાની આગળ આવી ગયો હતો અને હિન્દીમાં બોલ્યો હતો કે-મુજે પૈર મેં ચોટ લગી હે આગે તક છોડ દે. આમ કહીે તે મારી પાછળ બેસી ગયેલ હતો. આ પછી થોડે આગળ જતાં જ તે બોલ્યો હતો કે-ચિલ્લાયા તો ચાકુ લ ગા દુંગા. તેના જમણા હાથમા એક રૂમાલમાં કોઇ અણીદાર હથિયાર જેવુ લાગતા મને અણી અડાડી દઇ મારવાની ધમકી આપી આગે ગાડી ચલા કહેતાં મે ગાડી આગળ ચલાવેલ હતી. ત્યાર બાદ થોડે આગળ માંડવી ચોકના ઢાળીયા આગળ એકટીવા ઘુમાઓ એમ ઇશારો કરતા મે માંડવી ચોકના ઢાળીયા આગળ ગાડી લીધી હતી. એ દરમિયાને તેણે મારા પેન્ટના ખિસ્સામાં હાથ નાંખી લગડી કાઢી લીધી હતી. બાદમાં આસોપાલવ જવેલર્સની સામે એકદમ એકટીવા ઉભુ રખાવ્યું હતું. બાદમાં કહ્યું હતું કે-એકટીવા મોડ કે પીછે ભાગ જા નહી તો ચાકુ ઘુસા દુંગા. આ પછી તે ચાલીને ઢાળીયો ઉતરી ગયો હતો. હું ગભરાઇ જતા મે એકટીવા પાછળ વાળી થોડીક આગળ જઇ મારા શેઠ ઉમેદારામ ચોૈહાણને ફોન કરી બોલાવતાં તે આવી ગયા હતાં. શેઠે અમારા રાજસ્થાન તરફના માણસોને બોલાવેલ અને આ બનાવની જાણ કરેલ હતી. બાદમાં અમે પોલીસને જાણ કરી હતી. લૂંટારૂ ૪૩ ગ્રામ ૧૬ કેરેટની રૂા. ૪ લાખની સોનાના તારની લગડી લૂંટી ગયો હતો.
પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં એએસઆઇ પી. જી. ઝાલાએ ગુનો નોંધ્યો હતો. એ-ડિવીઝન, ડીસીબી, એલસીબીની ટીમોએ ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી. કેટલાક શકમંદોની પુછતાછ કરી હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા છે.
(2:29 PM IST)










