<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

રાજકોટના વોર્ડ નં.૧૫માં ગજબનો અપસેટ સર્જાયો

કોંગ્રેસની પેનલ તુટીઃ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની હારઃ ભાજપના નિલેશ હેરભા વિજેતા

રાજકોટ તા.૨૮: રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સામાન્‍ય ચૂંટણીની મતગણતરી આજ સવારના ૯ વાગ્‍યાથી વિવિધ ૬ સ્‍થળોએ શરૂ થઇ હતી. શહેરના ગોંડલ રોડ પર આવેલ જસાણી વિદ્યાલયમાં વોર્ડ નં.૧૩,૧૪,૧૫ની મતગણતરી હાથ ધરાઇ હતી. વોર્ડ નં.૧૩,૧૪માં ભાજપની પેનલ વિજય મેળવવામાં સફળતા મેળવી હતી. જયારે વોર્ડ નં.૧૫માં મોટો અપસેટ સર્જાર્યો છે કેમ કે વોર્ડ નં.૧૫માં કોંગ્રેસના નેતા વશરામભાઇ સાગઠીયાની હાર થતા કોંગ્રેસની પેનલ તુટી છે. ભાજપના એક ઉમેદવાર નિલેશ હેરભા વિજેતા થયા છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વોર્ડ નં.૧૫ની મતગણતરી પૂર્ણ થયા બાદ એક રાજકીય ગરમાવો જોવા મળ્‍યો હતો. પ્રથમ બેઠકસ્ત્રી અનામત કોંગ્રેસ અને બીજી બેઠકસ્ત્રી સામાન્‍યમાં કોંગ્રેસ વિજેતા જાહેર થયા હતા. ત્રીજી બેઠક ઓબીસી અનામત છે તેમાં કોંગ્રેસના મકબુલ દાઉદાણી અને ભાજપના નિલેશ હેરભા વચ્‍ચે જંગ હતો. જેમાં વોર્ડ નં.૧૫માં કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણીને સોૈથી વધુ મત મળતા ચુંટણી પંચના નિયમ મુજબ સામાન્‍ય  બેઠકમાં ફેરવાયા હતા. જે સરસાઇમાં નીલેશ હેરભા, કોંગ્રેસના વશરામભાઇ સાગઠીયા કરતા  વધુ મત મેળવતા અનામત બેઠક ઉપર નિલેશ હેરભાનો વિજય થયો છે. આમ કોંગ્રેસના આગેવાન અને પૂર્વ વિપક્ષી નેતાને હાર થતા વોર્ડ નં.૧૫માં રાજકીય ગરમાવો જોવા મળ્‍યો છે

(5:24 PM IST)