News of Saturday, 19th September 2026
મેટ્રીમોનીયલ સાઇટથી સંપર્ક થયા બાદ લગ્નની લાલચ આપી વારંવાર દેહ પીંખ્યો
કાર, દાગીના પણ પડાવી લીધાનો આક્ષેપઃ યુવતિને છેલ્લે લગ્નની ના કહી દીધીઃ જતીન અઢીયા સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાતાં તપાસ

રાજકોટ તા. ૧૯: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. મેટ્રીમોનીયલ સાઇટ પર યુવતિનો સંપર્ક કરી રાજકોટના જતીન હરીશભાઈ અઢીયાએ યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની વાતો કરી લાલચ આપી અવાર-નવાર મુલાકાત કરી દેહ સંબંધ બાંધી લીધા બાદ દગો દેતાં ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ભોગ બનનાર યુવતિની ફરિયાદ પરથી મવડી શ્યામલ ઉપવન વીંગ-એ-૨ ફલેટ ન. ૬૦૪ ખાતે રહેતાં જતીન હરીશભાઇ અઢીવા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદની વિગત મુજબ મેટ્રીમોનીયલ સાઇટ પર સંપર્ક થયા બાદ જતીને યુવતિને લગ્નનની લાલચ આપી હતી. એ પછી તે અલગ અલગ ફલેટ પર તેણીને લઇ ગયો હતો અને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે પણ યુવતી લગ્ન કરવાની વાત કરતી ત્યારે આરોપી જતીન પોતાના જૂના છૂટાછેડા અને કાનૂની બાબતોના બહાના બતાવીને લગ્નની તારીખ આગળ ધકેલતો રહ્યો હતો.
જો કે બાદમાં યુવતિને તેણીના પરિવારે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને તેને ઘરમાંથી નીકળી જવા કહ્યું. આ બાબતે આરોપીને ફોન કરવા છતાં તેણે ફોન ઉપાડ્યો ન હતો. આ માનસિક ત્રાસ અને ડિપ્રેશનથી કંટાળીને પીડિત યુવતીએ આશરે ૩૦ જેટલી ઊંઘની ગોળીઓ ગળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતી બેભાન હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સમયસર સારવાર મળતા તેનો જીવ બચ્યો હતો. ફરિયાદમાં પીડિત મહિલાના જણાવ્યા મુજબ, આરોપીએ તેની પાસે નાણાંની માંગણી કરીને ઓનલાઈન ટ્રાન્સફર પણ કરાવ્યા હતા.
આ ઉપરાંત, યુવતીની માલિકીની ટાટા ટિયાગો કારની ઓરિજિનલ ચાવી તેમજ તેના સોના-ચાંદીના કિંમતી દાગીના પણ આરોપીએ પોતાની પાસે રાખી લીધા હતા અને માંગવા છતાં પરત આપ્યા ન હતા.
સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાની લેખિત અરજી અને ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. જી. આલએ ગુનો નોંધતા આગળની તપાસ જે. એન. ગમારાએ હાથ ધરી છે.
(3:41 PM IST)










