News of Wednesday, 15th April 2026
રાજકોટમાં ૧૧ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરી આરોપીએ કર્યો આપઘાત
જેની સાથે લિવ ઇનમાં રહેતો હતો એ મહિલાની દિકરી સાથે આચરી હવસખોરીઃ માતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા.૧૫: શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની જ લિવ-ઈન પાર્ટનરની ૧૧ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી આરોપી કિશને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
આ બનાવમાં પોલીસે ભોગ બનનાર બાળાની માતાની ફરીયાદ પરથી કિશન નામના શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ બાળકીની માતા છેલ્લા કેટલાક વર્ષોથી કિશન નામના શખ્સ સાથે લગ્ન કર્યા વગર લિવ-ઈનમાં રહેતી હતી. આ સમય દરમિયાન આરોપી કિશન અવારનવાર માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારતો હતો. આરોપીએ બાળકીને એવી ધમકી આપી હતી કે જો તે આ બાબતે કોઈને જાણ કરશે, તો તે તેની માતા અને ભાઈને જાનથી મારી નાખશે. આ ધમકીના ડરથી માસૂમ બાળકી લાંબો સમય મૌન રહી હતી, જેનો લાભ ઉઠાવી આરોપીએ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.
વધુ વિગતો મુજબ, થોડા દિવસો પહેલા જ્યારે બાળકી તેની માતા સાથે સૂતી હતી, ત્યારે આરોપીએ તેની સાથે અડપલાં કર્યા હતા. મોડી રાત્રે માતાની ઊંઘ ઉડતા તેણે પુત્રીને આરોપી સાથે જોઈ હતી, જેનાથી તેને શંકા ગઈ હતી. ત્યારબાદ માતા પોતાના સંતાનોને લઈને તેના બહેન-બનેવીના ઘરે રહેવા જતી રહી હતી. ત્યાં બાળકીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા તેણે આરોપી કિશન દ્વારા ગુજારવામાં આવેલા ત્રાસની આપવીતી વર્ણવી હતી, જેના આધારે અંતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.
ગાંધીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બાળકીની માતાની ફરિયાદના આધારે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની ગંભીરતાને જોતા પીઆઈ સી. એન. દવે અને સ્ટાફ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પીઆઈ દવેની ટીમ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉ બાળકીની માતા સાથે પણ ઘરકંકાસ કરી મારકૂટ પણ કરતો હતો.
બીજી તરફ ગુનો નોંધાવાની જાણ થતા અથવા પકડાઈ જવાની બીકે કે અન્ય કારણે આરોપી આરોપી કિશને પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મળત્યુ નીપજ્યું હતું. હાલ પીઆઈ સી.એન. દવે અને તેમની ટીમ દ્વારા આ મામલે પંચનામા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(2:45 PM IST)










