News of Tuesday, 2nd June 2026
એક્ટિવા ચાલકને ઠોકર મારી ફ્રેક્ચર કરી નાસી જવાના ગુન્હામાં આરોપી નિર્દોષ મુક્ત
ફરિયાદ પક્ષ ગુન્હો નિઃશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ જતા રાજકોટ કોર્ટે આરોપીનો છુટકારો કરવાનો હુકમ કર્યો

રાજકોટઃ રાજકોટ શહેરના રાજનગર ચોક વિસ્તારમાં બેદરકારી અને બેફિકરાઈ પૂર્વક વાહન ચલાવી એક એક્ટિવા ચાલક મહિલાને ઠોકર મારી અકસ્માત સર્જી, ફ્રેક્ચરની ઈજા પહોંચાડીને નાસી જવાના ગંભીર ગુન્હામાં અદાલતે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો મહત્વનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધનો કેસ નિઃશંકપણે પુરવાર ન કરી શકતા કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, આ કામના મૂળ ફરિયાદી રમીલાબેન ગૌતમભાઈ વાઢેર (રહે. રાજકોટવાળા) તા. ૦૯/૧૦/૨૦૧૯ના રોજ પોતાનું એક્ટિવા મોટરસાયકલ લઈને પોતાના પુત્રને ટ્યુશન ક્લાસીસે મૂકીને પરત આવી રહ્યા હતા. તે વખતે રસ્તામાં રાજનગર ચોક, ઘનશ્યામ સાયકલ સર્વિસ રોડ પર સવા અગિયારેક વાગ્યાના અરસામાં પહોંચતા મોટરસાયકલ નંબર જીજે-૦૩-જેડી-૮૫૮૩ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે, બેદરકારી અને બેફિકરાઈથી ચલાવી ફરિયાદીને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદી નીચે પડી ગયા હતા અને તેમને ડાબા પગની એડીએ ફ્રેક્ચરની ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી આરોપી વાહન સહિત બનાવ સ્થળેથી નાસી ગયો હતો.
આ બનાવ અંગે ફરિયાદીએ ફરિયાદ આપતા આરોપી ભાર્ગવ ભરતભાઈ બાબરીયા (રહે. રાજકોટવાળા) વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈ.પી.સી.)ની કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા મોટર વાહન અધિનિયમ (એમ.વી. એક્ટ)ની કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.
પોલીસ દ્વારા આ કેસમાં ચાર્જશીટ રજૂ કરાયા બાદ કેસ બોર્ડ પર આવતા રાજકોટના મહેરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલવા પર આવ્યો હતો. સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલા પુરાવાઓમાં અનેક વિરોધાભાસ સામે આવ્યા હતા. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી એક્ટિવા મોટરસાયકલ લઈને પુત્રને ટ્યુશન મૂકી પરત આવતી હતી ત્યારે અકસ્માત થયો હતો, પરંતુ પુરાવાઓની ઉલટતપાસમાં તેણી વાહન લઈને જતી હતી કે ચાલીને જતી હતી તે બાબતે સ્પષ્ટ વિરોધાભાસ ઊભો થયો હતો અને આ અંગે કોઈ ખુલાસો કે સ્પષ્ટતા થઈ શકી નહોતી.
તદુપરાંત, બનાવ સ્થળે સતત વાહનોની અવરજવર રહેતી હોવાનું ફરિયાદી અને તપાસ કરનાર અધિકારીના પુરાવા પરથી રેકોર્ડ પર આવ્યું હતું. પાછળથી એક્ટિવા સાથે વાહન ભટકાયું હોય તો વાહનની ઝડપ કેટલી હતી તે પણ કહી શકાય તેમ નહોતું. સૌથી મહત્વની બાબત એ હતી કે આરોપીની કોઈ ઓળખ પરેડ કરાવવામાં આવી નહોતી, કોઈ સ્વતંત્ર સાક્ષીઓના નિવેદનો લેવાયા નહોતા, તેમજ પંચ અને સાક્ષીઓના નિવેદનોથી ફરિયાદ પક્ષના કેસની હકીકતને સમર્થન મળે તેવો કોઈ મજબૂત પુરાવો રેકોર્ડ પર આવ્યો નહોતો.
અદાલતે આરોપી તરફે રોકાયેલા વકીલની ધારદાર દલીલો તથા ઉચ્ચ ન્યાયાલયના પ્રસ્થાપિત ચુકાદાઓને ધ્યાને લીધા હતા. પરિણામે, નામદાર કોર્ટે આરોપી ભાર્ગવ ભરતભાઈ બાબરીયાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં આરોપી ભાર્ગવ ભરતભાઈ બાબરીયા તરફે રાજકોટના જાણીતા એડવોકેટ ડેનિશ જે. મહેતા રોકાયા હતા.(
(3:50 PM IST)










