તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
રીબડા ઇન્ડસ્ટ્રીયલમાં ઓમ પેકેજીંગમાં ભીષણ આગ ભભૂકી
રાત્રે ૩ વાગ્યે લાગેલી આગને કાબુમાં લેવા ૩૦ થી વધુ ફાયર કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચાલુઃ કરોડોના નુકશાનની ભીતી : સળગતા પુઠામાંથી ઝેરીલો ધુમાડો અને ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફઃ ફાયર ફાઇટરો ઓકસીજન કિટ સાથે આગ બુઝાવવાની કામગીરી કરી રહયા છે

તસ્વીરમાં આગ લાગી હતી તે સ્થળ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ કમલેશ વસાણી શાપર-વેરાવળ)
(કમલેશ વસાણી દ્વારા) રાજકોટ તા.૧૭: ગોંડલના રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઓમ પેકેજીંગમાં રાત્રે ભીષણ આગ ભભૂકતા અફડાતફડી મચી ગઇ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. મધરાતે લાગેલ આગ છ કલાક પછી સવાર સુધી કાબુમાં આવી નથી.
રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ઓમ પેકેજીંગ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ આગ રાત્રિના લગભગ ત્રણથી સવા ત્રણ વાગ્યાના સમય દરમિયાન ભભૂકી ઊઠી હતી. આગ લાગતાની સાથે જ તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને શાપર-વેરાવળ તેમજ ગોંડલથી પણ ફાયર ફાઇટરોને સ્થળ પર દોડી આવવું પડ્યું હતું. અનેક ફાયર ટીમો દ્વારા સતત પ્રયાસો હાથ ધરાયા છે.
પેકેજીંગનું કારખાનું હોવાથી અંદર મોટા પ્રમાણમાં સળગતા પૂઠા અને જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા લગભગ છ કલાકથી વધુ સમયથી સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે, છતાં હજુ સંપૂર્ણ રીતે આગ બુઝાઈ નથી. ઘટના સ્થળે ૩૦થી વધુ ફાયર કર્મચારીઓ તૈનાત છે, જ્યારે ગોંડલ પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સળગતા પૂઠામાંથી નીકળતા ઝેરીલા ધુમાડા અને ગેસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ ઊભી થઈ રહી છે. જેના કારણે ફાયર ફાઇટરો ઓક્સિજન કીટ સાથે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કંપનીને લાખો કે કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે
(11:29 AM IST)










