<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સોની બજારનો વેપારી ૭.૭૭ કરોડનું સોનુ-રોકડ લઇ ‘છૂ'

રેસકોર્ષ રીંગ રોડ પર બીગ બાઇટ પાછળ કલ્‍યાણ સોસાયટીમાં રહેતાં અને મારૂતિ જ્‍વેલર્સ નામે પેઢી ચલાવતાં હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ લોઢીયાએ જતીનભાઇ પાટડીયા પાસેથી ૨૬મીએ ચાર કટકે ૭ કરોડ ૨૫ લાખનું સોનુ ઉછીનું લીધુ, બપોરે નિયમ મુજબ સોનુ પાછુ ન આવતાં ફોન કરતાં-હસુભાઇએ કહ્યું-તું ચિંતા ન કર સાંજે પાંચ વાગ્‍યે સોનુ મળી જશે બીજા ત્રણ વેપારીઓ નિલેષભાઇ માંડલીયા, મનોજભાઇ ધોળકીયા અને હિતેષભાઇ માંડલીયાએ સોનુ ખરીદવા હસુભાઇને અનુક્રમે રૂા.૨૯,૦૫,૧૭૭, રૂા. ૧૪,૫૫,૫૦૦ અને રૂા. ૮,૭૩,૦૦૦ ચુકવ્‍યા પણ તેને સોનુ પહોંચાડયું નહિઃ એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ૨૬ ઓક્‍ટોબરે જતીનભાઇ ઉર્ફે કાનાભાઇ પાસેથી ૭ા કરોડનું સોનુ મેળવ્‍યું, બીજા દિવસે ૨૭મીએ ત્રણ વેપારીઓ પાસેથી રોકડા લઇ લીધાઃ ફોન બંધ કરી ગાયબ થઇ ગયો

તસ્‍વીરમાં ફરિયાદી જતીનભાઇ ઉર્ફે કાનાભાઇની પેઢી અને બાજુમાં કરોડોનું સોનુ લઇ ગાયબ થયેલા હસુભાઇની પેઢી જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: શહેરના સોની બજારમાં વધુ એક વખત મસમોટી ઠગાઇ થઇ છે. મારૂતી જ્‍વેલર્સ નામની પેઢી ચલાવતા અને બુલિયન વેપાર સાથે સંકળાયેલા વેપારીએ અન્‍યે સોની વેપારીઓ સાથે મોટો વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડી આચરી છે. વેપારીઓનું રૂા. ૭ કરોડ ૭૭ લાખનું પાંચ કિલો જેટલુ સોનુ લઇ ગાયબ થઇ જતાં વેપારીઓમાં અને સમગ્ર બજારમાં ચકચાર મચી ગઇ છે. હાલ એક વેપારીએ ઠગાઇની ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્‍લોટ શેરી નં. ૫૧ ચામુંડા કૃપા ખાતે રહેતાં અને સોની બજાર જુની ગધીવાડમાં ક્રિષ્‍ના ચેમ્‍બર્સમાં રમેશચંદ્ર એન્‍ડ સન્‍સ નામે સોનાની દુકાન ચલાવતાં જતીનભાઇ ઉર્ફે કાનાભાઇ રમેશભાઇ પાટડીયા-સોની (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી રેસકોર્ષ રીંગ રોડ બીગ બાઇટની પાછળ કલ્‍યાણ સોસાયટીમાં રહેતાં અને સોની બજારમાં મારૂતિ જ્‍વેલર્સ નામે વેપારી પેઢી ચલાવતાં હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ શાંતિલાલ લોઢીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદ મુજબ જતીનભાઇ ઉર્ફે કાનાભાઇ પાટડીયા છેલ્લા પંદરેક વર્ષથી સોની બજારમાં સોની કામ કરે છે. આરોપી હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતિલાલ લોઢિયા સાથે તેઓ છેલ્લા દોઢ-બે વર્ષથી ઓળખાણ ધરાવતા હતા.

