News of Monday, 29th June 2026
આગથી ઘરવખરી ખાક જતાં કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમે નવી ખરીદ કરીને પરિવારને ભેટ સ્વરૂપે આપી
સંવેદના-કરૂણા-માનવતાનું ઉદાહરણઃ સ્ટેશન ઓફિસર પરેશભાઇ ચુડાસમા, મોઇનભાઇ શેખ અને તેમની ટીમે માત્ર ફરજ પુરતા મર્યાદિત ન રહી અસરગ્રસ્ત પરિવારને સેટી-પલંગ, કબાટ, ગાદલા સહિતની ઘરવખરી લઇ આપી

રાજકોટઃ શહેરના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિઝના કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પરેશભાઈ પી. ચુડાસમા તથા મોઈનભાઈ શેખ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતી અટકાવી હતી. આ ઘટનામાં પરિવારની ઘરવખરી, સેટી-પલંગ, કબાટ, ગાદલા તેમજ અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ બાદ પરિવારની પરિસ્થિતિ અને વ્યથા જોઈ કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટાફે માત્ર પોતાની ફરજ પુરતી મર્યાદિત ન રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડવાનો સંકલ્પ કર્યો હતો. આ અંતર્ગત ે કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્વૈચ્છિક યોગદાન એકત્ર કરી આગથી અસરગ્રસ્ત પરિવારને લોખંડનો સેટી-પલંગ, કબાટ તથા ગાદલાની સેવા રૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિઝ માત્ર આગ બુઝાવવાનું કાર્ય જ નથી કરતી, પરંતુ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશા અને સહારાનું કિરણ બની માનવતાની સેવા માટે પણ સતત કાર્યરત છે. આ સેવાકીય પ્રવળત્તિ રાજકોટ ફાયર પરિવારની સમાજ પ્રત્યેની સંવેદના, કરૂણા અને જવાબદારીનું જીવંત ઉદાહરણ છે. કોઠારીયા ફાયર સ્ટેશન ટીમની આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ પણ બીરદાવી હતી.
(2:30 PM IST)










