હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટથી ભિક્ષાવૃતિ કરી પારેવડા ગામે ઘરે જઇ રહેલા મદારી યુવાનનું ‘હિટ એન્ડ રન'માં મોત
કુવાડવા સોખડા ચોકડી પાસે રસ્તો ઓળંગતી વખતે અજાણ્યો વાહનવાળો ઉલાળીને ભાગી ગયો પાંત્રીસ વર્ષના યુવાનના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ કુવાડવા રોડ પોલીસે મૃતકના સાઢુભાઇ અજયનાથ સોલંકીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

સાંજે છ વાગ્યે પત્નિને ફોનમાં કહ્યું હતું ઘરે આવવા નીકળી ગયો છું: સાડા આઠે ફોન રીસીવ ન થતાં બધા શોધવા નીકળ્યા ત્યારે માથુ, મોઢુ છુંદાઇ ગયેલી લાશ મળીઃ અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધ
રાજકોટ તા. ૨૯: વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં એક પરિવારના આધારસ્તંભનું મોત થયું છે. કુવાડવાની સોખડા ચોકડી નજીક રસ્તો ઓળંગી રહેલા પારેવડાના મદારી યુવાનને અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેનું ઘટના સ્થળે જ ગંભીર ઇજા થવાથી મોત થયું છે. આ યુવાન પારેવડાથી રાજકોટ ભિક્ષાવૃતિ કરવા માટે ગઇકાલે સવારે આવ્યો હતો. રાતે પરત પોતાના ઘરે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. કુવાડવા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ પારેવડા ગામે કૃષ્ણાનગરમાં રહેતો અમદીનાથ ભોટનાથ બામણીયા-મદારી (ઉ.વ.૩૫) નામનો યુવાન ગઇકાલે સવારે પારેવડાથી રાજકોટ ભિક્ષાવૃતિ કરવા માટે ગયો હતો. બાદમાં રાતે પરત પોતાના ઘરે આવતો હતો એ વખતે કુવાડવા નજીક સોખડા ચોકડી પાસે રસ્તો ઓળંગતો હતો ત્યારે અજાણ્યો વાહનચાલક તેને ઠોકરે લઇ ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ શૈલેન્દ્રસિંહ બી. જાડેજા સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃત્યુ પામનાર અમદીનાથ ચાર બહેન અને ત્રણ ભાઇમાં નાનો હતો. સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતો હતો. પોલીસે પારેવડામાં જ રહેતાં મૃતકના સાઢુભાઇ અજયનાથ પોપટનાથ સોલંકી (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃત્યુ પામનાર અમદીનાથને સાંજે છએક વાગ્યે પત્નિ સીતાબેને ફોન કર્યો ત્યારે તેણે પોતે હવે રાજકોટથી ઘરે આવવા નીકળી ગયો છે તેવી વાત થઇ હતી. પરંતુ બાદમાં મોડેથી સાડા આઠેક વાગ્યે ફરી ફોન જોડતાં ફોન રીસીવ થતો નહોતો. આથી સીતાબેને બનેવી અજયનાથની ઘરે જઇ વાત કરી હતી. આ પછી બધા પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી. એ દરમિયાન રાજકોટ અમદાવાદ હાઇવે આઇઓસી પ્લાન્ટ પાસે ટોળુ ઉભુ હોઇ ત્યાં તપાસ કરતાં એક યુવાન રસ્તો ઓળંગતી વખતે કોઇ વાહનની ઠોકરે આવી જતાં તેનું મોઢુ, કમરનો ભાગ, સાથળ વચ્ચેનો ભાગ છુંદાઇ ગયેલા જોવા મળ્યા હતાં. આ પછી ખબર પડી હતી કે આ લાશ અમદીનાથની છે. આ રીતે મૃતદેહની ઓળખ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે










