તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ભ્રષ્ટાચારીઓને લપડાકઃ ર૭ લાખનું બિલ નામંજુર
જંગલેશ્વર ડિમોલીશન : કાજૂકતરી, ખજૂર રોલ વગેરેના કાવડીયા નહી ચુકવવા સ્ટેન્ડીંગ કમીટીનો નિર્ણયઃ ચા-નાસ્તો જમવાનો ખર્ચ પણ નહી ચુકવેઃ બીલો ચુકવનારનું હવે આવી બનશેઃ ભ્રષ્ટાચાર કોઇપણ સંજોગોમાં ચલાવી નહી લેવા નીરધાર

રાજકોટ, તા. ૧: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં જંગલેશ્વર ડિમોલેશન કામગીરી દરમિયાન થયેલા ચા-નાસ્તા અને ભોજનના અંદાજે રૂ. ૨૭ લાખના બિલને નામંજૂર કરી દેવામાં આવ્યું હતું. બિલની ચૂકવણી માટે નિયત ટેન્ડર પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હોવાથી સ્ટેન્ડિંગ કમિટીએ સ્પષ્ટપણે ચૂકવણીનો ઇનકાર કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આ ભોજન બિલ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યું હતું, જેને આજે સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દેવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાના અધ્યક્ષસ્થાને બપોરે ૧૨:૩૦ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જંગલેશ્વર સહિતની ત્રણ મુખ્ય દરખાસ્તો અને એક અર્જન્ટ બિઝનેસની દરખાસ્ત પર ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા જે આ મુજબ છે.
ખાસ ડ્રોન મારફતે
પોરાનાશક કામગીરી
વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ડ્રોન મારફતે પોરાનાશક કામગીરી ૮પ.૪પ લાખના ખર્ચ માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પણ રજૂ થઈ હતી. જોકે, અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીએ સૂચવાયેલા દર વધુ હોવાનું ધ્યાનમાં આવતા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પરત મોકલી હતી. હવે અન્ય મહાનગરપાલિકાઓમાં સમાન કામગીરી કયા દરે આપવામાં આવે છે તેનો અભ્યાસ, વિગતો અને પ્રત્યક્ષ નિરીક્ષણ બાદ સુધારેલી દરખાસ્ત ફરી રજૂ કરવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.
જંગલેશ્વર ડિમોલીશનનું ફુડ બિલની દરખાસ્ત ના મંજુર
શહેરના વોર્ડ નં. ૧૬ માં જંગલેશ્વર વિસ્તારમાં ફ્રેબુઆરી માસમાં કરવામાં આવેલ મેગા ડિમોલીશન અંતર્ગત ફુડ સપ્લાયનું ર૭.ર૦ લાખના બીલની ગત સ્ટેન્ડિંગમાં પેન્ડિંગ રહેલ દરખાસ્ત આજની સ્ટેન્ડિંગમાં નામંજુર કરવામાં આવ્યુ છે.
જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ૨૦થી ૨૭ ફેબ્રુઆરી વચ્ચે ચા-નાસ્તો, લંચબોક્સ, પાણી, મસાલા છાશ સહિતના ખર્ચને મંજૂરી આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અગાઉ આ દરખાસ્ત વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. દરમિયાન સમગ્ર મામલો જાહેર થતાં કાજુકતરી, ખજૂર રોલ, સમોસા અને અન્ય નાસ્તાના ખર્ચને લઈને રાજ્યભરમાં ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો હતો.
ડિમોલિશન દરમિયાન માત્ર ફૂડ બિલ જ નહીં પરંતુ પાણીની બોટલ, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને અન્ય ખર્ચમાં પણ મોટા પાયે ગેરરીતિના આક્ષેપો થયા હતા. સમગ્ર મામલે રાજ્ય સરકાર સુધી રજૂઆતો પહોંચતા મેયરની સૂચના બાદ મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિની રચના કરી હતી. જોકે તપાસ સમિતિનો અહેવાલ આવે તે પહેલાં જ સ્ટેન્ડિંગ કમિટીએ ટેન્ડર પ્રક્રિયાના અભાવને આધારે રૂ. ૨૭.૨૦ લાખના ફૂડ બિલને ફગાવી દેવાનો નિર્ણય લીધો છે.
સ્ટેન્ડિંગ કમિટીના આજના નિર્ણયોથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ટેન્ડર પ્રક્રિયા વિના કોઈપણ પ્રકારના ખર્ચને મંજૂરી આપવામાં આવશે નહીં અને જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા તથા નાણાકીય શિસ્ત જળવાઈ રહે તે માટે કડક વલણ અપનાવવામાં આવશે. સાથે જ રેટ કોન્ટ્રાક્ટ વ્યવસ્થામાં સુધારા કરીને તમામ શાખાઓમાં સમાન અને પારદર્શક પદ્ધતિ અમલમાં લાવવા માટે પણ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
(2:54 PM IST)










