<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

કુંકાવાવ દેવગામના અભયે ભુલથી ખાતામાં આવેલા પાંચ લાખ ઉપાડી દેણું ચુકવ્‍યું ને મુંબઇમાં જૂગારમાં હારી ગયો

ડો. યાજ્ઞિક રોડ પર પેઢી ધરાવતાં રાહુલભાઇ કોઠારીની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે આરોપી અભય શીરોડીયા સામે ગુનો દાખલ કરી તેને સકંજામાં લઇ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૮: વર્તમાન સમયમાં ડિજિટલ બેન્‍કિંગ અને ઓનલાઈન મની ટ્રાન્‍સફર જેટલું સરળ બન્‍યું છે, એટલું જ તે જોખમી પણ સાબિત થઈ રહ્યું છે. ઓનલાઈન ટ્રાન્‍સફર કરતી વખતે ખાતા નંબરના આંકડામાં થયેલી એક નાનકડી ભૂલના કારણે રાજકોટના એક વેપારીને પાંચ લાખ ગુમાવવાનો વારો આવ્‍યો છે. વેપારીના કર્મચારીની ભુલથી બીજાના ખાતામાં જમા થયેલી આ મોટી રકમ જે તે ખાતેદારે ઉપાડી લઇ દેણુ ચુકવવામાં વાપરી નાંખી તેમજ મુંબઇ જઇ જુગારમાં હારી જતાં ગુનો દાખલ થયો છે. પોલીસે કુંકાવાવના દેવગામના શખ્‍સને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે.

આ અંગે એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ પંડિત દિનદયાલનગર બ્‍લોક નં. એમ-૪૦૨ ખાતે રહેતાં અને ડો. યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્‍પલેક્ષ પાસે સ્‍ટાર શોપીંગ સેન્‍ટર શોપ નં. ૯માં પહેલા માળે ઓમ શાંતિ એન્‍ટરપ્રાઇઝ નામે ઓફિસ ધરાવતાં રાહુલભાઇ દિનેશચંદ્ર કોઠારી (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી અમરેલીના કુંકાવાવ તાબેના દેવગામમાં રહેતાં અભય વીભાભાઇ શીરોડીયા વિરૂધ્‍ધ ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ કરી છે. રાહુલભાઇ પોતાની ઓફિસમાં એરટેલ પેમેન્‍ટ બેંકના સર્વિસ પ્રોઇવાઇડર તરીકે કામ કરે છે.

રાહુલભાઈની ઓફિસમાં મોબાઈલ ધારકોની દુકાનો (વેપારીઓ) માટે સીએમએસ પેમેન્‍ટ અને મની ટ્રાન્‍સફરનું કામકાજ કરવામાં આવે છે. ગત તા. ૨૦/૦૫/૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્‍યાના અરસામાં, ઓફિસમાં કામ કરતા કર્મચારી કિશોરભાઈ ચાવડાએ વેપારના કામ અર્થે વનઝી એન્‍ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ ના અકાઉન્‍ટમાં કોટક બેન્‍કમાંથી પાંચ લાખના કુલ ૩ આર.ટી.જી.એસ. મારફતે  ટ્રાન્‍સફર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પણ ઓનલાઈન એન્‍ટ્રી કરતી વખતે ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શનમાં ખાતા નંબરના છેલ્લા આંકડામાં ભૂલ થઈ ગઈ હતી. જેના કારણે આ પાંચ લાખ રૂપિયાની મોટી રકમ મુળ અકાઉન્‍ટના બદલે અન્‍ય અભય ફેશન નામની પેઢીના એક બેન્‍ક ખાતામાં ટ્રાન્‍સફર થઈ ગઈ હતી.

બીજી તરફ જે વેપારીને નાણાં મોકલવાના હતા તેમને રકમ ન મળતા તેઓએ રાહુલભાઈની ઓફિસનો સંપર્ક કર્યો હતો. આથી રાહુલભાઈએ તાત્‍કાલિક કોટક બેન્‍કમાં જઈને તપાસ કરાવી હતી અને બેન્‍ક પાસે ડિસ્‍પ્‍યુટ રેઝ કરાવી સ્‍ટેટમેન્‍ટ કઢાવ્‍યું હતું. બેન્‍ક સ્‍ટેટમેન્‍ટની તપાસ દરમિયાન માલૂમ પડ્‍યું હતું કે, આ પાંચ લાખ રૂપિયા ભુલથી અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામના વતની અને હાલ ૨૬ વર્ષની ઉંમર ધરાવતા અભયભાઈ વીભાભાઈ શીરોડીયા નામના શખ્‍સના ખાતામાં જમા થઈ ગયા છે.

આથી રાહુલભાઈએ તુરંત જ અભયભાઈનો સંપર્ક સાધ્‍યો હતો. શરૂઆતમાં અભયે ફોન પર સ્‍વીકાર્યું હતું કે હા ભૂલથી તમારા પાંચ લાખ મારા ખાતામાં આવી ગયા છે. પરંતું તે હાલ વપરાઈ ગયા હોવાથી તે ટૂંક સમયમાં ગમે તેમ કરીને કટકે-કટકે આ નાણાં પરત ચૂકવી આપશે તેવો વિશ્વાસ આપ્‍યો હતો. પરંતુ આ રીતે એક મહિનાો વીતી જવા છતાં અને રાહુલભાઈ દ્વારા અવારનવાર ઉઘરાણી કરવા છતાં અભયે એક પણ રૂપિયો પરત આપ્‍યો ન હતો અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં રાહુલભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી. રાહુલભાઈની લેખિત અરજીના આધારે એ ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ હાથ ધરીને આરોપી અભયભાઈ વીભાભાઈ શીરોડીયાને ઝડપી લીધો હતો. પોલીસની કડક પુછપરછ દરમિયાન આરોપી અભયે જે કેફિયત રજૂ કરી તે સાંભળીને પોલીસ પણ અવાક બની ગઈ હતી.

અભયે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્‍યું હતું કે તેના માથે મોટું આર્થિક દેવું થઈ ગયું હતું. તેણે છેલ્લા ત્રણેક વર્ષમાં પોતાના મિત્રો અને અન્‍ય લોકો પાસેથી કટકે-કટકે મોટી રકમ ઉછીની લીધી હતી, જે ચૂકવવા માટે તેના પર દબાણ હતું. આ દરમિયાન અચાનક તેના ખાતામાં રૂપિયા ૫ લાખ આવી જતાં તેની દાનત બગડી હતી. આ નાણાં પોતાના નથી અને ભુલથી આવ્‍યા છે તે જાણવા છતાં તેણે બેન્‍કમાંથી તમામ રૂપિયા ઉપાડી લીધા હતા. આ નાણાંમાંથી તેણે સૌપ્રથમ પોતાનું ઉછીનું લીધેલું દેવું ચૂકવી દીધું હતું અને બાકી વધેલી રકમ લઈને તે મુંબઈ ચાલ્‍યો ગયો હતો, જ્‍યાં મુંબઈની ક્‍લબોમાં તે આ તમામ રૂપિયા જુગારમાં હારી ગયો હતો. એ ડિવિઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોન્‍સ. કરણભાઇ વિરસોડીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:24 PM IST)