<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

રાજકોટમાં ૨૦ ડિસેમ્‍બરે ૨૨ પિતૃછત્રવિહોણી દીકરીઓના ભવ્‍ય લગ્નોત્‍સવ ‘વહાલુડીના વિવાહ'નું આયોજન

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સતત નવમા વર્ષે અનોખો સેવાયજ્ઞ : સૌરાષ્ટ્ર હાઈસ્‍કૂલ ખાતે કાર્યકર્તાઓની જનરલ મીટિંગ ઉત્‍સાહભેર સંપન્‍ન : કરિયાવરથી કન્‍યાદાન સુધીની તૈયારીઓનો ધમધમાટ

રાજકોટ, તા. ૫ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતી રુક્ષ્મણીબેન દીપચંદભાઈ ગાર્ડી વૃદ્ધાશ્રમ ‘દીકરાનું ઘર', ઢોલેરા દ્વારા માતા-પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરવાના ઉમદા હેતુથી દર વર્ષે યોજાતો ‘વહાલુડીના વિવાહ' લગ્નોત્‍સવ આ વર્ષે પણ ભવ્‍ય રીતે યોજાનાર છે. સતત નવમા વર્ષે આગામી તા. ૨૦ ડિસેમ્‍બર, રવિવારના રોજ રાજકોટના આંગણે ૨૨ દીકરીઓના જાજરમાન લગ્નોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે સમાજજીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે તેમાં સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

છેલ્‍લા આઠ વર્ષથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા પિતૃછત્રવિહોણી દીકરીઓના લગ્ન કરાવી તેમને નવા જીવનની શરૂઆત કરાવવાની સેવાપ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે પણ લગ્નોત્‍સવને યાદગાર બનાવવા માટે સંસ્‍થાના કાર્યકર્તાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

લગ્નોત્‍સવના આયોજન અંગે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પરિવારના તમામ કાર્યકર્તાઓની જનરલ મીટિગ રાજકોટની સૌરાષ્ટ્ર હાઈસ્‍કૂલના હોલમાં ઉત્‍સાહભેર યોજાઈ હતી. આ મીટિગમાં સંસ્‍થાના ટ્રસ્‍ટી શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, ડો. નિતિન બારોટ, વસંતભાઈ ગઢેશા, ડો. મયંક ઠક્કર તથા ‘અવર રાજકોટ'ના ડો. રાહુલભાઈ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

જનરલ મીટિગનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્‍યો હતો. કોર કમિટીના સભ્‍ય કિરીટ આદ્રોજાએ સૌનું સ્‍વાગત કર્યું હતું. આ પ્રસંગે સંસ્‍થાના વહીવટી કાર્યકર્તા દિનેશભાઈ ગોવાણીનો જન્‍મદિવસ હોવાથી તેમને સૌએ પ્રેમભરી શુભકામનાઓ પાઠવી હતી.

સંસ્‍થાના સ્‍થાપક અને ‘વહાલુડીના વિવાહ'ના સ્‍વપ્નદ્રષ્ટા મુકેશભાઈ દોશીએ સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે ફરી એકવાર ૨૨ દીકરીઓને સાસરે વળાવવાનો પવિત્ર અવસર આવી પહોંચ્‍યો છે. લગ્નોત્‍સવ માત્ર એક સામાજિક પ્રસંગ નહીં, પરંતુ દીકરીઓ પ્રત્‍યેના સ્‍નેહ, લાગણી અને જવાબદારીની અભિવ્‍યક્‍તિ છે.

મુકેશભાઈ દોશીએ આગામી દિવસોમાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપ્‍યું હતું. તેમાં દીકરીઓ માટે કરિયાવરની વ્‍યવસ્‍થા, લગ્નજીવન અંગે માર્ગદર્શન આપતો કાર્યક્રમ, દીકરીઓ તથા ભાવિ જમાઈઓના થેલેસેમિયા ટેસ્‍ટ, મહેંદી રસમ, બ્‍યુટી પાર્લરની વ્‍યવસ્‍થા, કરિયાવરનું પેકિગ અને મોકલવાની કામગીરી, કંકોત્રી વિતરણ, મહેમાનોને આમંત્રણ, અન્નકૂટ દર્શન, કન્‍યાદાન અને મંડપ મુહૂર્ત સહિતની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે કાર્યકર્તાઓને આયોજન અંગે નાના-મોટા ઉપયોગી સૂચનો આપવા અપીલ કરી હતી. ૮૨ વર્ષની ઉંમરે પણ તેઓ આ સેવાકાર્ય માટે વિશેષ ઉત્‍સાહ ધરાવે છે. તેમણે દરેક કાર્યકર્તાને પોતાના પરિવારની બહેન કે દીકરીને સાસરે વળાવતા હોય તેવી લાગણી અને ઉત્‍સાહ સાથે કામગીરીમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વિશેષ ઉપસ્‍થિત રહેલા ‘અવર રાજકોટ' સોશિયલ મીડિયા ચેનલના ડો. રાહુલભાઈએ જણાવ્‍યું હતું કે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરવાના આ પવિત્ર સેવાકાર્યમાં તેઓ તન, મન અને ધનથી સહયોગ આપશે.

સમગ્ર લગ્નોત્‍સવના સફળ આયોજન માટે અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, પ્રદીપ હાપલિયા, કલ્‍પનાબેન કલ્‍યાણી, ગીતાબેન વોરા અને કોમલ માજી સહિતના કાર્યકર્તાઓ સક્રિય રીતે કાર્યરત છે.

આમ, રાજકોટના આંગણે આગામી ૨૦ ડિસેમ્‍બરે યોજાનારો ૨૨ દીકરીઓનો સામૂહિક લગ્નોત્‍સવ સેવાભાવ, સામાજિક જવાબદારી અને માનવતાની લાગણીનું સુંદર ઉદાહરણ બની રહેશે.

(3:30 PM IST)