હસમુખભાઈની સોની બજાર ગઢની રાંગની શેરીમાં મારૂતી જ્‍વેલસ નામે વેપારી પેઢી આવેલી છે, તે બજારમાં બુલિયન તરીકે વેપાર ધંધો કરતા હોવાથી ફરિયાદી જતીનભાઈ તેને કમિશનથી સોનું આપતા હતા. આ રીતે લાંબા સમયના વેપારથી હસમુખભાઈએ સોની વેપારીઓના પુરેપુરો વિશ્વાસ કેળવી લીધો હતો.

દરમિયાન ગઈ તારીખ ૨૬/૧૦ના રોજ બપોરના બારેક વાગ્‍યે હસમુખભાઈએ ફરિયાદી જતીનભાઈને ફોન કરીને પૂછયું કે તમારી પાસે સોનું પડેલું છે ને? જતીનભાઈએ હા પાડતા હસમુખભાઈએ જણાવ્‍યું કે હું જે માણસને મોકલું તેને ફોન કરીને સોનું આપી દેજો. ત્‍યારબાદ બપોરે સવા બારથી પાંચ વાગ્‍યા દરમિયાન હસમુખભાઈએ વિજયભાઈ મેણંદભાઈ કુગસિયા (રહે. ગોપાલ નગર શેરી નં. ૦૨, ગાંધીગ્રામ, વેલનાથ ચોક પાસે)ને ત્રણ વાર રૂબરૂ મોકલ્‍યા હતા. હસમુખભાઈ સાથે મોબાઈલ પર વાતચીત થયા બાદ તેમના કહેવાથી વિજયભાઈને કટકે કટકે આખા દિવસ દરમિયાન કુલ ૪ કિલો ફાઈન સોનું આપવામાં આવ્‍યું હતું.

આ ઉપરાંત, બીજું ૧ કિલો ફાઈન સોનું હસમુખભાઈના કહેવાથી પાર્થ ગોલ્‍ડ પેઢીના માલિક હિરેનભાઈ રાજેશભાઈ પાટડીયા (રહે. કેવડાવાડી શેરી નં. ૯/૧૫ નો ખુણો, એલિગન્‍સ એપાર્ટમેન્‍ટ) ને આપવામાં આવ્‍યું હતું. આમ, ૨૬મીએ  એક જ દિવસમાં કુલ ૫ કિલો ફાઈન સોનું હસમુખભાઈને જતીનભાઇ દ્વારા આપવામાં આવ્‍યું હતું.

બુલિયન ધંધાના નિયમ મુજબ સોનું લીધાના ૨૪ કલાકની અંદર પરત આપવાનું હોય છે. આ ૫ કિલો સોનાની હાલની બજાર કિંમત આશરે રૂપિયા ૭,૨૫,૦૦,૦૦ (સાત કરોડ પચીસ લાખ) થાય છે. આ સોનું પરત મેળવવા માટે જતીનભાઈએ તારીખ ૨૭/૧૦ના રોજ બપોરે બારેક વાગ્‍યે હસમુખભાઇના મોબાઈલ નંબર પર ફોન કરતા હસમુખભાઈએ જણાવેલ કે-તું ચિંતા ન કર, તારું સોનું તને સાંજના પાંચ વાગ્‍યા સુધીમાં પરત મળી જશે.

ત્‍યારબાદ સાંજના સાડા છ વાગ્‍યે ફરીથી ફોન કરતા હસમુખભાઈનો મોબાઈલ ફોન બંધ આવતો હતો અને કોઈ સંપર્ક થઈ શકયો નહોતો. જેથી શંકા જતાં તેમના ઘરે તપાસ કરવા જતાં તેમના પિતા શાંતિલાલ હાજર મળ્‍યા હતા, જેમણે હસમુખભાઈ સોનું લઈ ગયા હોવા અંગે કંઇજાણ ન હોવાનું જણાવ્‍યું હતું. આ રીતે હસમુખભાઈ વિશ્વાસઘાત કરી સોનું પરત આપ્‍યા વગર નાસી છૂટયાની વેપારી જતીનભાઇને જાણ થઇ હતી.

