<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

દિકરાના જન્‍મનો દાખલો લેવા બોડીઘોડીથી રાજકોટ આવી રહેલા યુવાનનું ન્‍યારા પાટીયે અકસ્‍માતમાં મોત

મુળ એમપીના ૨૬ વર્ષનો સુકરામ ટુવ્‍હીલર સહિત રિક્ષાની ઠોકરે ચડી ગયોઃ સારવાર દરમિયાન સિવિલ હોસ્‍પિટલમાં મોડી રાતે દમ તોડયોઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં ખેતમજૂર પરિવારમાં ગમગીની

 

રાજકોટ તા. ૩૦: જામનગર રોડ પર ન્‍યારાના પાટીયા પાસે ટુવ્‍હીલરને રિક્ષાએ ઠોકરે ચડાવતાં ટુવ્‍હીલર ચાલક પડધરીના બોડીઘોડી ગામે રહેતા અને ખેત મજુરી કરતાં યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. બે મહિના પહેલા જન્‍મેલા દિકરાનો જન્‍મતારીખનો દાખલો કઢાવવા આ યુવાન બોડીઘોડીથી રાજકોટ આવી રહ્યો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ પડધરીના બોડીઘોડી ગામે વિશાલભાઇની વાડીમાં પરિવાર સાથે રહી મજુરી કરતો મુળ મધ્‍યપ્રદેશ જાંબુવાના નીચવાસ ફળીયા રાણાપુરનો વતની સુકરામ માનસિંગભાઇ ડામોર (ઉ.વ.૨૬) ગઇકાલે સવારે પોણા આઠેક વાગ્‍યે બોડીઘોડીથી હોન્‍ડા હંકારી રાજકોટ મહાનગર પાલિકા કચેરી ખાતે આવી રહ્યો હતો ત્‍યારે જામનગર રોડ ન્‍યરાના પાટીયા પાસે કટારીયા શો રૂમ નજીક પહોંચ્‍યો તે વખતે રિક્ષાની ઠોકરે ચડી જતાં હોન્‍ડા સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સુકરામને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. તેનું અહિ મોડી રાતે મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. એમ. જી. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર સુકરામ તેના પરિવાર સાથે બોડીઘોડી ગામે રહી ખેત મજૂરી કરતો હતો. પોતે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજો હતો. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. જેમાં દિકરો બે મહિનાનો જ છે. તેનો જન્‍મતારીખનો દાખલો રાજકોટ મનપા કચેરીમાંથી લેવાનો હોઇ સુકરામ રાજકોટ આવી રહ્યો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હોવાનું સગાએ જણાવ્‍યું હતું અને જે રિક્ષાની ઠોકરે તે ચડયો તે રિક્ષાનો ફોટો પણ સગાએ આપ્‍યો હતો. પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી છે. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:06 AM IST)