<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ફિલ્‍મી ઢબે ભાગમભાગ બાદ ડીસીબીની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર થોરાળામાં પકડી

ગ્રીનલેન્‍ડ ચોકડીથી સંતકબીર રોડ, ભાવનગર રોડ, અમુલ સર્કલ, એંસી ફુટ રોડ, માજોઠી નગર, દૂધસાગર રોડ, ચુનારાવાડ ચોક, ટ્રેક્‍ટર ચોક થઈ છેલ્લે થોરાળામાં કાર અથડાતાં ચાલક અને સાથેનો શખ્‍સ ભાગી ગયાઃ ૩.૫૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૫: કારમાં વિદેશી દારૂના ચપલાનો જથ્‍થો ભરેલી વેગનઆર કાર ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધી હતી. બાતમીને આધારે પોલીસે ગ્રીનલેન્‍ડ ચોકડીએ વોચ રાખી કારચાલકને ઇશારો કરી ઉભી રાખવા જણાવ્‍યું હતું. પણ ચાલકે કાર ભગાવી મુકતાં ડીસીબીની ટીમે ફિલ્‍મી ઢબે પીછો કરી છેક થોરાળા સુધી કાર ભગાવી હતી. બાદમાં ચાલક અને સાથેનો શખ્‍સ કાર રેઢી મુકી અંધારામાં ભાગી ગયા હતાં. કારમાંથી ૧,૪૦,૪૦૦નો દારૂ મળતાં તે તથા કાર મળી ૩,૫૦,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

દારૂ-જૂગારની પ્રવૃતિ ડામવા માટે ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કુવાડવા તરફથી એક સફેદ વગનઆર દારૂ ભરીને આવી રહે છે તે વી બાતમી મળતાં ગ્રીનલેન્‍ડ ચોકડીએ વોચ રાખી હતી. આ વખતે બાતમી મુજબની કાર આવતાં પોલીસે તેના ચાલકને હાથથી ઇશારો કરી ઉભી રાખવા જણાવ્‍યું હતું.

પરંતુ કારચાલકે થંભાવવાને બદલે અચાનક લિવર મારી ગાડી પુરપાટ ઝડપે ભગાડી મુકી હતી. પોલીસે તાત્‍કાલિક પોતાના ખાનગી વાહનોમાં વેગનઆર કારનો પીછો શરૂ કર્યો હતો. કારચાલકે ગ્રીનલેન્‍ડ ચોકડીથી સંતકબીર રોડ, ભાવનગર રોડ, અમુલ સર્કલ, ૮૦ ફીટ રોડ, રાજકોટ-અમદાવાદ બાયપાસ હાઈવે, માજોઠી નગર, દૂધસાગર રોડ, ચુનારાવાડ ચોક, ટ્રેક્‍ટર ચોક થઈ નવા થોરાળા વિસ્‍તારની ગલીઓમાં ગાડી ઘુસાડી હતી. છેલ્લે નવા થોરાળા વણકરવાસ શેરી નં. ૬માં કારચાલકે કાબુ  ગુમાવતાં વેગનઆર કાર ત્‍યાં પડેલાં અન્‍ય વાહનો સાથે અથડાઈ પડી હતી. ત્‍યારબાદ કારચાલક અને તેની બાજુમાં બેઠેલો શખ્‍સ કારને ત્‍યાં જ રેઢી મૂકી અંધારાનો લાભ ઉઠાવી ભાગી ગયા હતાં.

પોલીસે કારની તલાશી લેતાં અંદરથી રોયલ ચેલેન્‍જ વ્‍હીસ્‍કીની ૧૮૦ એમ.એલ.ના ૪૩૨ચપલા રૂ. ૧,૪૦,૪૦૦ના મળી આવ્‍યા તેમજ. દારૂ તેમજ એક મોબાઇલ ફોન અને કાર મળી કુલ  રૂ. ૩,૫૦,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ચાલક અને સાથેના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. પીઆઇ એ. એસ. ચાવડા,  એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં એએસઆઇ મહેશભાઇ સોલંકી, ધર્મરાજસિંહ રાણા, નિકુંજભાઇ મારવીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:45 PM IST)