આ પછી તેણે સોની બજારમાં તપાસ કરતાં ખબર પડી હતી કે હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ બીજા વેપારીઓનું સોનુ પણ આ રીતે લઇ ગયા છે. જેમાં ૧. નીલેશભાઈ બાલકળષ્‍ણભાઈ માંડલિયા (ઉ.વ. ૫૪, રહે. એચ-૮૦૨, ડેકોરા સ્‍કાઈ હીલ્‍સ, કાલાવડ રોડ, રાજકોટ - દુકાન-ઓમ ગોલ્‍ડ, ભુપેન્‍દ્ર રોડ, મોનાર્ક કોમ્‍પ્‍લેક્ષ)એ પણ ૨૭/૧૦ના રોજ ૨૦૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઈન સોનું પોતાને હસુભાઇ પાસેથી લેવાનું હોવાથી રૂા. ૨૯,૦૫,૧૭૭ સોનાની બજાર કિંમત મુજબના રૂપિયા ૨૯,૦૫,૧૭૭ આરટીજીએસથી ચુકવ્‍યા હતાં. પરંતુ હસુભાઇએ રૂપિયા લીધા બાદ સોનુ આપ્‍યુ નહોતું.

તેમજ મનોજકુમાર મથુરાદાસ ધોળકિયા (ઉ.વ. ૬૦, રહે. ૪ વર્ધમાન નગર, વળંદાવન ડેરી સામે, પેલેસ રોડ,  મનોજકુમાર મથુરાદાસ એન્‍ડ સન્‍સ)ને પણ સોનાનુ ૧૦૦ ગ્રામનું બિસ્‍કીટ લેવુ હોઇ તેણે હસુભાઇને રૂા. ૧૪,૫૫,૫૦૦ ઓનલાઇન ચુકવ્‍યા હતાં. પણ તેને હસુભાઇએ સોનાનુ બિસ્‍કીટ આપ્‍યુ નહોતું.

ત્રીજા વેપારી હિતેશભાઈ ત્રિકમભાઈ માંડલિયા (રહે. જાનકી પાર્ક-૨, કાલાવડ રોડ, પ્રિન્‍સેસ સ્‍કૂલની પાસે, માધવ ઓર્નામેન્‍ટ્‍સ, સોની બજાર)એ પણ ૨૭મીએ જ ૬૦ ગ્રામ ફાઇન સોનુ લેવા માટે હસુભાઇને રૂા. ૮,૭૩,૦૦૦ ચુકવ્‍યા હતા. આ નાણાં સામે પણ હસમુખભાઈએ તેમને સોનું આપ્‍યું નહોતું.

આ રીતે હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતિલાલ લોઢિયા જતીનભાઇનું રૂા. ૭,૨૫,૦૦,૦૦૦નું પાંચ કિલો સોનુ અને બીજા ત્રણ વેપારીઓના અનુક્રમે રૂા. ૨૯,૦૫,૧૭૭, ૧૪,૫૫,૫૦૦ અને ૮,૭૩,૦૦૦ મળી કુલ ૭ કરોડ ૭૭ લાખ ૩૩ હજાર ૬૭૭ જેવી મતા ઉસેડી ગાયબ થઇ જતાં વેપારીઓમાં દેકારો મચી ગયો છે. બીજા અનેક વેપારીઓ પણ છેતરાઇ ગયાની સોની બજારમાં ચર્ચા છે. જો કે હાલ એ-ડિવીઝન પોલીસમાં એક ફરિયાદ દાખલ થઇ છે. જેમાં ચાર વેપારીઓ છેતરાયાની નોંધ છે. પીઆઇ જે. વી. વાઢીયા અને ટીમે વેપારી હસુભાઇના ઘરે દરોડો પાડયો હતો. પણ તે ત્‍યાં મળી ન આવતાં તપાસ યથાવત રાખી છે. દિવાળી-ધનતેરસના તહેવાર ટાણે જ સોની બજારમાં એકસાથે કરોડો રૂપિયાનું સોનું અને નાણાં સગેવગે થઈ જવાની આ મોટી ઘટનાને પગલે સમગ્ર સોની વેપારી આખીઓમાં ભારે ચકચાર અને રોષ ફેલાઈ ગયો છે.

(2:36 PM IST)