<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ગોંડલના શખ્‍સે રાજકોટમાં કંપની ખોલી રોકાણકારોના ૮૦ લાખ ચાંઉ કર્યાઃ ૧૦૦૦ કરોડ એકઠા કરવાનું સપનું હતું!

વર્ષ ૨૦૨૩માં બ્રહ્માકુમારી સંસ્‍થામાં આવતી નિધીબેન પટેલે પોતે જાડેજા બ્રધર્સ ગ્રેઇન સર્વિસમાં નોકરી કરે છે, કંપની રોકાણ પર સારુ વળતર આપે છે કહેતાં વૃધ્‍ધા અને તેમના દિકરાએ રાજકોટના શિતલ પાર્ક પાસે આવેલી ઓફિસમાં ડિરેક્‍ટર સાથે મુલાકાત કરી રોકાણ કર્યુ હતું: શરૂઆતમાં રોકાણ પર ૩ ટકા વળતર આપવામાં આવ્‍યું: પછી વળતર બંધ થયું અને ઓફિસ પણ બંધ થઇ ગઇ : બાઇસાહેબબા સ્‍કૂલના નિવૃત પ્રિન્‍સીપાલ જાગૃતિબેન જોષી અને તેના પરિવારજનોના ૨૯ લાખ અને રાજકોટ, અણીયારા, જામગનરના પાંચ રોકાણકારોના ૫૧ લાખ ડુબ્‍યાઃ યુનિવર્સિટી પોલીસે કંપનીના ડિરેક્‍ટર રાજદિપસિંહ જાડેજા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૯: શહેરમાં વધુ એક રોકાણ કૌભાંડ અને લાખો રૂપિયાના ફ્રોડનો મામલો સામે આવ્‍યો છે. જેમાં ઉંચા વળતર અને દર મહિને આકર્ષક કમિશન આપવાની લાલચ આપીને બાઇસાહેબબા સ્‍કૂલના નિવૃત પ્રિન્‍સીપાલ વૃધ્‍ધા, તેમના પરિવારજનોએ ૨૯ લાખ અને રાજકોટ, જામનગર, અણીયારાના બીજા પાંચ રોકાણકારોએ ૫૧ લાખ મળી કુલ રૂા. ૮૦ લાખ ગુમાવ્‍યા છે. રાજકોટમાં શીતલપાર્ક સર્કલ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી ધ સ્‍પાયર-૨ બિલ્‍ડિંગમાં  જાડેજા બ્રધર્સ ગેઈન સર્વિસ પ્રા.લી. નામની કંપનીના ડાયરેક્‍ટર ગોંડલના રાજદીપસિંહ જાડેજા સામે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. રોકાણકારોને દર મહિને ૩ ટકા અને એક વર્ષે ૧૮ ટકા નફાની લાલચ આપી આ રકમ ઉસેડી લેવાઇ હતી. પોતાનું સપનુ૧૦૦૦ કરોડનું રોકાણ એકઠુ કરવાનું હોવાનું તેણ જણાવી નિવૃત પ્રિન્‍સીપાલને તમે આ બિઝનેસના ભાગીદાર છો, તમારો જ બિઝનેસ છે તેમ કહી લલચાવ્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગાયત્રીનગર સોસાયટી જલારામ ચોક શિવાલય મકાન ખાતે રહેતાં બાઇસાહેબબા સ્‍કૂલના નિવૃત પ્રિન્‍સીપાલ જાગૃતિબેન પંકજકુમાર જોષી (પ્રભાશંકરભાઇ ભટ્ટના દિકરી) (ઉ.વ.૭૨)ની ફરિયાદ પરથી ગોંડલ ભવનાથનગર રેલ્‍વે લાઇન પાસે રહેતાં જાડેજા બ્રધર્સ ગ્રેઇન સર્વિસ પ્રા.લિના ડાયરેકટર રાજદિપસિંહ જાડેજા  સામે રૂા. ૮૦ લાખ ઓળવી જવાનો ગુનો દાખલ કર્યો છે.

જાગૃતિબેન જોષીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. વર્ષ ૨૦૧૩માં સરકારી શાળા બાઇસાહેબબા સ્‍કૂલમાંથી પ્રિન્‍સીપાલ તરીકે નિવૃત થઇ હતી. હાલ મારી સાથે પતિ, દિકરો, પુત્રવધૂ રહે છે. દિકરી ગાંધીનગર રહે છે. ફરિયાદની વિશેષ વિગતો મુજબ જાગળતિબેન વર્ષ ૨૦૨૩થી બ્રહ્માકુમારીઝ સંસ્‍થા સાથે જોડાયેલા હોઇ ત્‍યાં તેમની મુલાકાત સાવિત્રીબેન પટેલ અને તેમની દિકરી નિધિબેન પટેલ સાથે થઈ હતી. નિધિબેન પટેલે તે વખતે જાગળતિબેનને જણાવ્‍યું હતું કે તેઓ જાડેજા બ્રધર્સ ગેઈન સર્વિસ પ્રા.લી. કંપનીમાં નોકરી કરે છે અને આ કંપની રોકાણકારોને ખુબ જ સારું વળતર આપે છે. નિધિબેનની વાતોમાં આવીને જાગળતિબેન અને તેમના પરિવાર મે-૨૦૨૩માં ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલ પાર્ક સર્કલ ધ સ્‍પાયર-૨માં ૧૩મા માળે આવેલી કંપનીની ઓફિસે ગયા હતા. ત્‍યાં કંપનીના ડાયરેક્‍ટર રાજદીપસિંહ જાડેજાએ તેમને માસિક ૩ ટકા વળતર, તેમજ વાર્ષિક ધોરણે ૧૮ ટકાથી લઈને ૩૬ ટકા સુધીના વળતરની મૌખિક ખાતરી આપી હતી અને સુરક્ષા પેટે સ્‍ટેમ્‍પ પેપર ઉપર પ્રોમીસરી નોટ તેમજ બેંકના સિકયુરિટી ચેક આપવાનો ભરોસો આપી વિશ્વાસ જીત્‍યો હતો. એ વખતે રાજદિપસિંહ જાડેજાએ જાગૃતિબેનને કહ્યું હતું કે-તમે મારા માડી જ છો, આ તમારો જ બિઝનેસ છે, તમે આ કંપનીમાં પાર્ટનર જ છો તેમ સમજીને અમારી કંપનીમાં રોકાણ કરજો. આ કંપની સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે, મારુ સપનું ૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ મેળવવાનું છે.

