તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ગાંધીગ્રામમાં સ્કૂલે જઇ રહેલાં ૧૫ વર્ષના જૈમીશ ટાંકને એક્ટીવામાંથી નીકળલો સાપ કરડયો
અન્ય બે બનાવમાં પરસાણાનગરમાં ધનવંતીબેનને અને રાજસમઢીયાળા ગામે સાઇટ પર સંજયભાઇને હાથમાં સાપે દંશ મારી દેતાં સારવારમાં

રાજકોટ તા. ૯: શહેરના રૈયાધારમાં બંસીધર પાર્કમાં રહેતાં જૈમીશ જીતેન્દ્રભાઇ ટાંક (ઉ.વ.૧૫)ને એસકે ચોક પાસે દર્શન સ્કૂલ પાસે હતો ત્યારે એકટીવાની સીટ નીચેથી નીકળેલા સાપે જમણા હાથમાં દંશ મારતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ જૈમીશ ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. સવારે દાદા દેવજીભાઇ જૈમીશને અને તેના નાના ભાઇ ધ્રુવ (ઉ.વ.૧૧)ને શાળાએ મુકવા જવા એક્ટીવામાં બેસાડીને નીકળ્યા હતાં. પહેલા ધ્રુવને રાષ્ટ્રીય શાળા નજીક આવેલી સ્કૂલે ઉતાર્યો હતો. બાદમાં જૈમીશને એસકે ચોકમાં તેની સ્કૂલે મુકવા પહોંચ્યા ત્યારે નજીકમાં એક્ટીવાની સીટ પાછળથી સાપ આવ્યો હતો અને જૈમીશને હાથમાં દંશ મારી દીધો હતો. હાલ તે સારવાર હેઠળ છે.
સાપ કરડવાના અન્ય બનાવમાં મોચી બજારમાં રહેતાં ધનવંતીબેન જગદીશભાઇ ધામેચા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા સવારે જામનગર રોડ પરસાણાનગર-૫માં દિકરીના ઘરે હતાં ત્યારે સાપે દંશ મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે રાજસમઢીયાળા ગામે રહેતાં સંજયભાઇ દુદલીભાઇ રાજભર (ઉ.વ.૪૮)ને સવારે અહિ સાઇટ પર હતાં ત્યારે સાપે હાથમાં દંશ મારતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. બંને બનાવમાં પ્ર.નગર અને આજીડેમ પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.
(3:42 PM IST)










