તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
સાસરીયામાં દુઃખી પરિણીતાને કુટુંબી દિયરે લગ્નની લાલચ દઇ દેહ પીંખ્યોઃ સગર્ભા થતાં કહ્યું-બાળક કોનું હોય કેમ ખબર પડે?
લગ્નના એક વર્ષ બાદ સાસરિયામાં ત્રાસ શરૂ થયોઃ પરિણીતાને રડતી જોઇ કુટુંબી દિયરે-ભાભી હું તમારી સાથે જ છું કહી મોબાઇલ નંબરની આપ લે કરીઃ પછી કહ્યું-તમે મને ગમો છો, તમારા પતિને છોડી દો તો હું લગ્ન કરી લઇશઃ પરિણીતા લાગણીમાં લપેટાઇ અને જિંદગી બગડી એક વખત ભાગીને લગ્ન કરવાના નામે અમદાવાદ લઇ ગયોઃ ત્યાં પણ હોટેલમાં શરીર સંબંધ બાંધ્યાઃ પરત આવતાં પતિએ અપનાવવાની ના પાડીઃ પછી જેના પર વિશ્વાસ મુક્યો હતો એ કુટુંબી દિયર પણ ફરી ગયોઃ પાંચ દિવસ પહેલા દિકરીને જન્મ દેનાર પરિણીતાની બી-ડિવીઝનમાં દૂષ્કર્મની ફરિયાદઃ પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એસ. એન. શ્યોરાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨: શહેરમાં દૂષ્કર્મની એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં સાસરિયાના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળેલી એક પરિણીતાને મદદ કરવાના બહાને કુટુંબી દિયરે પોતાની જાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી યુવકે મહિલાની મરજી વિરૂધ્ધ અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. એક વખત તો ભગાડી પણ ગયો હતો. અંતે પરિણીતાએ બાળકીને જન્મ આપ્યા બાદ યુવકે તેને સ્વીકારવાનો ઇનકાર કરી દેતા ભોગ બનનાર મહિલાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.
તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નના એકાદ વર્ષ બાદ જ સાસરીયા પક્ષ તરફથી નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું, જેના કારણે મહિલા ભારે માનસિક તણાવમાં રહેતી હતી. આ દરમિયાન સગામાં જ થતો યુવાન અવારનવાર ઘરે આવતો હોવાથી તેની સાથે પરિચય થયો હતો. તેણીને રડતી જોઈ તેણે મુશ્કેલીનું કારણ પુછતાં તેણીએ પોતાની આપવીતી જણાવી હતી. આ વખતે તેણે-‘ભાભી હું તમારી સાથે જ છું, તમે ચિંતા ન કરો' તેમ કહી મોબાઇલ નંબરની આપ લે કરી હતી.
ત્યારબાદ બંને વચ્ચે વ્હોટ્સેઅપમાં વાતચીત ચાલુ થઇ હતી. એક દિવસ તેણે કહેલું કે-તમે તમારા પતિને છોડી કેમ નથી દેતા? આથી તેણીએ હું એને છોડીને ક્યાં જાઉ? એવો સવાલ કરતાં તેણે તમે મને ખુબ ગમો છો, જો તમારા પતિને છોડી દેશો તો હું તમારી સાથે લગ્ન કરીશ. પરિણીતા સાસરીયાના ત્રાસથી કંટાળી ગઇ હોઇ તેણે વિશ્વાસ આપ્યો હોઇ જેથી તેણીએ પણ હા પાડી હતી અને જો તે લગ્ન કરવા તૈયાર હોય તો પોતે પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર છે તેમ કહ્યું હતું.
આ પછી આજથી અંદાજે નવેક મહિના પહેલાં જ્યારે મહિલા ઘરે એકલી હતી ત્યારે તેણે ઘરમાંઆવી શરીર સંબંધ બાંધવાની વાત કરતાં પરિણીતાએ લગ્ન પછી જ બધુ થઇ શકે તેમ કહેતાં તેણે તું કેમ ચિંંતા કરે છે, હું તારી સાથે જ લગ્ન કરાવનો છું, મેં મારા ઘરે પણ વાત કરી લીધી છે તેમ કહી બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. તે લગ્ન કરવાનો છે તેવો વિશ્વાસ હોઇ તેણે બળજબરી આચરી લીધાની વાત કોઇને કરી નહોતી. આ પછી તે અવાર-નવાર આ રીતે બળજબરીથી સંબંધ બાંધતો હતો અને લગ્ન કરવાનો વિશ્વાસ આપતો હતો. આ દરમિયાન તેણીના પતિ સાથે પણ શારીરિક સંબંધો હતાં.
દરમિયાન નવેક મહિના પહેલા તેણી ગર્ભવતી થતાં તેણે તેને વાત કરી હતી કે મારા પેટમાં બાળક છે. ત્યારે તેણે હવે આપણે ટુંક સમયમાં ભાગીને લગ્ન કરી લઇશું તેમ કહ્યું હતું. આ પછી ત્રણ મહિના બાદ ભાગીને લગ્ન કરવાની વાત કરતાં પરિણીતાએ પુછેલુ કે તું મને છોડી તો નહિ દે ને? ત્યારે તેણે આજીવન સાથે રહેશે તેવો વિશ્વાસ આપેલો અને અમદાવાદ ભગાડીને લઇ ગયો હતો. જ્યાં ઇસ્કોન ચોકડીએ હોટેલમાં એક દિવસ રોકાયા હતા. ત્યારે ત્યાં પણ કરણે શરીર સંબંધ બાંધી લીધો હતો. બે દિવસ બાદ સગા સંબંધીઓ શોધીને પરત રાજકોટ લઇ આવ્યા હતાં.
આ પછી પરિણીતાને પતિએ અપનાવવાની ના પાડતાં તેણી માવતરે જતી રહી હતી. આ પછી તેણીએ ફરીથી કુટુંબી દિયરને બોલાવીને લગ્નનું કહેતાં તેણે-હવે હું તને લઇ જવા નથી માંગતો તેમ કહી દીધુ હતું. આથી તેને પરિણીતાએ કહેલું કે-તો શા માટે મને લગ્નની વાતો કરી હતી. ત્યારે તેણે કહેલું કે-તારા પેટમાં મારું બાળક છે કે નહિ તે કેમ ખબર પડે? હવે મારે તું જોઇતી નથી. તેમ કહી તે જતો રહ્યો હતો. આ પછી સમાધાન માટે જ્ઞાતિના આગેવાનો અને પરિવારે પ્રયાસ કર્યા હતાં. પરંતુ તેણે તેણીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. દરમિયાન પાંચ દિવસ પહેલા જ આ પરિણીતાએ દિકરીને જન્મ આપ્યો હતો. તેણીના ભવિષ્યને ધ્યાને રાખી ફરિયાદ દાખલ કરાવતાં પીઆઇ જી. આર. ચોૈહાણએ ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ એસ. એન. શ્યોરાએ વિશેષ તપાસ હાથ ધરી છે.
(2:38 PM IST)