 આવી વાતોથી રાજદીપસિંહની લાલચામણી સ્‍કીમોમાં આવીને જાગળતિબેન અને તેમના પરિવારે અલગ-અલગ તારીખોએ કુલ રૂ. ૨૯,૦૦,૦૦૦ નું રોકાણ કર્યું હતું. જેમાં તેઓએ દીકરા ચીન્‍મયના નામે રૂ. ૩,૦૦,૦૦૦ ચેકથી, દીકરી કળપલબેન અને પતિ પંકજકુમારના નામે રૂ. ૭,૦૦,૦૦૦ ચેકથી, પતિ પંકજકુમાર જોષીના નામે અલગ-અલગ સમયે રૂ. ૩,૫૦,૦૦૦ અને રૂ. ૨,૫૦,૦૦૦ તેમજ રૂ. ૩,૦૦,૦૦૦ના ચેકો આપ્‍યા હતા. આ ઉપરાંત જાગળતિબેને પોતાના નામે રૂ. ૫,૦૦,૦૦૦ અને રૂ. ૪,૦૦,૦૦૦ના ચેકો આપ્‍યા હતા, જ્‍યારે તેમની પુત્રવધૂ અનાયકા ચાંદના નામે રૂ. ૧,૦૦,૦૦૦નું યુપીઆઇ મારફતે ઓનલાઈન પેમેન્‍ટ કરી રોકાણ કરવામાં આવ્‍યું હતું.

શરૂઆતમાં કંપની દ્વારા વળતર પેટે થોડી રકમ જાગળતિબેનના પતિના એસ.બી.આઈ. બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી, જેથી તેમનો વિશ્વાસ દ્રઢ થયો હતો.માત્ર જાગળતિબેન જ નહીં પરંતુ રાજદીપસિંહ જાડેજાએ આ જ રીતે અન્‍ય પાંચ રોકાણકારોને પણ પોતાની જાળમાં ફસાવ્‍યા હતા અને તેમની પાસેથી કુલ રૂ. ૫૧,૦૦,૦૦૦નું રોકાણ કરાવ્‍યું હતું. આ સાહેદોમાં યોગીનગરના દામિનીબેન રાજેન્‍દ્રકુમાર પ્રજાપતિ પાસેથી રૂ. ૧૫,૦૦,૦૦૦, સાધુ વાસવાણી રોડ પર રહેતા પ્રકાશભાઈ પ્રફુલભાઈ વણઝારા પાસેથી રૂ. ૩,૦૦,૦૦૦ અને સપનાબેન પ્રકાશભાઈ વણઝારા પાસેથી રૂ. ૩,૦૦,૦૦૦, જામનગરના અજયભાઈ વિજયભાઈ સોલંકી પાસેથી રૂ. ૫,૦૦,૦૦૦ તેમજ આણીયારા ગામના શૈલેષભાઈ ચંદુભાઈ ખેર પાસેથી રૂ. ૨૫,૦૦,૦૦૦નું રોકાણ મેળવી લેવામાં આવ્‍યું હતું.

ત્‍યારબાદ વર્ષ ૨૦૨૫ના ઓક્‍ટોબર માસથી કંપનીએ વળતર ચુકવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું અને રોકાણકારોને વાયદાઓ આપવાનું શરૂ કર્યું હતું. જાગળતિબેન અને અન્‍ય બીજા રોકાણકારોએ જ્‍યારે પોતાની મુળ મુડી અને વળતરની ઉઘરાણી શરૂ કરી ત્‍યારે આરોપી રાજદીપસિંહ જાડેજા પોતાની ઓફિસ બંધ કરી કયાંક ગાયબ થઇ ગયાનું માલુમ પડયું હતું. રોકાણકારોને ખાતરી પેટે આપવામાં આવેલા સિકયુરિટી ચેકો અને પ્રોમીસરી નોટ છતાં કોઈ રકમ પરત મળી નહોતી અને કંપનીના ડાયરેક્‍ટર દ્વારા મસમોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્‍યો હોવાની ખાતરી થઈ હતી. આમ ફરિયાદી પરિવારના રૂ. ૨૯,૦૦,૦૦૦ અને અન્‍ય પાંચ રોકાણકારોના રૂ. ૫૧,૦૦,૦૦૦ મળીને કુલ રૂ. ૮૦,૦૦,૦૦૦ ની મસમોટી રકમ ઓળવી જઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના  એએસઆઇ જયદિપસિંહ એચ. જાડેજાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:37 PM IST)