<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

રંગ-ઉપવન સોસાયટીના ગેટ પાસેની ખુલ્લી જમીનમાં પોલીસ ચોકી બનશે

હનુમાન મઢી પાસે છોટુનગર વિસ્‍તારમાં વર્ષોની ગંદકી અને ન્‍યૂસન્‍સની સમસ્‍યામાંથી રહેવાસીઓને મળશે મુક્‍તિ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની રજૂઆત બાદ મનપાઍ જમીન ફાળવવાની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ તા.૧૫: શહેરના વોર્ડ નંબર ૨માં રૈયા રોડ પર આવેલ રંગ-ઉપવન સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લા ઘણાં વર્ષોથી જે ગંદકી અને ન્‍યૂસન્‍સની સમસ્‍યાનો સામનો કરી રહ્યા હતા, તેનો હવે કાયમી ઉકેલ આવવાની આશા જાગી છે. રંગ-ઉપવન સોસાયટીના ગેટ પાસે આવેલી મહાનગરપાલિકાની ખુલ્લી જમીનમાં પોલીસ ચોકી ઊભી કરવા માટે જમીન ફાળવવાની દરખાસ્‍ત અંગે આવતીકાલે મળનાર સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં નિર્ણય થશે.

આ સ્‍થળે ખુલ્લી જમીન હોવાને કારણે લાંબા સમયથી દેશી દારૂ, ગાંજો, ચરસ અને અન્‍ય નશાકારક પ્રવળત્તિઓ થતી હોવાની સ્‍થાનિક રહેવાસીઓની ફરિયાદ હતી. આ ઉપરાંત ખુલ્લી જગ્‍યામાં કચરો ફેંકવામાં આવતો હોવાથી અસહ્ય ગંદકી ફેલાતી હતી. આ કારણે રંગ-ઉપવન સોસાયટી, છોટુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, સિંચાઈનગર સોસાયટી અને આસપાસની અન્‍ય સોસાયટીઓના રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

સ્‍થાનિક રહેવાસીઓ દ્વારા છેલ્લા આશરે દસ વર્ષથી આ સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવવા માટે મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સમક્ષ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. વારંવાર રજૂઆત છતાં સમસ્‍યાનો ઉકેલ નહીં આવતાં સ્‍થાનિક લોકોમાં નારાજગી જોવા મળતી હતી.

આ સમગ્ર મામલે રાજકોટ શહેર પヘમિ વિધાનસભાનાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા પણ રજૂઆત અને જરૂરી પ્રયાસો કરવામાં આવ્‍યા હતા. તેમની રજૂઆત બાદ પોલીસ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍થળની સ્‍થિતિનો અભ્‍યાસ કરીને અહીં પોલીસ ચોકી ઊભી કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.

રંગ-ઉપવન સોસાયટી અને આસપાસના રહેવાસીઓ છેલ્લા દસ વર્ષથી સમસ્‍યાના ઉકેલ માટે રજૂઆતો કરતા આવ્‍યા હતા. ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહની રજૂઆત તથા પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના સંકલન બાદ હવે પોલીસ ચોકી માટે જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

આ દરખાસ્‍તને મંજૂરી મળ્‍યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ ચોકી કાર્યરત થતાં આસપાસની સોસાયટીઓના રહેવાસીઓને વર્ષો જૂની ગંદકી, નશાકારક પ્રવળત્તિઓ અને અસામાજિક તત્ત્વોના ન્‍યૂસન્‍સમાંથી મુક્‍તિ મળવાની આશા છે. સ્‍થાનિક રહેવાસીઓએ આ નિર્ણયને વિસ્‍તારની સ્‍વચ્‍છતા અને સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાવ્‍યો છે.

ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન દ્વારા રંગ-ઉપવન સોસાયટીના ગેટ પાસે આવેલા રાજકોટ મહાનગરપાલિકાના પ્‍લોટમાં પોલીસ ચોકી ઉભી કરવા જમીનની માગણી કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા સ્‍થળ પર કેટલા વિસ્‍તારની જમીન જરૂરી છે અને કેટલા સમય માટે તેની જરૂરિયાત રહેશે તેની વિગતો સાથે મહાનગરપાલિકાને દરખાસ્‍ત મોકલવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરાયેલી જમીનની દીવાલની અંદરના ભાગમાં અંદાજે ૭૦ ચોરસ વાર, એટલે કે ૫૮.૫૩ ચોરસ મીટર જમીનમાં પાર્ટીશન બાંધકામવાળી પોલીસ ચોકી બનાવી શકાય તે માટે હંગામી ધોરણે જમીન ફાળવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

પોલીસ ચોકી માટે ફાળવવામાં આવતી જમીનનો ઉપયોગ માત્ર જે હેતુ માટે આપવામાં આવ્‍યો છે તે હેતુ માટે જ કરવાનો રહેશે. અન્‍ય કોઈ ઉપયોગ કરવામાં આવશે તો મહાનગરપાલિકા જમીન પરત મેળવવાની કાર્યવાહી કરી શકશે. મહાનગરપાલિકાને ભવિષ્‍યમાં આ જમીનની જરૂર પડે ત્‍યારે પોલીસ વિભાગે ચોકી ખાલી કરીને જમીન પરત કરવાની રહેશે.

(3:15 PM IST)