તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
શુક્રવારે શહેરના ગગનમાં અવનવા ફટાકડાની રંગોળી સર્જાશે
મનપા દ્વારા તા.૦૬ સાંજે ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘આતશબાજી' યોજાશે શહેરીજનોને ‘આતશબાજી' નિહાળવા ઉમટી પડવા આહવાન કરતા નેહલ શુકલ સહિતના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર

રાજકોટ તા.૪: મનપા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા તા.૦૬ થી તા.૦૮ દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્સવ', ‘ફૂડ ફેસ્ટિવલ' અને ટેબ્લો કાર્નિવલ' તથા ‘ભવ્ય આતશબાજી'નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, આકર્ષક એન્ટ્રી ગેઇટ, થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, લેસર શો, રંગોળી સ્પર્ધા સહિતના વિશેષ આકર્ષણોનો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે. તેમ મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટે જણાવ્યુ હતું.
મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ તા.૦૬ શુક્રવાર, ધનતેરસના શુભ દિવસે સાંજે ૦૭ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી''નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયરશ્રી ડો.નેહલ શુક્લ ઉપસ્થિત રહેશે.
‘‘રંગીલું રાજકોટ'' દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કળતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને ‘‘રંગીલું'' અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે.
આ ‘‘આતશબાજી'' કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય અને શહેરીજનો આ કાર્યક્રમ નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે હેતુસર, કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
જાહેર જનતાને ૧) બહુમાળી ભવન સામેના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી ૨) શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઇટથી એન્ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાએ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ પ્રકારના પાસની જરૂરીયાત નથી.
ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા શહેરીજનોને આતશબાજી કાર્યક્રમ નિહાળવા અને ઉમટી પડવા નિમંત્રણ પાઠવે છે.
દિવાળી કાર્નિવલની હાઈલાઈટ્સ...
(૧) તા.૬ નવેમ્બર, શુક્રવાર - ધનતેરસના દિવસે સાંજે ૦૬:૦૦ કલાકે રેસકોર્ષ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ, (૨) તા.૬ નવેમ્બર, શુક્રવાર - ધનતેરસના દિવસે સાંજે ૦૬: ૦૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ (ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે), (૩) તા.૬ નવેમ્બર, શુક્રવાર - ધનતેરસના દિવસે સાંજે ૦૭:૦૦ કલાકે ભવ્ય આતશબાજી અને લેસર શો, (૪) તા.૭ નવેમ્બર, શનિવાર - કાળી ચૌદસ નિમિત્તે રંગોળી સ્પર્ધા અને છ ફ્લોટ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ધાટન (ટેબ્લો કાર્નિવલ તા.૭ અને ૮ નવેમ્બર, ૨૦૨૬ એમ બે દિવસ સુધી યોજાશે.)

(4:21 PM IST)










