તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
સરધારના બનાવ બાદ રાજકોટમાં તરૂણીઓની છેડતીની વધુ બે ઘટના: તાલુકા પોલીસ મથકે ગુના દાખલ થયા
૮૦ ફૂટ રોડ પર ધોરણ ૧૦ની છાત્રાનો હાથ પકડી અડપલા કરાયા; નાનામવા પાસે ૧૪ વર્ષની બાળકીને સંબંધીએ ધમકાવી સ્ટેટસમાં ફોટા મૂક્યા

રાજકોટ: સરધારમાં દસ વર્ષની બાળકી સાથે અડપલાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી વધુ બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે. શહેરના તાલુકા પોલીસ મથકમાં ૧૪ અને ૧૫ વર્ષની બે તરૂણીઓની છેડતી અને અડપલા અંગે અલગ-અલગ બે ફરિયાદો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રથમ ઘટનામાં ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની છાત્રા સાથે અશોભનીય વર્તન થયાની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર તરૂણી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને હાલ વેકેશન હોવાથી ઘરે આવી હતી. તે ઘર નજીકની એક દુકાનમાં માર્કેટિંગનું કામ શીખવા જતી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, તરૂણી જ્યારે આરોપી શરદ નામના શખ્સના ઘરે ફોન કરવા માટે ગઈ હતી, ત્યારે આરોપીએ તકનો લાભ ઉઠાવી તરૂણીનો હાથ પકડી લીધો હતો અને તેની સાથે અડપલા કર્યા હતા. આ અંગે તરૂણીની માતાએ તાલુકા પોલીસ મથકમાં શરદ સામે ગુનો નોંધાવ્યો છે.
બીજા બનાવમાં નાનામવા રોડ વિસ્તારની ૧૪ વર્ષની તરૂણીને તેના જ એક સંબંધીએ નિશાન બનાવી હતી. ધોરાજી ખાતે રહેતા આ સંબંધીએ તરૂણી સાથે અડપલા કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વધુમાં, આરોપીએ વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરતા પોતાના શરીર પર તરૂણીના નામનું ટેટુ ત્રોફાવ્યું હતું અને તેના ફોટા સોશિયલ મીડિયા પર સ્ટેટસમાં રાખી તરૂણીને હેરાન કરી હતી. આ મામલે પણ મહિલાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટમાં ટૂંકા ગાળામાં બનેલી આ ઘટનાઓએ વાલીઓમાં ચિંતા જન્માવી છે. હાલ પોલીસે બંને કિસ્સામાં ગુના નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.
(9:53 AM IST)










