<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

રેલનગરમાં ધોકાની રાતે બે ટાબરીયાની બબાલ પછી મોટેરાઓની બબાલઃ રાજેન્‍દ્રસિંહ પર બેટથી હુમલો

રાજેન્‍દ્રસિંહ ચોૈહાણને માથામાં ઇજાઃ તેમના પત્‍નિને ઢીકા-પાટુનો માર મારી ગાળો ભાંડીઃ પાડોશી બાલેન્‍દ્રસિંગ યાદવ, તેના પત્‍નિ મોતીજારીદેવી, પુત્રવધૂ કમલાદેવી અને સગીર સામે પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૩: દિવાળીના તહેવારમાં ધોકા-પડતરના દિવસે રેલનગર રાધેકૃષ્‍ણ પાર્કમાં બે નાના બાળકો શેરીમાં રમતી વખતે બાખડી પડતાં એક ટાબરીયાએ બીજાને લાફો મારી લેતાં માર ખાનાર બાળકના માતા પાડોશીને આ બાબતે સમજાવવા જતાં પાડોશી દંપતિ, તેની પુત્રવધૂ અને એક સગીરે મળી બેટ, ઢીકાપાટુનો મારી મારી ભુંડી ગાળો દેતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ રાધેકૃષ્‍ણ પાર્ક-૧માં રહેતાં જમીન મકાન લે-વેંચના ધંધાર્થી રાજેન્‍દ્રસિંહ ધીરૂભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી બાલેન્‍દ્રસિંગ યાદવ, સગીર અને મોતીજારીદેવી તથા કમલાદેવી સામે ગુનો નોંધ્‍યો છે. રાજેન્‍દ્રસિંહ પરિવાર સાથે રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૯મીએ ધોકા-પડતર દિવસની રાતે સાડા નવેક વાગ્‍યે હું અમારા ઘર નજીક પાન પાફીના ગલ્લે બેઠો હતો ત્‍યારે મારા ઘર બાજુ દેકારો થતાં હું તે તરફ જતાં મારા પત્‍નિ આરતીબા તથા અમારી શેરીમાં રહેતાં બાલેન્‍દ્રભાઇ યાદવ, તેના પત્‍નિ કમલાદેવી વચ્‍ચે બોલાચાલી ચાલુ હતી. મેં મારા પત્‍નિને ઝઘડાનું કારણ પુછતાં મને જાણવા મળેલું કે મારો દિકરો ગર્વરાજ (ઉ.વ.૩) શેરીમાં રહતો હતો ત્‍યારે બાલેન્‍દુભાઇનો પોૈત્ર નિતીરાજ પણ સાથે રમતો હતો. આ બંને બાળકો વચ્‍ચે રમતાં રમતાં ઝઘડો થતાં નિતીરાજે મારા દિકરા ગર્વરાજને લાફો મારી લીધો હતો અને પોતાના ઘરે ભાગી ગયો હતો.

જેથી મારા પત્‍નિ આ બાબતે બાલેન્‍દ્રભાઇને સમજાવવા જતાં એક સગીર હાજર હોઇ તેણે મારા પત્‍નિ અને મારી દિકરી સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી. જેથી મેં બાલેન્‍દ્રભાઇને તેને સમજાવવાનું અને ગાળો ન બોલે તેવુ કહેતાં અમારી વચ્‍ચે બોલાચાલી-ઝપાઝપી થઇ હતી. એ દરમિયાન તેણે મને પાછળથી માથાના ભાગે બેટ ફટકારી દીધુ હતું. જેથી મને લોહી નીકળવા માંડયા હતાં અને ચક્કર આવી ગયા હતાં. હું પડી ગયો પછી પણ બાલેન્‍દ્રભાઇએ સગીરને-આને હજી વધુ બેટ માર તેમ કહ્યું હતું. બાદમાં મારા પત્‍નિએ તેના હાથમાંથી બેટ આંચકી લઇ મને બચાવ્‍યો હતો.

એ દરમિયાન બાલેન્‍દ્રભાઇના પત્‍નિ મોતીજારીદેવી અને તેના દિકરાની વહુ કમલાદેવીએ આવી મારા પત્‍નિ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુ માર્યા હતાં. દેકારો થતાં સોસાયટીના બીજા લોકો આવી જતાં અમને છોડાવ્‍યા હતાં. મને સારવાર માટે લઇ જવાયો હતો. બાદમાં હુ઼ પોલીસ સ્‍ટેશને ગયો હતો. તેમ વધુમાં રાજેન્‍દ્રસિંહે કહેતાં પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડે ગુનો નોંધ્‍યો હતો.

ગોંડલમાં અકરમ પર ત્રણ શખ્‍સનો ધોકાથી હુમલો

અન્‍ય એક બનાવમાં ગોંડલના ફુલવાડી પાર્કમાં રહેતાં અકરમભાઇ દાઉદભાઇ બાલપરીયા (ઉ.વ.૩૩)ને ધોકાની રાતે એકાદ વાગ્‍યે પાડોશી હનીફભાઇ, હેમતભાઇ, આફતાબ સહિતે ઝઘડો કરી ઢીકાપાટુ અને ફુલછોડના કુંડાથી માર મારતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

(12:13 PM IST)