તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
રાજકોટ જિલ્લામાંથી ગત વર્ષે ₹૩૦,૫૦૦ કરોડની મંજિલ સર કર્યા બાદ આગામી વર્ષોમાં નિકાસનો વધુ ઊંચો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે તંત્ર સજ્જ : કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
ડિસ્ટ્રીક્ટ એઝ એક્સપોર્ટ હબ’ પહેલ અંતર્ગત જિલ્લા નિકાસ પ્રોત્સાહન સમિતિની બેઠકમાં ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ સહિત વિવિધ ઉદ્યોગ મંડળો અને નિકાસ પરિષદોના અગ્રણીઓએ નિકાસ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા મંથન કર્યું

રાજકોટ: રાજકોટ જિલ્લાને નિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવવાના વિઝન સાથે “District as Export Hub (DEH)” પહેલ અંતર્ગત જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા નિકાસ પ્રોત્સાહન સમિતિ (DEPC) ની અગત્યની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અમલી બનાવાયેલી આ પહેલ દ્વારા રાજકોટ જિલ્લાના નિકાસ ક્ષેત્રને નવી દિશા આપવા અને વૈશ્વિક બજાર સાથે જોડવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ, જોઈન્ટ DGFT, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર, EXIM Bank, SIDBI, NABARD, ECGC, CGTMSE, NCGTC, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, India Post, લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ ક્ષેત્રના પ્રતિનિધિઓ, તેમજ EEPC, GJEPC, APEDA, CHEMEXCIL, PLEXCONCIL, TEXPROCIL, FIEO સહિત વિવિધ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધિકારીઓ તથા રાજકોટના અગ્રણી ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો ભૌતિક તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકારની ફોરેન ટ્રેડ પોલિસી હેઠળ શરૂ કરાયેલી આ યોજનાના પ્રથમ તબક્કામાં દેશના ૧૨૦ પ્રાથમિક જિલ્લાઓમાંથી ગુજરાતના અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, મોરબી, જૂનાગઢ, ભરૂચ, વડોદરા, આણંદ, દાહોદ, સુરત, વલસાડ, નવસારી અને રાજકોટ સહિત ૧૫ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક કેન્દ્ર ગણાતા રાજકોટમાંથી ગત વર્ષ દરમિયાન ₹૩૦,૫૦૦ કરોડથી વધુની નિકાસ નોંધાઈ છે. જિલ્લામાં ૨.૫૦ લાખથી વધુ MSME એકમો કાર્યરત છે, જે ૧૧ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીં ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓ વિશ્વના ૧૮૦થી વધુ દેશોમાં નિકાસ થાય છે. કંડલા, મુન્દ્રા અને પીપાવાવ બંદરો સાથે ઉત્તમ રોડ કનેક્ટિવિટી તેમજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને રેલવે નેટવર્કથી જિલ્લાના ઉદ્યોગોને મોટો વેગ મળી રહ્યો છે.
રાજકોટના મુખ્ય નિકાસ ક્ષેત્રો અને આંકડા:
એન્જિનિયરિંગ ઉત્પાદનો: ₹૧૩,૭૦૦ કરોડથી વધુ
કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો: ₹૬,૫૦૦ કરોડથી વધુ
ટેક્ષટાઈલ્સ: ₹૬,૦૦૦ કરોડથી વધુ
જેમ્સ એન્ડ જ્વેલરી: ₹૮૦૦ કરોડથી વધુ
હસ્તકલા તથા હાથશાળ: ₹૧૩૦ કરોડથી વધુ
આ ઉપરાંત ભવિષ્યમાં એરોસ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન, રિન્યૂએબલ એનર્જી સાધનો, ફાર્માસ્યુટિકલ્સ અને એપીઆઈ, મેડિકલ ડિવાઇસીસ, કેમિકલ, પેપર પેકેજીંગ, મેટલ્સ તેમજ ઇલેક્ટ્રિક-ઇલેક્ટ્રોનિક્સ જેવા ઊભરતા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં સરકારી યોજનાઓ, નાણાકીય સહાય, વીમા સુવિધાઓ, ડિજિટલ પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ માધ્યમો દ્વારા નિકાસ વધારવા અંગે સંકલિત પ્રયાસો કરવા સૌ હિતધારકોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
(8:34 PM IST)










