<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જામનગરથી આઇશરમાં ૧૦ પાડા-પાડી-બચ્‍ચાને ક્રુરતાથી બાંધીને નીકળેલો ભાવનગરનો શખ્‍સ રાજકોટમાં પકડાયો

પરાપીપળીયાથી પીછો કરાયોઃ માધાપર ચોકડીથી આગળ આંતરી લેવાયોઃ ગાંધીગ્રામ પોલીસ અને ગોૈરક્ષક-કાર્યકર જયેન્‍દ્રભાઇ ચંદવાડીયાની ટીમે કાર્યવાહી કરીઃ અજય ગલાણી સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૩: પશુઓ પ્રત્‍યે ક્રૂરતા આચરવાના અને નિયમો વિરૂધ્‍ધ તેમનું વહન કરી રહેલા ભાવનગરના શખ્‍સને ગાંધીગ્રામ પોલીસ અને ગોૈરક્ષક કાર્યકરે પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ શખ્‍સ આઇશરમાં જામનગર તરફથી ભેંસ વંશના ૧૦ પાડા-પાડી, બચ્‍ચાને ક્રુરતાપુર્વક દોરડાથી ખીચોખીચ બાંધી ઘાંસચારા, પાણી વગર નીકળ્‍યો હતો. તે સુરત તરફ જતો હોવાનું રટણ કરતો હતો.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ પાસે રામ પાર્કમાં રહેતાં ગોૈરક્ષક સામાજિક કાર્યકર જયેન્‍દ્રભાઈ અનિલભાઈ ચંદવાડીચાને બાતમી મળી હતી કે એક આઇશર ગાડી નં.  જીજે૪એએક્‍સ-પર૯૨માં પશુઓને ટૂંકા દોરડા વડે ક્રૂરતાપુર્વક બાંધીને, ખાવા-પીવાની કોઈ પણ પ્રકારની વ્‍યવસ્‍થા વગર સુરત તરફ લઈ જવામાં આવી રહ્યા છે. બાતમી મળતાની સાથે જ જયેન્‍દ્રભાઈએ તેમના સાથીદારો તુષારભાઈ ધોરેચા અને કરણ ગઢવી સાથે મળીને પરાપીપળીયા પાટીયા અને ગોંડલ રોડ પર શબનમ હોટલની આસપાસ વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્‍પદ આઇશર ગાડી પસાર થતી જણાતા તેનો પીછો કરવામાં આવ્‍યો હતો અને ૧૧૨ નંબર પર ફોન કરી પોલીસની મદદ મેળવવામાં આવી હતી.

ગાડીને માધાપર ચોકડી શેઠનગર નોવા હોટેલ નજીક આંતરી લઇ ઠાઠામાં તપાસ કરતાં જણાયુ હતું કે તેમાં  પાછળની બાજુએ તપાસ કરતાં જણાયું હતું કે ગાડીમાં ભેંસ વંશના ૯ પાડા-પાડી અને ૧ બચ્‍ચાને અત્‍યંત ક્રુરતાપુર્વક દોરડાથી ખીચોખીચ બાંધીને રખાયા હતાં અને પાણી કે ઘાંસચારો પણ નહોતાં. પોલીસ પણ આવી ગઇ હોઇ  ડ્રાઇવરની પુછતાછ કરતાં પોતાનું નામ અજય હરિભાઈ ગલાણી (રહે. સુભાષનગર, શ્‍યામ સત્‍સંગ હોલની સામે, ભાવનગર) હોવાનું જણાવ્‍યું હતું. તેણે જામનગર તરફથી આ પશુઓને ભર્યા હોવાનું અને સુરત લઇ જતો હોવાનું રટણ કર્યુ હતું.

પોલીસે પશુ પ્રત્‍યે ઘાતકીપણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો હતો અને  ૫,૦૦,૦૦૦ની કિંમતની આઇશર ગાડી અને રૂ. ૯૫,૦૦૦ ની કિંમતના ૧૦ પશુઓ મળીને કુલ રૂ. ૫,૯૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્‍ત કર્યો હતો. પશુઓને સલામત સ્‍થળે પહોંચાડવાની તજવીજ કરી હતી. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં એએસઆઇ મનિષભાઇ એ. વાઘેલાએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(4:12 PM IST)