<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની કોલેજોમાં અધધ પ૩૩૧૧ બેઠકો ખાલી

કોલેજ એડમીશન માટે ‘જીકાસ'ના ૪ રાઉન્‍ડ પૂર્ણ થતા : ર૭પથી વધુ સંલગ્ન કોલેજોમાં ૮૬૮રર બેઠકોમાંથી માત્ર ૩૩પ૧૧ બેઠકો ઉપર વિદ્યાર્થીએ પ્રવેશ કન્‍ફર્મ કર્યો : ખાનગી યુનિવર્સિટી તરફ વિદ્યાર્થીઓ આકર્ષાયા

રાજકોટ,તા.૨૯: છેલ્લા ચાર વર્ષથી ગુજરાત રાજ્‍યમાં ખાનગી યુનિવર્સીટીઓને પ્રોત્‍સાહન અને સરકારી યુનિવર્સીટી અને સંલગ્ન કોલેજોમાં ભારે અંકુશ તેમજ શિક્ષણની ગુણવત્તા ઘટતા તેની સીધી અસર વિદ્યાર્થીઓએ પ્રવેશ કાર્યવાહી પર પડી છે.

ગુજરાતમાં કોલેજો અને યુનિવર્સીટીમાં પ્રવેશ માટે ‘જીકાસ' પોર્ટલ નક્કી થયું છે. ત્‍યારે ‘જીકાસ'ના પ્રવેશના ચાર રાઉન્‍ડમાં ચૌંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્‍યા છે. સરકારી યુનિવર્સીટીની સંલગ્ન કોલેજોમાં ‘જીકાસ' દ્વારા પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર રાઉન્‍ડના અંતે ૫૦ ટકા જેટલી બેઠકો ખાલી રહી છે. કુલ ૪ લાખ ૯૦ હજાર બેઠકો સામે માત્ર ૨ લાખ ૧૪ હજાર વિદ્યાર્થીઓને ગુજરાતમાં પ્રવેશ કન્‍ફર્મ કરાવ્‍યો છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં ૧૧ વિદ્યાશાખામાં કુલ ૮૬૮૨૨ બેઠક સંલગ્ન કોલેજોમાં છે. જેમાં ‘જીકાસ'ના ચાર રાઉન્‍ડના અંતે માત્ર ૩૩૫૧૧ બેઠકો પર છાત્રોએ પ્રવેશ કન્‍ફર્મ કરાવ્‍યો છે. જ્‍યારે ૫૩૩૧૧ બેઠકો ઉપર પ્રવેશ ખાલી છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં જોઇએ તો બી.એ.ની ૨૩૮૦૦ બેઠકોમાંથી માત્ર ૧૦૯૬૩, બી.બી.એ ૬૬૧૦ બેઠકોમાથી ૪૨૯૦, બીકોમમાં ૩૧૨૭૦ બેઠકોમાં  ૧૩૦૮૨, બીએસસીમાં ૧૧૧૩૦ બેઠકોમાં માત્ર૧૧૨૫ બેઠકો પર પ્રવેશ કન્‍ફર્મ થયો છે. છેલ્લા કેટલાક સમયથી સરકારી યુનિવર્સીટી અને તેની સંલગ્ન કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા ઘટી છે. પરિણામે વિદ્યાર્થીઓ ઓછા ફી સામે તગડી ફી ભરીને ખાનગી યુનિવર્સીટીમાં પ્રવેશ લે છે. આવનારા દિવસોમાં હવે કોલેજના અસ્‍તીત્‍વ સામે પડકાર ઉભો થશે.

(2:29 PM IST)